
છત્તીસગઢના બસ્તર વિભાગના બીજાપુર જિલ્લાના રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં દળો અને નક્સલીઓ વચ્ચે થયેલ એન્કાઉન્ટરમાં વધુ એક નક્સલી ઠાર મરાયો છે. સતત બીજા દિવસે વધુ એક વોન્ટેડ નક્સલી નેતા મેલારાપુ અડેલુ ઉર્ફે ભાસ્કરને દળોએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. તે તેલંગાણા રાજ્ય નક્સલી સમિતિનો પ્રભારી હતો. ઘટનાસ્થળેથી એક AK-47 રાઈફલ મળી આવી છે. તેના માથે 45 લાખ રૂપિયાનું ઈનામ હતું. ગુરુવારે, આ જ વિસ્તારમાં, સૈનિકોએ નક્સલી નેતા સુધરકરને ઠાર માર્યો હતો, જેના માથા પર એક કરોડ રૂપિયાનું ઈનામ હતું.
નેશનલ પાર્ક વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભયંકર અથડામણ
જિલ્લાના ગાઢ જંગલોમાં આવેલા નેશનલ પાર્ક વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ભયંકર અથડામણ ચાલી રહી છે. શુક્રવારે થયેલી અથડામણમાં ડીઆરજીના જવાનોને વધુ એક સફળતા મળી છે. જવાનોએ એક ઇનામી નક્સલીને ઠાર માર્યો છે, જે તેલંગાણા સ્ટેટ કમિટીથી જોડાયેલો મહત્ત્વનો સભ્ય હતો. સતત બીજા દિવસે મળેલી સભળતાથી સુરક્ષા દળોનું મનોબળ વધ્યું છે.
નક્સલી જંગલમાં છૂપાયેલા હોઈ શકે
સુરક્ષા દળોએ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સર્ચ ઓપરેશન ઝડપી કરી દીધું છે. ડીઆરજી, સીઆરપીએફ અને એસટીએફની સંયુક્ત ટીમ જંગલોમાં પેટ્રોલિંગ કરી રહી છે. અથડામણ દરમિયાન વિસ્તારમાં ભારે ગોળીબાર થયો અને જડબાતોડ જવાબી કાર્યવાહીમાં આ નક્સલી ઠાર મરાયો. ઠાર મરાયેલો નક્સલી સંગઠન માટે મહત્ત્વનો મનાઈ રહ્યો હતો. આ કાર્યવાહી સુરક્ષા દળો માટે એખ મોટી સફળતા તરીકે જોવાઈ રહી છે. વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને શક્યતા છે કે હજુ કેટલાક નક્સલી જંગલમાં છૂપાયેલા હોઈ શકે છે.