
રાજ્યમાં જ્યારથી માર્ચ-એપ્રિલ મહિનો બેઠો ત્યારથી ખૂણે-ખૂણેથી આગના કિસ્સા સામે આવી રહ્યા છે. પછી ભલે તે ફેકટરી હોય, ગોડાઉન હોય કે પેપર મિલ જ કેમ ન હોય. જો કે, ઉનાળાની કાળઝાળ ગરમી પણ આગ લાગવાનું કારણ હોઈ શકે છે. છતાં એટલી તીવ્રતાની ગરમી પણ નથી પડી રહી. નવસારી જિલ્લાના વેસ્મા ગામની સીમમાં એક ખાનગી પેપર મિલમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગ્યા બાદ ધૂમાડાના ગોટેગોટે દેખાતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી તાબડતોબ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂ કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
નવસારી જિલ્લામાં આવેલા વેસ્મા ગામની સીમમાં એક ખાનગી પેપર મિલમાં બપોર બાદ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જવાળાઓ ચારેબાજુ મિલને ઝપટે લીધું હતું. આગને લઈ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આગની ઘટનાને લીધે આસપાસના લોકો એકઠા થયા હતા. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે જઈને પાણીનો મારો ચલાવ્યો હતો. જો કે નવસારી, બારડોલી અને સુરત ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ કાબૂમાં લેવામાં આવી હતી. પેપર મિલમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું.