
ટેસ્લા ભારતમાં પોતાનું પહેલું મોટું પગલું ભરવા માટે તૈયાર છે, કંપની આજે મુંબઈમાં પોતાનો પહેલો શોરૂમ ખોલશે. દેશની આર્થિક રાજધાનીમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં સ્થાપિત થનાર આ નવું ટેસ્લા એક્સપિરિયન્સ સેન્ટર અમેરિકન EV બ્રાન્ડના આગામી મોડેલ્સનું પ્રદર્શન કરશે. તેમજ વિયેતનામી કાર કંપની વિનફાસ્ટની પણ ભારતમાં સફર શરૂ થવાની સાથે ઇલેક્ટ્રિક SUV મોડેલ્સનું સત્તાવાર બુકિંગ શરૂ કરવા જઈ રહી છે.
ભારતીય ઓટો ઈન્ડસ્ટ્રી માટે મહત્ત્વનો દિવસ
ટેસ્લા વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર કંપનીઓમાંની એક છે, તો વિનફાસ્ટ પણ ઝડપથી વિકસતી કાર ઉત્પાદક કંપની છે. ટેસ્લા આજે ભારતમાં પોતાનો પહેલો શોરૂમ કેન્દ્ર શરૂ કરશે, જ્યારે વિનફાસ્ટ આ બાબતમાં થોડું આગળ છે. વિનફાસ્ટે દેશના 27 શહેરોમાં 32 ડીલરશીપ સાથે ભાગીદારી કરી છે અને કંપની આજથી તેની કારનું બુકિંગ શરૂ કરશે.
ઈલોન મસ્ક માટે ભારત કેમ મહત્ત્વપૂર્ણ?
ટેસ્લા વિશે વાત કરીએ તો, ભારતીય બજાર ઈલોન મસ્ક માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. યુરોપિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ACEA) ના ડેટા અનુસાર, મે મહિનામાં યુરોપમાં ટેસ્લાની નવી કારનું વેચાણ સતત પાંચમા મહિને ઘટ્યું છે. મોટાભાગના ગ્રાહકો ચીની કાર સસ્તી હોવાથી તેના તરફ વળી રહ્યા છે. ACEA ના રિપોર્ટ અનુસાર, મે મહિનામાં ટેસ્લાની કારનું વેચાણ ઘટીને 13,863 યુનિટ થયું છે, જે ગયા વર્ષ કરતા 27.9% ઓછું છે. આવી સ્થિતિમાં, ભારતીય બજાર ઈલોન મસ્ક માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની ગયું છે.
ભારતીય બજારમાં ટેસ્લાની તૈયારીઓ
ભારતીય બજારમાં ટેસ્લાના પ્રવેશની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કંપનીએ મુંબઈમાં 4,000 ચોરસ ફૂટનો પોતાનો પહેલો શોરૂમ તૈયાર કરી લીધો છે, જેને 'એક્સપિરિયન્સ સેન્ટર' તરીકે પણ જોવામાં આવે છે. ચીનથી બનેલી લગભગ 5 કાર પણ ભારતમાં આવી ચૂકી છે.
- મુંબઈમાં પ્રથમ શોરૂમ તૈયાર છે, અને દિલ્હીમાં પણ બીજો શોરૂમ ખોલવાની યોજના છે.
- ટેસ્લાએ તાજેતરમાં મુંબઈ, પુણે અને દિલ્હીમાં સપ્લાય ચેઈન, આઈટી, ઓપરેશન, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એઆઈ, રોબોટિક્સ, સેલ્સ અને કસ્ટમર સપોર્ટ સહિતના વિવિધ વિભાગોમાં નોકરીઓ માટે અરજીઓ મંગાવી હતી.
- જોકે ચોક્કસપણે કંઈ કહી શકાય નહીં, પરંતુ ટેસ્લાએ Model Y અને Model 3 માટે હોમોલોગેશન અરજીઓ દાખલ કરી છે. મોડેલ Y, જે એક મિડ-સાઈઝ ઇલેક્ટ્રિક એસયુવી છે અને 574 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે, તે ભારતમાં સૌપ્રથમ લોન્ચ થવાની શક્યતા છે. Model X પણ રજૂ થઈ શકે છે, પરંતુ તે વધુ મોંઘી હશે.
- ભારતની ઇલેક્ટ્રિક વાહન નીતિ મુજબ, 70% ઈમ્પોર્ટ ડ્યુટી લાગુ પડશે. આને કારણે, ટેસ્લાની કારની ભારતમાં પ્રારંભિક કિંમત લગભગ ₹60 થી ₹65 લાખ રૂપિયા હોઈ શકે છે.
ભવિષ્યમાં, જો ભારતીય બજારમાં માંગ વધશે, તો ટેસ્લા તેની વ્યૂહરચના બદલી શકે છે અને ભારતીય બજાર માટે વધુ સસ્તા મોડેલ પર પણ કામ કરી રહી હોવાના પણ અહેવાલ છે.
વિનફાસ્ટ ભારતમાં ધૂમ મચાવવા તૈયાર
વિયેતનામની મોટી કંપની Vingroupની માલિકીની ઇલેક્ટ્રિક કાર નિર્માતા વિનફાસ્ટ ભારતીય બજારમાં પ્રવેશ કરવા માટે સજ્જ છે. 1993માં ફામ નહત વુઓંગ દ્વારા સ્થાપિત વિનગ્રુપ, ફૂડ પ્રોડક્ટ્સથી શરૂઆત કરીને આજે ટેક્નોલોજી, રિયલ એસ્ટેટ, રિટેલ અને સ્વાસ્થ્ય જેવા અનેક ક્ષેત્રોમાં એક્ટીવ છે. વિનફાસ્ટ એ વર્ષ 2017માં ઇલેક્ટ્રિક કાર બનાવવાનું શરૂ કર્યું અને 2021થી ઉત્પાદન કરી રહી છે.
વિનફાસ્ટની ભારત માટેની યોજના
ટેસ્લાથી વિપરીત વિનફાસ્ટ ભારતમાં CBU (Completely Built Unit) રૂટને બદલે કારને અસેમ્બલ કરીને વેચશે. જેથી કારની કિંમત ઓછી રાખી શકાય. કંપનીએ ભારતના 27 મોટા શહેરોમાં 32 ડીલરશીપ શરૂ કરી દીધી છે. VF6 અને VF7 નામની બે ઇલેક્ટ્રિક SUV કારનું બુકિંગ 16 જુલાઈ, 2025થી શરૂ થશે.
તમિલનાડુમાં પ્લાન્ટ
વિનફાસ્ટએ ગયા વર્ષે જાન્યુઆરીમાં તમિલનાડુમાં $2 બિલિયન (લગભગ ₹1,66,21 કરોડ) ના રોકાણ સાથે ઇલેક્ટ્રિક વાહન અને બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે કરાર કર્યો છે. થુથુકુડી, તમિલનાડુના SIPCOT ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં 400 એકરમાં ફેલાયેલા આ પ્લાન્ટનું નિર્માણ કાર્ય લગભગ પૂર્ણ થવા આવ્યું છે. આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટમાં $500 મિલિયનનું વધારાનું રોકાણ અને લગભગ 3500 નવી નોકરીઓ ઊભી થવાની અપેક્ષા છે. આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 1,50,000 યુનિટ હશે, જોકે કંપની પહેલા વર્ષે 50,000 યુનિટનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય ધરાવે છે.
વિનફાસ્ટના શોરૂમ કયા શહેરોમાં છે?
દિલ્હી, ગુરુગ્રામ, નોઇડા, ચેન્નઈ, બેંગલુરુ, હૈદરાબાદ, પુણે, જયપુર, અમદાવાદ, કોલકાતા, કોચીન, ભુવનેશ્વર, ત્રિવેન્દ્રમ, ચંદીગઢ, લખનઉ, કોઈમ્બતુર, સુરત, કાલિકટ, વિશાખાપટ્ટનમ, વિજયવાડા, શિમલા, આગ્રા, ઝાંસી, ગ્વાલિયર, વાપી, બરોડા અને ગોવા.
વિનફાસ્ટની કાર: VF6 અને VF7
વિનફાસ્ટએ તાજેતરમાં ભારતના મુખ્ય શહેરોમાં VF6 અને VF7 ઇલેક્ટ્રિક SUV ને લોન્ચ કરી છે. VF6 કાર 4241mm લાંબી છે અને તેમાં 59.6 kWh બેટરી પેક છે જે 480 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. તેનો હાઈ વેરિઅન્ટ 201 hp પાવર અને 310 Nm ટોર્ક જનરેટ કરે છે.
જયારે VF7 VF6 કરતાં મોટી છે, આ કાર 4545mm લાંબી છે અને બે બેટરી પેક (59.6kWh અને 70.8kWh) વિકલ્પો સાથે આવે છે, જે 498 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. તેમાં 8 એરબેગ્સ છે અને હાઈ વેરિઅન્ટ ઓલ-વ્હીલ-ડ્રાઇવ (AWD) સાથે પણ ઉપલબ્ધ છે.
નિષ્ણાતોના મતે, વિનફાસ્ટ VF6ની કિંમત ₹25 થી ₹30 લાખ અને VF7ની કિંમત ₹45 થી ₹50 લાખની આસપાસ હોઈ શકે છે. ભારતીય બજારમાં ટાટા મોટર્સ, મહિન્દ્રા અને MG મોટર્સ જેવી કંપનીઓ પાસેથી સખત સ્પર્ધા મળવાની અપેક્ષા છે.