
ગુજરાત ટાઈટન્સ (GT) IPL 2025 માં શાનદાર પ્રદર્શન કરી રહી છે. ગઈકાલે GT એ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) ને 38 રનથી હરાવ્યું અને વર્તમાન સિઝનમાં પોતાની સાતમી જીત હાંસલ કરી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 225 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ ટીમ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવ્યા બાદ માત્ર 186 રન જ બનાવી શકી.
શુભમન ગિલ ગુસ્સે ભરાયો, બે વાર અમ્પાયર સાથે ઝઘડ્યો
GT અને SRHની મેચમાં અમ્પાયર્સના નિર્ણય પર પણ વિવાદ થયો હતો. GTનો કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) વિવાદના કેન્દ્રમાં રહ્યો હતો. મેચમાં શુભમન ગિલ બે વાર અમ્પાયર સામે ઉગ્ર દલીલ કરતો જોવા મળ્યો હતો. પહેલી વાર શુભમન ગિલ જ્યારે રન આઉટ થયો ત્યાર પછી પવેલિયન પરત ફરી રહ્યો હતો ત્યારે તેણે પિત્તો ગુમાવ્યો હતો. આ ઘટના GTની ઈનિંગની 13મી ઓવરના છેલ્લા બોલ પછી બની હતી.
શું હતી ઘટના?
તે ઓવરમાં જોસ બટલરે સ્પિનર ઝીશાન અંસારીના છેલ્લા બોલને લેગ સાઈડ તરફ ફટકાર્યો હતો ત્યારે શુભમન ગિલ અને બટલર રન લેવા દોડ્યા. તે સમયે હર્ષલ પટેલે ઝડપથી બોલ પકડી વિકેટકીપર હેનરિક ક્લાસેન તરફ ફેંક્યો હતો. જોકે તેને રન આઉટ કરવાનો પ્રયાસ કરતી વખતે ક્લાસેનનો ગ્લવ સ્ટમ્પ પર વાગ્યો અને બોલ પણ સ્ટમ્પ પર વાગ્યો. તે સમયે શુભમન ગિલ (Shubman Gill) ક્રીઝની બહાર હતો, પરંતુ એ સ્પષ્ટ નહોતું કે હેનરિક ક્લાસેનના ગ્લવથી બેલ્સ પડ્યા કે બોલ સ્ટમ્પ પર વાગવાથી.
https://twitter.com/StarSportsIndia/status/1918329367362716053
આઉટ થયા બાદ મેદાન બહાર અમ્પાયર સાથે ઝઘડ્યો
ટીવી અમ્પાયર માઈકલ ગોફે ઘણીવાર સુધી નિરીક્ષણ કર્યા બાદ શુભમન ગિલ (Shubman Gill) ને આઉટ જાહેર કર્યો. શુભમન આ દરમિયાન શાંત દેખાયો પણ આઉટ જાહેર થતાં પિત્તો ગુમાવ્યો. જ્યારે શુભમન બાઉન્ડ્રી બહાર પહોંચ્યો ત્યારે તે ત્યાં હાજર ફોર્થ અમ્પાયર સાથે સમગ્ર મામલા અંગે દલીલ કરતો દેખાયો હતો.
બીજો ઝઘડો ક્યારે થયો?
જ્યારે SRHની ઈનિંગ દરમિયાન શુભમન (Shubman Gill) નો મેચ અધિકારીઓ સાથે બીજી વખત ઝઘડો થયો હતો. 14મી ઓવરનો ચોથો બોલ પ્રસિદ્ધ કૃષ્ણનો ફુલ-ટોસ બોલ હતો જે સીધો અભિષેક શર્માના પેડ પર વાગ્યો. GTના ખેલાડીઓએ LBW માટે અપીલ કરી, પરંતુ મેદાન પરના અમ્પાયરે તેને નોટ આઉટ જાહેર કર્યો. આવી સ્થિતિમાં બોલિંગ ટીમે DRS લેવાનો નિર્ણય લીધો. બોલ ટ્રેકિંગમાં જોવા મળ્યું કે બોલ વિકેટ પર અથડાયો, પરંતુ તેની ઈમ્પેક્ટ અમ્પાયર કોલ હતી.
https://twitter.com/StarSportsIndia/status/1918363375349662055
આવી સ્થિતિમાં, અભિષેક શર્મા આઉટ થતા બચી ગયો. બોલ ટ્રેકિંગમાં ખામીને કારણે, બોલ ક્યાં પિચ થયો તે દેખાતું ન હતું, ફક્ત ઈફેક્ટ અને વિકેટો દેખાતી હતી. શુભમન ગિલ (Shubman Gill) કદાચ નારાજ હતો કે બોલ ટ્રેકિંગમાં બોલની પિચિંગ બતાવવામાં નહતી આવી. જો બોલ લેગ-સ્ટમ્પની બહાર પિચ થયો હોત, તો GT રિવ્યુ ગુમાવી દેત. ગિલ આ મુદ્દા પર અમ્પાયર સાથે થોડો સમય દલીલ કરે છે. આ બધા વચ્ચે, અભિષેક શર્મા GTના કેપ્ટનને શાંત કરવાનો પ્રયાસ કરે છે.