
Elon Musk Slashes X Subscription Prices In India: ઈલોન મસ્કે પોતાના ભારતીય યુઝર્સને એક મોટી ભેટ આપી છે. મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર)ના સબ્સ્ક્રિપ્શનની કિંમતોમાં ભારે ઘટાડો કર્યો છે. કંપનીના આ પગલાંથી, સબ્સ્ક્રિપ્શન પ્લાન હવે 48 ટકા સુધી સસ્તા થયા છે. ભારતના યુઝર્સ માટે મોબાઈલ પર પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શનની કિંમત હવે 470 રૂપિયા પ્રતિ માસ થઈ છે, જે પહેલાં 900 રૂપિયા પ્રતિ માસ હતી. વેબ યુઝર્સ માટે માસિક પ્રીમિયમ પ્લાનની કિંમત હવે 427 રૂપિયા પ્રતિ માસ છે, જે પહેલા 650 રૂપિયાની કિંમત કરતા 34 ટકા ઘટી છે.
વેબ યુઝર્સ માટે બેઝિક સબ્સ્ક્રિપ્શનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે બેઝિક સબ્સ્ક્રિપ્શનનો માસિક પ્લાન રૂ. 243.75થી ઘટી રૂ.170 થયો છે. બેઝિક યુઝર્સ માટે વાર્ષિક પ્લાન પણ સસ્તો કરવામાં આવ્યો છે, તેની કિંમત વાર્ષિક 1,700 રૂપિયા થઈ છે, જે પહેલા 2,590.48 રૂપિયા હતી.
પ્રીમિયમ પ્લસ સબ્સ્ક્રિપ્શન પણ સસ્તા થયાં
X પર પ્રીમિયમ પ્લસ સબ્સ્ક્રિપ્શન પણ સસ્તા થયા છે. વેબ પર તેનો માસિક ચાર્જ 3,470 રૂપિયાથી 26 ટકા ઘટી 2,570 રૂપિયા થયો છે. મોબાઇલ યુઝર્સે હવે પ્રીમિયમ પ્લસ સબ્સ્ક્રિપ્શન માટે દર મહિને માત્ર 3000 રૂપિયા ચૂકવવા પડશે, જ્યારે પહેલા તેનો ચાર્જ 5,100 રૂપિયા પ્રતિ મહિને હતો.
સબ્સ્ક્રિપ્શન મુજબ સુવિધાઓ ઉપલબ્ધ
બેઝિક એકાઉન્ટમાં પોસ્ટ એડિટ કરવી, કન્ટેન્ટની વધારાની વર્ડ લિમિટ, બેકગ્રાઉન્ડમાં વીડિયો ચલાવવો અને મીડિયા ડાઉનલોડ જેવા ખાસ ફીચર્સ સામેલ છે. જો કે, આ એકાઉન્ટ્સમાં પ્રીમિયમ વેરિફિકેશન ચેકમાર્ક નથી. તેનાથી વિપરીત, પ્રીમિયમ ટીઅર અન્ય વિશિષ્ટ ફીચર્સ તેમજ વેરિફિકેશન જેવા વધારાના લાભો પ્રદાન કરે છે.
પ્રીમિયમ પ્લસ એકાઉન્ટ ઘણા વિશિષ્ટ લાભો પૂરા પાડવા માટે રચાયેલ છે જે બેઝિક અને રેગ્યુલર પ્રીમિયમ યુઝર્સ માટે ઉપલબ્ધ નથી. તેમાં કોઈ જાહેરાત નહીં આવે. ફૂલ-લેન્થ આર્ટિકલ પબ્લિશ કરવાની ક્ષમતા તેમજ X ના અદ્યતન AI ટૂલ Grok 4 નું ઍક્સેસ સામેલ છે.
સ્પર્ધાત્મક બજારમાં પહોંચ વધારવા લીધો આ નિર્ણય
ભારતમાં સબ્સ્ક્રિપ્શન ખર્ચ ઘટાડવાનો નિર્ણય ઈલોન મસ્કની અત્યંત સ્પર્ધાત્મક બજારમાં પ્લેટફોર્મની પહોંચ અને વપરાશકર્તા આધાર વધારવાની વ્યૂહરચનાનો એક ભાગ છે. તેઓ વધુ સસ્તા વિકલ્પ રજૂ કરી Xના યુઝર બેઝમાં વધારો કરવા તેમજ સોશિયલ મીડિયામાં ઉપસ્થિતિ જાળવી રાખવા માગે છે. આ કિંમત ઘટાડાથી ભારતીય યુઝર્સને ઘણો ફાયદો થવાની અપેક્ષા છે, ઘણા હવે X પર ઉપલબ્ધ બધી વિશિષ્ટ સુવિધાઓનો અનુભવ કરી શકશે.