
આજથી બે દિવસ બાદ શરૂ થનારા જૂન 2025માં અનેક મોટા ફેરફારો થવાના છે, જેની અસર તમામ ઘરો અને તમામ ખિસ્સાઓ પર પડવાની છે. દર મહિનાની જેમ જૂનમાં પણ LPG સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થવાનો છે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડના નિયમો પણ બદલાવાના છે. તો આજે આપણે જાણીશું કે, જૂન મહિનામાં કયા પાંચ મોટા ફેરફાર થવાના છે?
LPG સિલન્ડરની કિંમત
દર મહિને LPG સિલિન્ડરની કિંમતો અંગે નિર્ણય લેવામાં આવે છે, ત્યારે દેશભરના મોટાભાગના લોકોની નજર જૂન મહિનામાં તેની કિંમતો પર હશે. જૂન મહિનામાં પણ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. આ પહેલા મે મહિનામાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 14 કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમત યથાવત રાખી હતી, જ્યારે કોમર્શિયલ વપરાશના 19 કિલોના LPG સિલિન્ડરની કિંમતમાં 17 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.
CNG, PNG અને ATFની કિંમત
પહેલી જૂનથી જે બીજો ફેરફાર થવાનો છે, તેમાં CNG, PNG અને ATFની કિંમતનો સમાવેશ થાય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરની કિંમતોની સાથે એર ટર્બાઈન ફ્યૂલની કિંમતો (ATF Price) વધારવા કે ઘટાડવા અંગે પણ નિર્ણય કરે છે. મે મહિનામાં તેની કિંમતમાં ઘટાડો કરાયો હતો, ત્યારે જૂનમાં પણ કિંમતોમાં ફેરફાર જોવા મળી શકે છે. આ ઉપરાંત CNG-PNGની નવી કિંમતો પણ જાહેર કરવામાં આવી શકે છે.
ક્રેડિટ કાર્ડના નિયમ
પહેલી જૂનથી ક્રેડિટ કાર્ડ સંબંધી નિયમોમાં પણ ફેરફાર થવાના છે, જેની અસર ક્રેડિટ કાર્ડ ધરાવતા યુઝર્સ પર પડશે. જો તમે કોટક મહિન્દ્રા બેંક ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમને પહેલી જૂનથી મોટો ઝટકો લાગી શકે છે. આમાં સૌથી મોટો ફેરફાર ઓટો ડેબિટ ટ્રાન્ઝેક્શન સાથે સંબંધિત છે. જો ઓટો ડેબિટ ટ્રાન્ઝેક્શન નિષ્ફળ જશે, તો બેંક તેના પર બે ટકાનો બાઉન્સ ચાર્જ લાગુ કરી શકે છે. આ ચાર્જ ઓછામાં ઓછો 450 રૂપિયા અને વધુમાં વધુ 5000 રૂપિયા હોઈ શકે છે. બેંકની વેબસાઈટ અનુસાર, પહેલી તારીખથી બેંકના મોટાભાગના ક્રેડિટ કાર્ડ પર માસિક ફાઈનાન્સ ચાર્જ વધી શકે છે. આ ચાર્જ હાલમાં લાગુ 3.50 ટકા (42 ટકા વાર્ષિક) થી વધારીને 3.75 ટકા (45 ટકા વાર્ષિક) થઈ શકે છે.
EPFO 3.0, કરોડો સભ્યોને થશે લાભ
કેન્દ્ર સરકાર જૂન મહિનાની પહેલી તારીખે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) નું નવું વર્ઝન EPFO 3.0 લોન્ચ કરી શકે છે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના ફાયદા અને ફેરફાર અંગે માહિતી શેર કરી હતી. EPFOનું નવું વર્ઝન લોન્ચ થવાથી દેશના 9 કરોડથી વધુ સભ્યોને ATMમાંથી PFના પૈસા કાઢવાની સુવિધા મળી શકે છે.
દેશના તમામ નાગરિકોને લાગુ પડતી ‘આધારકાર્ડ અપડેટ સુવિધા’
જૂન મહિનામાં એટલે કે 14 જૂન બાદ દેશના તમામ નાગરિકોને લાગુ પડતી આધાર કાર્ડ સંબંધીત સુવિધામાં પણ ફેરફાર થવાનો છે. UIDAIએ આધાર યુઝર્સને આધાર કાર્ડ અપડેટ કરવા માટેની મફત સુવિધા આપી છે, જોકે આ સુવિધા 14 તારીખથી બંધ થઈ જશે અને આધાર અપડેટ કરાવવા માટે ફી ચુકવવી પડશે. એટલે કે 15 તારીખથી આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે 50 રૂપિયા સુધીની ફી ચુકવવી પડશે.