
- સાઈન-ઈન
સર્જિકલ રોબોટની મદદથી ઓપરેશન થાય એમાં હ્મુમન એરર નિવારી શકાય એ તેનો સૌથી મોટો ફાયદો છે, પરંતુ ટેકનિકલ ગરબડનું ભયસ્થાન પણ ખરું...
દ્વિ તીય વિશ્વયુદ્ધ સમયે રોબોટ આસિસ્ટેડ સર્જરીનો યુગ શરૂ થયો હતો. તે સમયગાળામાં મશીનરી હજુ વિકસી રહી હતી. મેડિકલ ક્ષેત્રમાં પણ પરિવર્તનનો નવો પવન ફૂંકાઈ રહ્યો હતો. ઓપરેશનમાં સર્જનને ટેકનોલોજીની જે મદદ મળે તેને એક રીતે રોબોટ આસિસ્ટેડ સર્જરી કહેવાય. રોબોટ્સ એટલે અત્યારે પ્રચલિત અર્થમાં જે રોબોટનો ખ્યાલ છે એ નહીં, રોબોટ્સની મદદ એટલે મશીનરીનો ઉપયોગ. ૧૯૮૦ સુધી તબીબો રોબોટિક્સનો ઉપયોગ ખૂબ મર્યાદિત કરતા હતા, પરંતુ મેડિકલ ફીલ્ડમાં નવી નવી પેટર્ન રજિસ્ટર થવા માંડી અને નવા ઉપકરણોનો ઉપયોગ વધ્યો એ પછી રોબોટની મદદથી થતાં ઓપરેશનનો ટ્રેન્ડ પહેલાં અમેરિકા-યુરોપમાં અને પછી ત્યાંથી અન્ય દેશોમાં પહોંચ્યો.
૧૯૮૩માં કેનેડાની યુબીસી હોસ્પિટલમાં ડૉ. જેમ્સ મેક્વેનની ટીમ એક ઓપરેશન કરી રહી હતી. તે વખતે પી-૫૬૦ નામના ઓર્થોબોટની મદદ લેવામાં આવી હતી. તેને દુનિયાની પ્રથમ રોબોટ આસિસ્ટેડ સર્જરી કહેવામાં આવે છે. એ ગાળામાં ઓર્થોપેડિક ઓપરેશનોમાં રોબોટિક્સનો ઉપયોગ સૌથી વધુ થતો હતો. એમાં બીજા ઓપરેશનની સરખામણીએ એટલી જટિલ પ્રક્રિયા ન હોય એટલે રોબોટિક સિસ્ટમની મદદ મેળેવવાનું વધુ આસાન હતું. ધીમે ધીમે રોબોટ આસિસ્ટેડ સર્જરી તરફ ડોક્ટરોનો ભરોસો વધ્યો.
આ બધા છૂટાછવાયા પ્રયોગો હતા. અથવા તો રોબોટિક્સનો ઉપયોગ બહુ મર્યાદિત થતો હતો. રોબોટિક સર્જરીનો ખરો યુગ શરૂ થયો ૨૧મી સદીના શરૂઆતી દશકામાં. ૨૦૦૬માં એઆઈની મદદથી ડોક્ટરોએ એક ૩૪ વર્ષના દર્દીના હાર્ટમાં સર્જરી કરી એમાં રોબોટ્સની મદદ લેવાઈ હતી. એઆઈથી સંચાલિત સોફ્ટવેરની એમાં મહત્ત્વની ભૂમિકા હતી. ૨૦મી સદીમાં રોબોટિક્સ સર્જરીના છૂટાછવાયા પ્રયોગો થતાં હતા. ૨૧મી સદીનો શરૂઆતી દશકો એમાં નોંધપાત્ર સાબિત થયો. ૨૦૧૦ સુધીમાં તો ઘણી કંપનીઓ સર્જિકલ રોબોટ ડિઝાઈન કરવા માંડી હતી.
***
૨૦૧૫ પછી રોબોટિક સર્જરીનો વ્યાપ વધ્યો હતો, પરંતુ બે-એક વર્ષમાં તેણે નવો મુકામ હાંસલ કરી લીધો છે. દુનિયાભરમાં રોબોટિક સર્જરીનું પ્રમાણ વધી ગયું છે. તે એટલે સુધી કે સજકલ રોબોટનું ગ્લોબલ માર્કેટ ૨૦૨૨માં ૭૮૦૦ કરોડ રૂપિયા જેટલું હતું. ૨૦૨૪ના અંત સુધીમાં એ વધીને ૧૫,૦૦૦ કરોડ એટલે કે બમણું થયાનો અંદાજ છે.
૨૦૩૨માં સજકલ રોબોટિક્સનું માર્કેટ ૧,૮૮,૦૦૦ કરોડને પાર પહોંચી જવાનો અંદાજ છે. વિશ્વની મોટી હોસ્પિટલ ચેઈન્સ સજકલ રોબોટિક્સ તરફ વળી રહી છે. તેના કારણે આ માર્કેટમાં અત્યારે ૧૧ ટકાના દરે વૃદ્ધિ થઈ રહી છે.
મેક્સ પ્લાન્ક સોસાયટીના એક અહેવાલનું માનીએ તો અત્યારે દુનિયામાં ૬૫૦૦ રોબોટિક સર્જરી સિસ્ટમ કાર્યરત છે. આ રોબોટ્સ દર્દીઓના ઓપરેશનમાં મદદરૂપ બની રહ્યા છે અને તેના કારણે ઓપરેશનમાં ઝડપ આવી છે.
ભારતમાં જ ૧૦૦થી વધુ હોસ્પિટલ્સમાં રોબોટિક સર્જરી સિસ્ટમ ઈન્સ્ટોલ થઈ ચૂકી છે. ભારતની સર્જિકલ રોબોટ બનાવતી કંપનીઓ પાસે એટલા જ બીજા રોબોટ્સ તૈયાર છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે દેશના ૧૦૦૦ ડોક્ટર્સને રોબોટિક સર્જરીની તાલીમ મળી ચૂકી છે. રોબોટ્સની મદદથી ઓપરેશન પાર પાડી શકે એવા ડોક્ટર્સની ડિમાન્ડ મોટી હોસ્પિટલ્સમાં વધવા માંડી છે. ટેકનોલોજીના જમાના સાથે તાલ મિલાવવા માટે મોટી હોસ્પિટલ ચેનલ ઘણાં કુશળ ડોક્ટરને ખાસ મોટી રકમ ખર્ચીને રોબોટિક સર્જરીની તાલીમ આપે છે.
***
આ ટેકનોલોજી દૂરના પછાત વિસ્તારોમાં ખૂબ ઉપયોગી થઈ પડશે. હવે કોઈ જટિલ ઓપરેશન મોટા શહેરની હોસ્પિટલના ડોક્ટરો જોજનો દૂર બેઠા બેઠા આ સિસ્ટમની મદદથી કરી શકશે. ધારો કે અમેરિકાની કોઈ હોસ્પિટલમાં નિષ્ણાત સર્જન બેઠા છે. તેમને અમદાવાદમાં દર્દીની સર્જરી કરવી હશે તો આ રોબોટ્સની મદદથી એ આટલા દૂર પણ ઓપરેશન કરી શકશે.
સર્જિકલ રોબોટ્સની હિમાયત કરનારાની પોઝિટિવ દલીલ એવી છે કે તેનાથી હ્મુમન એરર નિવારી શકાય છે. માણસની ભૂલના કારણે ઓપરેશનોમાં જે ગરબડો થતી હોય છે એ ઘટી જાય છે. જેમ ડ્રાઈવરની માનવીય ભૂલોના કારણે અકસ્માતો સર્જાય છે પણ સ્વયં સંચાલિત ડ્રાઈવરલેસ કારમાં એ ક્ષતિ નિવારી શકાય એવી આ વાત છે. વળી, ઓપરેશનમાં જે સમય લાગે છે તેમાં મોટો ફરક પડશે. ડોક્ટરો દિવસમાં જેટલા દર્દીઓના ઓપરેશન કરે છે તેના કરતાં સજકલ રોબોટ્સની મદદથી ઓપરેશનો વધુ થશે.
તેની વિરૂદ્ધમાં એવીય દલીલ થાય છે કે સજકલ રોબોટ્સથી ભલે હ્મુમન એરર નિવારી શકાય છે, પરંતુ મશીનરીમાં જે ગરબડો સર્જાય છે એનો ઉપાય શું? મશીનમાં તો ગમે ત્યારે ટેકનિકલ એરર આવી શકે છે. તેનાથીય દર્દીઓ પર જીવનું જોખમ આવી પડે છે. એવી દલીલ કરનારા લોકો એક કિસ્સા ટાંકે છે. ફ્લોરિડામાં થોડા માસ પહેલાં એક સજકલ રોબોટની મદદથી કેન્સરનો ઈલાજ થતો હતો. કંઈક ટેકનિકલ ગરબડો થઈ તો દર્દીના આંતરડામાં ભૂલથી કાણું પાડી દીધું. દર્દીનું મોત થઈ ગયું. એ પછી દર્દીના પરિવારજનોએ સજકલ રોબોટ્સ બનાવનારી કંપની પર કેસ કર્યો છે અને તેનો ચુકાદો હજુ પેન્ડિંગ છે.
સર્જિકલ રોબોટ્સની તરફેણમાં અને વિરૂદ્ધમાં સામ-સામી દલીલો થઈ રહી છે. એક તર્ક એવો પણ છે કે જે સર્જરી અત્યારે પાંચથી છ લાખમાં થતી હશે એ જ સર્જરી રોબોટની મદદથી એક-દોઢ લાખ રૂપિયામાં થઈ જશે. ખર્ચ ઘટી જશે એટલે કેટલાય દર્દીઓ સર્જરી કરાવીને કાયમના દુખમાંથી છૂટકારો મેળવી શકશે.
દલીલ-દાખલા વચ્ચે એટલું તો સ્વીકારવું પડશે કે જેમ હ્મુમન એરર શક્ય છે ને માનવીય ભૂલના કારણે દર્દીનો જીવ જોખમમાં મૂકાય શકે છે તેમ ટેકનિકલ એરર પણ શક્ય છે અને તેનાથીય દર્દીનો જીવ જોખમમાં મૂકાશે. અન્ય ક્ષેત્રના રોબોટ્સ કરતાં સજકલ રોબોટ્સનું કામ જટિલ છે એટલે તેના પ્રોડક્શન વખતે વિશેષ કાળજી રાખવી પડશે. ટેકનિકલ બાબતોમાં પ્રમાણભાન જાળવાશે તો એનો સમજપૂર્વકનો ઉપયોગ સારા પરિણામો આપશે. દુનિયામાં સેંકડો લોકોને નિષ્ણાત સર્જનોનો લાભ મળતો નથી, પરંતુ આ સજકલ રોબોટ એ નિષ્ણાત સર્જનોનો હાથ બનશે.
સર્જનોને રોબોટ્સ રિપ્લેસ કરી દેશે : મસ્ક
દુનિયાના સૌથી ધનવાન બિઝનેસમેન ઈલોન મસ્કનું એક નિવેદન ખૂબ ચર્ચાસ્પદ બન્યું હતું. મસ્કે થોડા દિવસ પહેલાં કહેલું કે આગામી સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ રોબોટ્સ માત્ર સર્જરીમાં મદદ જ નહીં કરે, સ્વયં સર્જરી કરશે. આ ટ્રેન્ડ એટલો આગળ વધશે કે પાંચ વર્ષમાં હજારો સર્જનોને બેકાર કરી દેશે. મસ્ક તો ત્યાં સુધી કહે છે કે સર્જિકલ રોબોટ્સ એટલાં વિકસિત થઈ જશે કે સર્વશ્રેષ્ઠ સર્જનોને ટક્કર આપશે. મસ્કના દાવા પ્રમાણે ન્યૂરાલિંક કંપનીએ જે બ્રેઈન ચિપ વિકસાવી છે તેની સર્જરીના પરીક્ષણો રોબોટ્સની મદદથી થઈ હતી. ખૂબ ઝીણવટભરી અને જટિલ સર્જરી માત્ર માનવહાથથી શક્ય ન હતી. રોબોટ્સમાં પ્રોગ્રામિંગ કરીને એ કામ કરાયું હતું. ખાસ એ સર્જરી માટે ડિઝાઈન કરાયેલો રોબોટ આર-૧ ૧૫ મિનિટના ટૂંકાગાળામાં મસ્તિષ્કના પાતળા ઈલેક્ટ્રોડ થ્રેડ્સને પારખી શકે છે.
ભારતના સ્વદેશી રોબોટ સર્જનના નામે 100 ઓપરેશન
દુનિયામાં જે ટ્રેન્ડ શરૂ થયો છે એ હવે ભારતમાં પણ પહોંચી ચૂક્યો છે. એસએસ ઈનોવેશને સ્વદેશી સજકલ રોબોટ બનાવ્યો છે. એને મંત્ર નામ આપ્યું છે. આ મંત્રએ ૧૦૦ ટ્રાયલ રોબોટિક કાડયાક સર્જરી કરી છે. કંપનીએ જાહેરાત કરી છે કે યુરોપ-અમેરિકામાં પણ એના ટ્રાયલ માટે પ્રયાસો શરૂ કરાયા છે. જો બધા ટેસ્ટમાંથી મંત્રા પાર પાડશે તો ભારતના સ્વદેશી સજકલ રોબોટની દુનિયાભરમાં ડિમાન્ડ વધશે.
એન્ડોસ્કોપિક કોરોનરી આર્ટરી બાઈપાસ, વાલ્વ રિપ્લેસમેન્ટ, સ્તનના અમુક ઓપરેશનો કરવાની આ સજકલ રોબોટની ક્ષમતા છે. દાવો થઈ રહ્યો છે એ પ્રમાણે સજકલ રોબોટના કારણે શરીરમાંથી લોહી બહુ વહેતું નથી. એક સિસ્ટમ સેટ કરી હોય એ પ્રમાણે, એટલા સમયમાં ઓપરેશન થઈ જાય છે એટલે લોહીનો જથ્થો વહી જતો બચે છે. તાજેતરમાં મંત્રની એક સિદ્ધિની દેશભરમાં ચર્ચા થઈ. ગુરુગ્રામ સ્થિત રિસર્ચ સેન્ટરમાંથી નિષ્ણાત સર્જનોની એક ટીમે ૨૦૦૦ કિલોમીટર દૂર બેંગ્લુરુમાં ૩૫ વર્ષના દર્દીનું ઓપરેશન કર્યું. આ ટેલિસર્જરી અથવા રોબોટિક સર્જરીમાં સ્વદેશી સજકલ રોબોટ મંત્રની ચાવીરૂપ ભૂમિકા હતી. સજકલ રોબોટ મંત્રની મદદથી ડોક્ટરોએ આટલા દૂરથી ૨ કલાક, ૪૦ મિનિટ સુધી જટિલ સર્જરી કરી હતી અને દર્દીનું ઈન્ટ્રાકાર્ડિયલ સર્જરી સફળ રહી હતી.
દુનિયાનો સર્વાધિક સફળ રોબોટ સર્જન
મેડિકલ ડિવાઈસ કંપની મેડટ્રોનિકની હ્યુગો રોબોટિક સિસ્ટમનો સક્સેસ રેટ અદ્વિતીય છે. આ રોબોટિક સિસ્ટમ સર્જરીમાં ૯૮ ટકા અસરકારક છે. પ્રોસ્ટેટ, કિડની, બ્લેડર જેવી સર્જરીમાં હ્યુગો રોબોટિક સર્જને ૧૩૭ સર્જરી કરી, એમાંથી માત્ર બે જ સર્જરીમાં તેને બદલે હ્મુમન સર્જને ઓપરેશન કરવું પડયું હતું. ચાર હાથ ધરાવતા આ રોબોટ સર્જનની જટિલ શરીર રચનાને સમજવાની ક્ષમતા એ ક્ષેત્રના સૌથી કુશળ સર્જન જેવી છે. એક સર્જનને જે સમજતાં ૧૫ વર્ષના અનુભવની જરૂર પડે છે એ આ રોબોટિક સિસ્ટમ મિનિટોમાં સમજી શકે છે. ૨૦૨૪ના ક્લિનિકલ ટ્રાયલમાં જ હ્યુગો સિસ્ટમની સફળતાએ મેડિકલ જગતમાં ચર્ચા જગાવી હતી. કંપનીની એવી દલીલ છે કે આગામી વર્ષોમાં આ સિસ્ટમ હોસ્પિટલ્સમાં ઈન્સ્ટોલ થશે એટલે ઓપરેશનની કોસ્ટ ઘટશે. સર્જનોની જે ફી છે એનાથી ઘણા ઓછા ખર્ચમાં આ રોબોટની મદદથી ઓપરેશન થઈ શકશે.