Home / Sports : 'I personally rejected the offer of Test captaincy', says Bumrah

'મેં જાતે જ કેપ્ટન્સીની ઓફર ઠુકરાવી', જાણો ગંભીર- ગીલ વિશે બુમરાહે શું કહ્યું?

'મેં જાતે જ કેપ્ટન્સીની ઓફર ઠુકરાવી', જાણો ગંભીર- ગીલ વિશે બુમરાહે શું કહ્યું?

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે આખરે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન ન બનવા અંગે મૌન તોડ્યું છે. બુમરાહે કહ્યું કે, 'મેં વર્કલોડના કારણે ઇંગ્લેન્ડ પ્રવાસ પર કમાન સંભાળવાની ઓફર ઠુકરાવી દીધી હતી. મારા ઇનકાર બાદ, ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ સ્ટાર બેટર શુભમન ગિલને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

બુમરાહે 20 જૂનથી ઇંગ્લેન્ડમાં શરૂ થતી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ પહેલા કેપ્ટનસી ન કરવાના પોતાના નિર્ણય વિશે વાત કરી છે. રોહિત શર્માએ સૌથી લાંબા ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધા પછી, બુમરાહ કેપ્ટન બનવા માટે સૌથી મોટો દાવેદાર હતો.

મેં ખુદ ટેસ્ટ કેપ્ટન્સીની ઓફર ઠુકરાવી હતી: બુમરાહ

ટેસ્ટ ટીમના કેપ્ટન ન બનવા અંગે બુમરાહે જણાવ્યું કે, 'આઈપીએલ દરમિયાન રોહિત અને વિરાટની નિવૃત્તિ પહેલા, મેં ટેસ્ટ મેચ સિરીઝમાં મારા વર્કલોડ વિશે બીસીસીઆઈ સાથે વાત કરી હતી. મેં મારી પીઠની સારવાર કરનારા લોકો સાથે તેમજ સર્જન સાથે પણ વાત કરી હતી, જેમણે હંમેશા મને કહ્યું છે કે, મારે વર્કલોડ વિશે સજાગ રહેવું પડશે. એટલે મેં બીસીસીઆઈને કહ્યું કે હું કેપ્ટન બનવા માંગતો નથી, કારણ કે હું પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં બધી મેચ રમી શકીશ નહીં.'

બુમરાહે વધુમાં કહ્યું, 'હા, બીસીસીઆઈ કેપ્ટનશીપ માટે મારૂ નામ વિચારી રહી હતી. પરંતુ પછી મારે કહેવું પડ્યું કે ના, આ ટીમ માટે પણ વાજબી નથી. પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં, જો કોઈ એક ખેલાડી ત્રણ મેચમાં કેપ્ટનશીપ કરે અને અન્ય કોઈ ખેલાડી બે મેચમાં કમાન સંભાળે તો તે ટીમ માટે વાજબી નથી અને હું હંમેશા ટીમને પ્રાથમિકતા આપું છું.'

જણાવી દઈએ કે બુમરાહ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર પાંચમી ટેસ્ટમાં ઘાયલ થયો હતો. તે પીઠની ઈજાને કારણે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી શક્યો ન હતો.

જસપ્રીત બુમરાહે ગૌતમ ગંભીર અને ગિલ વિશે શું કહ્યું?

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે નવા કેપ્ટન શુભમન ગિલ અને હેડ કોચ ગૌતમ ગંભીર સાથેના પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી છે. એક ઇન્ટરવ્યૂમાં બુમરાહે શુભમન વિષે વાત કરતા કહ્યું કે, 'શુભમન ગિલ સાથે મારો ખૂબ જ સારો સંબંધ છે અને જો કેપ્ટનને મારી જરૂર હોય, તો હું હંમેશા તૈયાર રહીશ. મારા અનુભવથી કહું છું કે, તમારે ખેલાડીને સ્વતંત્રતા આપવી પડશે. જ્યારે પણ કેપ્ટનને મારી જરૂર હોય, ત્યારે હું હંમેશા તેની સાથે રહીશ. હું વચ્ચે કૂદીને આવવાનો નથી, જો મને કંઈક દેખાય છે, તો હું શાંતિથી કહીશ. હું આવી રીતે જ ક્રિકેટ રમ્યો છે. હું ઇચ્છું છું કે વ્યક્તિ સ્વતંત્ર રીતે કામ કરે. તે યુવાન છે, તેની પોતાની વિચારસરણી છે અને તે એવું જ હોવું જોઈએ. જો તેને મારી પાસેથી કંઈપણની જરૂર હોય, તો હું હંમેશા તેની સાથે રહીશ.'

જસપ્રીત બુમરાહે હેડ કોચ ગૌતમ ગંભીર વિષે વાત કરતા કહ્યું કે, 'ટેસ્ટ ટીમમાં બદલાવ આવતા હેડ કોચ ગૌતમ ગંભીરને ઘણું સમજવું પડશે. તે એક એવા વ્યક્તિ છે જે ખૂબ જ વ્યક્તિગત અભિગમ રાખે છે. તેમને જ્યાં લાગે કે દખલગીરી કરવી જોઈએ, ત્યાં તેઓ સીધા તે વ્યક્તિ સાથે રૂબરૂ વાત કરે છે. મને લાગે છે કે તેઓ ભારતીય ક્રિકેટમાં એક રસપ્રદ તબક્કાનું સંચાલન કરી રહ્યા છે.'

બુમરાહ ઈજા બાદ લગભગ ત્રણ મહિના પછી મેદાનમાં પાછો ફર્યો

બુમરાહ IPL 2025 દરમિયાન લગભગ ત્રણ મહિના પછી મેદાનમાં પાછો ફર્યો હતો, જ્યાં તે શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. તેણે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 12 મેચમાં 18 વિકેટ લીધી હતી. બુમરાહ હવે ઈંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન કરશે. આ બીજી વખત હતું જ્યારે બુમરાહને પીઠમાં ઈજા થઈ હતી. પહેલીવાર, જ્યારે તેને આવી ઈજા થઈ હતી, ત્યારે તે એક વર્ષથી વધુ સમય માટે ટીમની બહાર હતો.

Related News

Icon