
Stock marketમાં તાજેતરની તેજી અને એપ્રિલના નીચલા સ્તરથી સૂચકાંકોમાં મજબૂત રિકવરી તેમજ વિદેશી રોકાણમાં વધારો થવાને કારણે લિસ્ટેડ કંપનીઓના શેરના બ્લોક ડીલ્સના વેચાણમાં વધારો થયો છે. આ મહિનામાં અત્યાર સુધીમાં બ્લોક અને બલ્ક ડીલ્સ દ્વારા રૂ. ૬૫,૦૦૦ કરોડના શેર વેચાયા છે, જે ઓગસ્ટ ૨૦૨૪ પછીના કોઈપણ મહિનામાં સૌથી વધુ છે. છેલ્લા ચાર મહિના દરમિયાન શેરના ભાવમાં તીવ્ર વધઘટને કારણે બલ્ક ડીલ્સ લગભગ બંધ થઈ ગયા હોવાથી, ચાર મહિનાના દુષ્કાળ પછી બલ્ક ડીલમાં વધારો થયો છે.
આ મહિને ઘણા મોટા જથ્થાબંધ સોદા થયા
આ મહિને ઘણા મોટા જથ્થાબંધ સોદા થયા. સિંગટેલે ભારતી એરટેલમાં 13,221 કરોડ રૂપિયાના શેર વેચ્યા.ઇન્ડિગોની પ્રમોટર કંપની ઇન્ટરગ્લોબ એવિએશનના સહ-સ્થાપક રાકેશ ગંગવાલે ૧૧,૫૬૪ કરોડ રૂપિયાના શેર વેચ્યા. તેવી જ રીતે, સજ્જન જિંદાલ ફેમિલી ટ્રસ્ટે જેએસડબલ્યુ સિમેન્ટમાં રૂ. 1,210 કરોડના શેર વેચ્યા અને એન્ટફિને પેટીએમમાં રૂ. 2,104 કરોડના શેર વેચ્યા. તાજેતરના સોદામાં, બ્રિટિશ અમેરિકન ટોબેકો પીએલસી (બીએટી) એ આઇટીસી માં રૂ. 12,941 કરોડના શેર વેચ્યા છે. મોટાભાગના શેર વેચાણમાં ખરીદદારો તરફથી બજારમાં તેજી જોવા મળી હતી.
બલ્ક ડીલના શેરનું વેચાણ સામેલ
બ્લોક ડીલમાં લિસ્ટેડ કંપનીઓના હાલના શેરધારકો દ્વારા સ્ટોક એક્સચેન્જ પર વિશેષ વિન્ડો દ્વારા આ બલ્ક ડીલના શેરનું વેચાણ સામેલ છે. આનાથી મ્યુચ્યુઅલ ફંડ જેવા સંસ્થાકીય રોકાણકારો શેરના ભાવમાં કોઈપણ વધઘટ વિના મોટા પાયે કંપનીના શેર ખરીદી શકે છે. આવા સોદા સામાન્ય રીતે બજારની તેજીની સ્થિતિ અને પર્યાપ્ત પ્રવાહિતાના સમયમાં જોવા મળે છે.
વૈશ્વિક વેપાર અનિશ્ચિતતા, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા વેચાણ અને નબળા કોર્પોરેટ પરિણામોને કારણે 2025 ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન પ્રાથમિક બજારમાં ખાસ લે વેચ જોવા મળી ન હતી. જોકે, અમેરિકા દ્વારા વિવિધ દેશો પર લાદવામાં આવેલા વળતા જવાબી ટેરિફ પર 90 દિવસની મુદતની જાહેરાત બાદ રોકાણકારોની ચિંતા થોડી ઓછી થઈ. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામથી રોકાણકારોનો ઉત્સાહ પણ વધ્યો. નિફ્ટી 7 એપ્રિલના તેના નીચલા સ્તરથી લગભગ 10 ટકા વધ્યો છે.
એચએસબીસી ઇન્ડિયામાં ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગના વાઇસ ચેેરમેન અમિતાભ મલ્હોત્રાએ જણાવ્યું કે, બજારમાં વર્માન તેજીના કારણે બલ્કમાં શેરો વેચનારી પાર્ટીઓને શેરો વેચવાની યોગ્ય કિંમત લાગી રહી છે. આથી વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો બંનેએ જથ્થાબંધ સોદામાં નોંધપાત્ર સંખ્યામાં શેર ખરીદ્યા.
આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અજય સરાફે જણાવ્યું હતું કે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો ત્રણ મહિના સુધી ચોખ્ખા વેચવાલ રહ્યા પછી એપ્રિલ અને મે મહિનામાં ચોખ્ખા લેવાલ બન્યા. તેમણે કહ્યું, 'અમેરિકા સાથે વેપાર કરારની અપેક્ષા અને ભૂ-રાજકીય તણાવમાં ઘટાડો થવાથી મોટા સોદાઓને વેગ મળ્યો.'
તેમનું અનુમાન છે કે, 2025ના બાકી બચેલા મહીનાઓમાં પ્રાયમરી અને સેક્ન્ડરી માર્કેટમાં ખૂબ જ કામકાજ જોવા મળશે અને હજુ વધુ બલ્ક ડીલલ્સ થશે. મલ્હોત્રાએ કહ્યું, 'ફુગાવામાં નરમાઈ, રેપો રેટમાં વધુ ઘટાડો, કર રાહતોને કારણે લોકોના હાથમાં વધુ પૈસા અને સારા ચોમાસાની આગાહીથી ભારતની વૃદ્ધિ ગાથા એટલે કે ગ્રોથ સ્ટોરી વધુ મજબૂત બનશે.'
એક ઇન્વેસ્ટમેન્ટ બેન્કરે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "બજાર સારા સ્તરે છે અને શેરના ભાવ પણ નરમ પડ્યા છે, પરંતુ તાજેતરની તેજીએ વેચવાલઓ અને લેવાલ બંનેને આકર્ષ્યા છે." આઇટીસી, ઇન્ડીગો અને એરટેલ જેવી કંપનીઓ લાંબા ગાળાના રોકાણની તકો પ્રદાન કરે છે, જેના કારણે મોટા રોકાણકારો તરફથી બલ્ક ડીલ્સની માંગમાં વધારો થયો છે. ફક્ત બ્લોક ડીલ્સ જ નહીં, આઇપીઓ માર્કેટમાં પણ તેજી જોવા મળી છે અને બે મહિનાના દુષ્કાળ પછી, મે મહિનામાં એક ડઝનથી વધુ આઇપીઓ આવ્યા છે.