Home / Business : The rise in gold and silver was seen as a surge, global gold fell below $3300 per ounce

Business: સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નીવડયા, વૈશ્વિક સોનું ઔંશના 3300 ડોલરની અંદર ઉતર્યું

Business: સોના-ચાંદીમાં ઉછાળા ઉભરા જેવા નીવડયા, વૈશ્વિક સોનું ઔંશના 3300 ડોલરની અંદર ઉતર્યું

- બુલિયન બિટ્સ 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- યુધ્ધ વિરામના પગલે વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ઉંચા મથાળેથી 14થી 15 ડોલર તૂટી ગયા

- વૈશ્વિક સોનામાં વધ્યા ભાવથી 100 ડોલર તૂટયા : ઘરઆંગણે ઇમ્પોર્ટ કોસ્ટ કરતા નીચા બોલાતા ભાવ !

દેશના ઝવેરીબજારોમાં વિતેલા સપ્તાહ દરમિયાન સોનાના ભાવ વધઘટે દબાણ હેઠળ જોવા મળ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ આરંભિક આંચકા પચાવી ફરી ઉંચકાયા હતા. વિશ્વબજારના સમાચાર કિંમતી ધાતુઓમાં બેતરફી વધઘટ બતાવી રહ્યા હતા. વૈશ્વિક સ્તરે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ વધ્યા પછી ઝડપી નીચે ઉતરતાં વૈશ્વિક સ્તરે કિંમતી ધાતુઓમાં પ્રત્યાઘાતી ઘટાડા પછીના મથાળે ફંડોનું બાઈંગ વધતું જોવા મળ્યું હતું. દરમિયાન, અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ જે વધી 10ગ્રામના ઉંચામાં રૂ.એક લાખની સપાટી વટાવી ગયા હતા તે ત્યારબાદ ફરી ઘટી રૂ.એક લાખની સપાટીની અંદર ઉતર્યાના નિર્દેશો મળ્યા હતા. વૈશ્વિક સ્તરે વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ઉંચામાં 98ની ઉપર ગયા પછી નીચામાં આ ઈન્ડેક્સ 97ની સપાટીએ ઉતરી ગયાના સમાચાર હતા. આવા માહોલમાં વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ 3368થી 3369ડોલરવાળા નીચામાં એક તબક્કે ઘટી 3300 ડોલરની સપાટીની અંદર ઉતરી ગયા પછી ફરી બાઉન્સ બેક થઈ 3350 ડોલર સુધી ઉંચકાયાના સમાચાર મળ્યા હતા. જોકે શુક્રવારે ભાવ ફરી તૂટી નીચામાં ૩૨૫૫ ડોલર સુધી ઉતર્યા હતા. દરમિયાન, અમદાવાદ બજારમાં સોનાના ભાવ ઉંચી ટોચ પરથી ઘટાડા પર રહ્યા હતા. અમદાવાદ બજારમાં તાજેતરમાં સોનાના ભાવ વધી ઉંચામાં 10ગ્રામના રૂ.102500 બોલાતાં નવો રેકોર્ડ સર્જાયો હતો પરંતુ ત્યારબાદ ભાવ ઘટતા રહી નીચામાં રૂ.એક લાખ તથા 995ના ભાવ રૂ.એક લાખની અંદર ઉતર્યા હતા. મુંબઈ બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ઉંચા ભાવથી ઘટી રૂ.95 હજાર આસપાસ રહ્યા હતા.

વિશ્વબજારના સૂત્રોના જણાવ્યા મુજબ તાજેતરમાં ઈરાન તથા ઈઝરાયેલ વચ્ચે યુધ્ધ ફાટી નિકળતાં વૈશ્વિક સોનામાં સેફ- હેવન બાઈંગ વધ્યું હતું અને ફંડો એકટીવ રહ્યા હતા તથા એ દરમિયાન વૈશ્વિક સોનાના ભાવ ઉંચા ગયા હતા. જોકે ત્યારબાદ યુધ્ધમાં વિરામ આવતાં વિશ્વબજારમાં સોનામાં નવી લેવાલી ધીમી પડી ગઈ હતી અને તેના પગલે ઉંચા ભાવથી વૈશ્વિક સોનામાં પ્રત્યાઘાતી ઘટાડો શરૂ થતાં ભાવ નીચામાં ૩૩૦૦ ડોલરની અંદર જતા રહ્યા હતા.

અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ ઉંચામાં કિલોના રૂ.1 લાખ 8 હજાર સુધી પહોંચ્યા હતા જ્યારે મુંબઈ બજારમાં ચાંદીના ભાવ તાજેતરમાં વધી ઉંચામાં કિલોના રૂ.1 લાખ 10 હજાર નજીક પહોંચ્યા હતા. મુંબઈ બજારમાં જીએસટી સાથેના ભાવ ત્રણ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવ ઔંશના ઉંચામાં 37 ડોલરની સપાટી પાર કરી ગયા હતા. જોકે ત્યાર બાદ ભાવ ઘટતાં ઘરઆંગણે પણ ચાંદીના ભાવ ઊંચેથી ઝડપી તૂટયા હતા. ઈરાન- ઈઝરાયેલ યુધ્ધના પગલે વિશ્વબજારમાં ક્રુડતેલના ભાવ એક તબક્કે ઝડપી વધી બેરલના 81 ડોલર ઉપર 81.40 ડોલર સુધી પહોંચી ગયા હતા. જોકે ત્યારબાદ યુધ્ધ વિરામના પગલે વૈશ્વિક ક્રૂડતેલના ભાવ ઉંચા મથાળેથી 14થી 15ડોલર તૂટી ગયા હતા. ક્રૂડની આવી મોટી ઉછળકુદની અસર વિશ્વબજારમાં સોનાના ભાવ પર પણ જોવા મળી હતી અને તેના પગલે સોનામાં પણ ભાવમાં બેતરફી ઉછળકુદ જોવા મળી હતી. દરમિયાન, વિશ્વબજારમાં તાજેતરમાં પ્લેટીનમના ભાવ ઉછળી દસ વર્ષની ટોચે પહોંચ્યા હતા. પ્લેટીનમના ભાવ વધી ઔંશના ઉંચામાં1400 ડોલરની સપાટી પાર કરી ગયા હતા. પ્લેટીનમ પાછળ વૈશ્વિક પ્લેટીનમના ભાવ પણ ઉંચકાઈ ઔંશદીઠ ઉંચામાં 1100 ડોલરની સપાટી ટ્રેડ થતા જોવા મળ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ પણ વધી ઉંચામાં ટનના 9900ડોલર નજીક પહોંચી ગયા હતા. અમેરિકામાં તાજેતરમાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજના દર જાળવી રાખવાનો નિર્ણય કરતાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે આની સામે નારાજગી દર્શાવી હતી તથા ફેડરલ રિઝર્વમાં નવા અધ્યક્ષ લઈ આવવાના સંકેતો પણ ટ્રમ્પે બતાવ્યાના વાવડ દરીયાપારથી મળ્યા હતા. આના પગલે વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ દબાણ હેઠળ આવતાં વિશ્વબજારમાં સોનામાં 3300ડોલર નીચે ફંડો ફરી સોનું ખરીદવા દાખલ થયા હતા. અમેરિકામાં અર્થતંત્રના ગ્રોથમાં પીછેહટ દેખાઈ છે. જોકે ત્યાં તાજેતરમાં બેરોજગારીના દાવા જોબલેસ કલેઈમ્સ 10હજાર ઘટી 2લાખ 36 હજાર આવ્યા હતા. હવે ત્યાં જૂન મહિનાના જોબગ્રોથના ડેટા કેવા આવે છે તેના પર વિશ્વબજારની નજર રહી હતી.

દરમિયાન, ભારતના ઝવેરીબજારોમાં સોનામાં ઉંચા મથાળે નવી માગ રુંધાતાં ઈમ્પોર્ટ કોસ્ટ સામે બજાર ભાવમાં ડિસ્કાઉન્ટસ જોવા મળ્યા હતા. દેશમાં લગ્નસરા પુરી થઈ છે તથા હવે મોનસૂનનો આરંભ થતાં ઝવેરીબજારોમાં ચહલપહલ ધીમી પડી છે. આગળ ઉપર હવે તહેવારો આવશે ત્યારે તહેવારોની માગ કેવી રહેશે તેના પર પણ બજારની નજર રહી છે. ચોમાસું સંતોષકારક નિવડશે તો આગળ ઉપર ઝવેરીબજારોમાં ગ્રામિણ વિસ્તારોની માગ પણ વધવાની આશા બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો.

- દિનેશ પારેખ

Related News

Icon