
- અધ્યયન
- ધોરણ 12 વિજ્ઞાાન પ્રવાહમાં પાસ કર્યા બાદ માત્ર 2 વર્ષનો અભ્યાસ કરીને પાયલટ બની શકાય છે
તાજેતરમાં ધોરણ ૧૨નું પરિણામ આવ્યું ત્યારબાદ આગળ શું કરવું? કઈ લાઇન લેવી? એ કહાની ઘર ઘરકી બની ગઈ છે..! મોટાભાગના ગુજરાતના વિજ્ઞાાન પ્રવાહના વિદ્યાર્થીઓ ડોક્ટર-એંજીનીયર જેવી મર્યાદિત વિકલ્પો જ વિચારે છે. ફ્યુચરિસ્ટિક કેરિયર વિષે વિચારવાનું કલ્ચર હજી આપણાં ત્યાં એટલું ખીલ્યું નથી. બાળકમાં કેવા સ્કિલ રહેલા છે? તેનું પેશન શું છે? તેના પેશનને પ્રોફેશનમાં કેવી રીતે બદલી શકાય તેવા વિષયો પર વિચાર કરીને જો કરિયર બનાવવામાં આવે તો તેના યુવાનીમાં કરેલા 'ગોલ્ડન યર્સ'ના ઇન્વેસ્ટમેન્ટનું બેસ્ટ રિટર્ન મળી શકે. આ કૉલમમાં આવા નવા ચીલા ચાતરવા જેવા જરા હટકે કરિયર ઓપ્શન વિષે આપણે ચર્ચા કરીયે.
ધોરણ ૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં પાસ કર્યા બાદ માત્ર ૨ વર્ષનો અભ્યાસ કરીને પાયલોટ બની શકાય છે. જેમાં મુખ્યત્વે ડીજીસીએ દ્વારા લેવામાં આવતી ફ્લાઇટ ક્રૂ એક્ઝામ પાસ કરવાની હોય છે અને ત્યારબાદ ૨૦૦ કલાક વિમાન ઉડાડવાની પ્રેક્ટિકલ તાલીમ લેવાની હોય છે. લગભગ ૬૦ લાખ જેટલા ખર્ચવાળા એવિયેશન ક્ષેત્રને આપણાં ટીપીકલ ગુજરાતી માનસ મુજબ ઘણા મોંઘા ફિલ્ડ તરીકે જોવામાં આવે છે. પરંતુ તેમાં વળતર (આરઓઆઇ)નો લાભ ખૂબ ઓછા લોકો જાણતા હોય છે. સીપીએલની ટ્રેનીંગ બાદ અનેક કેરિયર ઓપ્શન ખૂલી જાય છે. આ ક્ષેત્રે રહેલી કેરિયરની તકો ઉપર એક નજર નાખીએ :
એરલાઇન પાયલટ : ભારતમાં એરલાઇન ક્ષેત્રનો વિકાસ વિશ્વમાં સૌથી ઝડપી છે. આગામી ૧૦ વર્ષ આ ક્ષેત્રે સોનાનો દસકો ગણવામાં આવે છે. ભારતની એરલાઇન્સ દ્વારા અનેક નવા વિમાનોના ઓર્ડર આગલા ૧૦ વર્ષ માટે પૈસા આપીને બુક કરવામાં આવેલ છે. આમ નવા વિમાનો સાથે પાઇલટની વેકન્સી મોટા પ્રમાણમાં આવશે તે સુનિશ્ચિત છે. એરલાઇન કેપ્ટનનો પગાર વર્ષે ૧ કરોડના અંદાજીત પેકેજ ગણાય છે. આમ દર મહિને ૮-૯ લાખના પગાર સાથે તેજસ્વી કારકિર્દીની ઉજ્જવળ તકો રહેલી છે.
એર ફોર્સ પાયલટ : ભારતીય વાયુસેનામાં જોડાવા માંગતા ઉમેદવારો માટે ભરતીનું એક દ્વાર સીપીએલ થકી પણ ખૂલે છે. આપ સીપીએલ ક્લિયર કરી ઇંડિયન એરફોર્સમાં જોડાઈ 'ટચિંગ સ્કાય વિથ ગ્લોરી'ના મંત્રને સાકાર કરી શકો. એર ફોર્સમાં સીપીએલ ધરાવતા ઉમેદવારોને પસંદ કરવા સ્પેશિયલ વેકન્સી સમયાંતરે બહાર આવતી હોય છે.
કોસ્ટ ગાર્ડ પાઇલટ : જેમને સરકારી ક્ષેત્રમાં કામ કરી સરકારી મોભો અને અનેકવિધ લાભો મેળવવા છે તેમના માટે આ વિકલ્પ પણ કઈ ખોટો નથી. તટરક્ષક દળ દ્વારા સમયાંતરે ભરતી કસોટીઓનું આયોજન થતું હોય છે.
કોર્પોરેટ પાઇલટ : સામાન્ય લોકો માત્ર વિવિધ એરલાઇનમાં મુસાફરી કરે ત્યારે જ પાઇલટની ભૂમિકા પ્રત્યક્ષ રીતે નિહાળતા હોય છે. પરંતુ આ સિવાય પણ અનેકવિધ ક્ષેત્રે પાઇલટની ભૂમિકા હોય છે. આજકાલ અનેક બ્લૂ-ચિપ કંપનીઓ પોતાની એવિયેશન કંપનીઓ અને સ્ટાર્ટ-અપ ઇકો-સિસ્ટમ મોટાપાયે ડેવેલોપ થઈ રહી છે. જેમાં જોબની તકો સેલેરી પેકેજ અને વર્કિંગ એનવાયરમેન્ટ એરલાઇન કરતાં પણ સારું માનવમાં આવે છે. ડીજીસીએ દ્વારા નોન-શેડયુલ ઓપરેટર પરમિટ (એનએસઓપી)ના પરવાના થકી ચાલતી આવી ચાર્ટર કંપનીઆ પણ મોટાપાયે પાઇલટને જોબ આપે છે અને સારા પેકેજ મળે છે.
ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર : દેશમાં ડીજીસીએ દ્વારા એપ્રુવ કરેલી અનેક ફ્લાઇંગ ટ્રેનીંગ ઓર્ગેનાઇઝેશન (એફટીઓ)માં સ્ટુડન્ટ પાઇલટને તાલીમ આપવા માટે ચીફ ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર (સીએફઆઇ), ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર (એફઆઇ) વગેરે પોઝીસન માટે મોટાપાયે વેકન્સી બહાર પડતી હોય છે. તેમાં પણ સારામાં સારા પેકેજ મળે છે.
આમ એવિયેશન એક એવું ક્ષેત્ર છે કે જેમાં કારકિર્દીની સોનેરી તકો રહેલી છે. ખૂબ સારા પગારધોરણો, પાઇલટ તરીકે સામાજિક પ્રતિષ્ઠા ઉપરાંત દેશ-વિદેશના વિવિધ સ્થળોના મુલાકાત લેવાની તક મળે છે. સાથે સાથે ફ્લાઇંગ પોતે એક થ્રીલ પણ છે. સર જેઆરડી ટાટા કહેતા કે, 'ફ્લાઇંગ ઇસ બીગેસ્ટ જોય ઓફ માય લાઈફ'!