
- વિચાર-વીથિકા
અનન્યાશ્ચિન્તયન્તો માં યે જનાઃ પર્યુપાસતે ।
તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમઃ વહામ્યહમ્ ।।
'જે અનન્યભાવે મારું ચિંતન કરતાં મને નિષ્કામ ભાવથી ઉપાસે છે તે નિત્ય મારામાં જોડાયેલાઓના યોગક્ષેમ (અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તની રક્ષા)નો ભાર હું ઉઠાવું છું.'
- શ્રીમદ્ ભગવદ્ ગીતા ( અધ્યાય-૯, શ્લોક-૨૨)
ભગવાન શ્રીકૃષ્ણના અનન્ય ભક્ત મહાકવિ મુકુંદરાજ ઉચ્ચકોટિના રાજયોગી, વેદાન્તી અને આત્મજ્ઞાની હતા. શ્રીમદ્ ભગવદગીતામાં શ્રીકૃષ્ણે કર્મ-ભક્તિ-જ્ઞાન ત્રણેયની વાત છઠ્ઠા અધ્યાયના ત્રણ ષટ્કમાં રજૂ કરી છે. આત્મ-સાક્ષાત્કાર પ્રાપ્તિ કરવા ત્રણેયનો સમન્વય જરૂરી છે.
માનવી કર્મ કર્યા વિના તો એક પળ પણ રહી શક્તો નથી એટલે નિષ્કામ, સમ્યક્ કર્મ તો કરવાનું જ છે. એ સાથે ભગવાનના માહાત્મ્ય જ્ઞાન સાથે એમનામાં સર્વથી અધિક પ્રેમ ધારણ કરી રાખવો જોઈએ. મહાકવિ મુકુંદરાજ આવી જ ભક્તિ કરતા હતા.
મુકુન્દરાજનો જન્મ લગભગ શક સંવત્ ૧૦૫૦માં ભંડારા જિલ્લાના પૌનીમાં થયો હોવાનું મનાય છે. મહારાષ્ટ્રના મરાઠવાડાના બીડ જિલ્લાના અંબાજોગાઇમાં મુકુંદરાજની સમાધિ રૂપી સ્મારક છે. મુકુંદરાજ નાથ સંપ્રદાયના હતા અને આદિ શંકરાચાર્યના અદ્વૈત દર્શનના અનુયાયી હતા. તે સંભવત્ઃ ભાસ્કરાચાર્યના સમકાલીન હતા. બાળપણથી જ તેમનું મન વૈરાગ્ય અને ભગવત્પ્રેમ તરફ આકર્ષિત થઈ ગયું હતું. તેમના ગુરુ રઘુનાથ હતા. એમની ગુરુ પરંપરામાં આદિનાથ, હરિનાથ વગેરે મોટા મોટા યોગીશ્વર થઈ ગયા હતા. મુકુંદરાજ અત્યંત ગુરુનિષ્ઠ હતા. ગુરુને સાક્ષાત્ પરમાત્માનું સ્વરૂપ માની એમના પ્રત્યે પ્રગાઢ પ્રેમભાવ રાખતા હતા.
મુકુંદરાજના બે ગ્રંથ વિવેકસિંધુ અને પરમામૃતલોક મરાઠી વાઙમયના અણમોલ ખજાનો છે. વિવેકસિંધુને મરાઠી ભાષામાં સાહિત્યનો પ્રથમ ગ્રંથ મનાયો છે અને મુકુંદરાજને મરાઠી ભાષાના અગ્રણી તરીકે જોવામાં આવે છે. આ બન્ને ગ્રંથો સરસ અને પ્રાસાદિક શૈલીમાં લખાયેલા છે. જે વિષયોનું સુંદર વર્ણન વિવેકસિંધુમાં પૂર્ણરૂપે થયું છે એની સંક્ષિપ્ત જાણકારી લાઘવમાં પરમામૃત લોકમાં કરવામાં આવી છે. શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ આનંદકંદ પૂર્ણ પુરુષોત્તમ સાકાર સગુણ ઇશ્વરની રસમય ચરિત્રગાથાથી બન્ને ગ્રંથ પરિપૂર્ણ છે.
શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં ભગવાનની યશગાથા ગાવાથી થતા લાભ વિશે કહેવાયું છે-
'તદેવ રમ્યં રુચિરં નવં નવં, તદેવ શશ્વન્મનસો મહોત્સવમ્ ।
તદેવ શોકાર્ણવ શોષણ નૃણાં, યદુત્તમશ્લોક યશોડનુગીયતે ।।
'જે વચન દ્વારા ઉત્તમ કીર્તિવાળા ભગવાનનો યશ ગવાતો હોય તે જ વચન મનના મહોત્સવ રૂપ અને શોકના સાગરને શોષી લેનારું બને છે.' (સ્કંધ-૧૨, અધ્યાય-૧૨, શ્લોક-૪૯)
મહાકવિ મુકુંદરાજ, નિરંતર ભગવદ્ ગુણગાન ગાવામાં મગ્ન રહેતા હતા. ભગવાન શ્રીહરિની અનન્યભાવથી ઉપાસના કરવામાં જ તેમની પૂર્ણ આસ્થા અને દ્રઢ નિષ્ઠા હતી. ભગવાન શ્રીકૃષ્ણને હૃદયના સિંહાસન પર બિરાજમાન કરી એમની સેવા અને સ્મરણ કરતા રહેવું જોઈએ. એવો એમનો અચળ ભક્તિ સિદ્ધાન્ત હતો તે કહેતા હતા- જે સાકાર-સગુણ ઇશ્વરની ઉપાસના કરતા નથી તે મૂઢ છે. નિરાકારમાં મન લાગી શક્તું નથી. અને જે એવો પ્રયત્ન કરે છે તેમને ઘણું ખરું કરીને બ્રહ્મ-સાક્ષાત્કાર થઈ શક્તો નથી. પ્રેમ, પ્રસન્નતા કે પરિતોષનો અનુભવ થતો નથી. હરિ, હર અને શક્તિ, શ્રીરામ અને શ્રીકૃષ્ણ બધા ઇશ્વરના સાકાર સ્વરૂપો બ્રહ્મ જ છે.
એકવાર નિવૃત્તિનાથે સંત જ્ઞાનેશ્વરને કહ્યું હતું- ' તમે ગીતાને તમારી ભાષાનું રૂપ આપ્યું. મુકુન્દરાજને ધન્ય છે જેમણે એમની મતિ અનુસાર વિવેકસિન્ધુ ગ્રંથ લખી કાઢયો.' મુકુન્દરાજે બલ્લાલ જયંતપાલ નરેશની વિશેષ પ્રાર્થના કરાતાં આત્મસુખ માટે જ આ ગ્રંથની રચના કરી દીધી હતી.
- દેવેશ મહેતા