
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ની ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 11 જૂનથી લોર્ડ્સ ખાતે રમાશે અને તેના કારણે IPL 2025ની બાકીની મેચોમાં આ બંને દેશોના ખેલાડીઓના રમવા પર શંકા છે. સાઉથ આફ્રિકાના હેડ કોચ શુકરી કોનરાડે પણ ખેલાડીઓની ઉપલબ્ધતા અંગે નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે IPLમાં ભાગ લેનારા રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ 26 મે સુધીમાં ઘરે પરત ફરવા જોઈએ.
ટૂર્નામેન્ટનું શેડ્યૂલ બદલાતા થઈ સમસ્યા
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL 2025 એક અઠવાડિયા માટે મુલતવી રાખી હતી. બોર્ડે તાજેતરમાં તેનું નવું શેડ્યૂલ બહાર પાડ્યું છે જે મુજબ ટુર્નામેન્ટ 17 મેથી શરૂ થશે અને તેની ફાઈનલ 3 જૂને રમાશે. જોકે, ટૂર્નામેન્ટ લંબાવાના કારણે ટીમોને ઈન્ટરનેશનલ કમીટમેન્ટ પૂર્ણ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી મોટી ચિંતા ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાના ખેલાડીઓની છે.
કોચે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
IPL સિઝન લંબાવવા અંગે કોનરાડે કહ્યું, "IPL અને BCCI વચ્ચે પ્રારંભિક કરાર એ હતો કે ખેલાડીઓ 25 મેના રોજ ફાઈનલ પછી 26 મેના રોજ પાછા ફરશે. અમારા દૃષ્ટિકોણથી કંઈ બદલાયું નથી, એ જ વાતચીત ચાલી રહી છે. હાલની સ્થિતિ મુજબ, અમે ઈચ્છીએ છીએ કે અમારા ખેલાડીઓ 26 તારીખ સુધીમાં પાછા આવી જાય." ક્રિકેટ સાઉથ આફ્રિકાએ WTC ફાઈનલ માટે ટીમની જાહેરાત કરી છે અને બધા ખેલાડીઓ 31 મે સુધીમાં ઈંગ્લેન્ડ પહોંચવાની અપેક્ષા છે. જે ખેલાડીઓ IPLમાં નથી રમી રહ્યા તેઓ 30 મે સુધીમાં પહોંચી જશે, જ્યારે IPLમાં રમી રહેલા ખેલાડીઓએ પ્લેઓફ પહેલા ફ્રેન્ચાઇઝી છોડવી પડશે.
WTC ફાઈનલ માટે સાઉથ આફ્રિકાની ટીમમાં સામેલ ઘણા ખેલાડીઓ એવા છે જે IPLમાં રમી રહ્યા છે. આમાંથી, સાત ખેલાડીઓની ટીમો હજુ પણ પ્લેઓફની રેસમાં છે, જેમાં કોર્બિન બોશ અને રિયન રિકેલ્ટટન (MI), કાગીસો રબાડા (GT), ટ્રિસ્ટન સ્ટબ્સ (DC), એડન માર્કરામ (LSG), માર્કો જેન્સેન (PBKS), લુંગી ન્ગીડી (RCB) અને વિઆન મુલ્ડર (SRH) નો સમાવેશ થાય છે.
ખેલાડીઓએ નવેસરથી NOC લેવા પડશે
આ ખેલાડીઓને શરૂઆતમાં 25 મે સુધી IPLમાં ભાગ લેવા માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવામાં આવ્યા હતા, પરંતુ ટૂર્નામેન્ટ લંબાવાનો અર્થ એ છે કે હવે તેમને તે તારીખથી આગળ વધવા માટે નવી મંજૂરીની જરૂર પડશે. WTC ફાઈનલના મહત્ત્વને જોતાં, ક્રિકેટ સાઉથ આફ્રિકા તેમને NOC આપે તેવી શક્યતા ઓછી છે. IPL ફાઈનલ અને WTC ફાઈનલની શરૂઆત વચ્ચે ફક્ત આઠ દિવસનો સમય હોવાથી, સાઉથ આફ્રિકાનું મેનેજમેન્ટ થાક ટાળવા અને ઓસ્ટ્રેલિયા સામેની તેમની મોટી ટક્કર માટે તૈયારીનો સમય સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.