
ગોંડલમાં રાજકુમાર જાટના મૃત્યુને મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મૃતક રાજકુમાર જાટના પિતા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. રાજકુમારના પિતા દ્વારા આ સમગ્ર મામલે તપાસ CBIને સોંપવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરી છે. પોલીસ તપાસમાં સ્થાનિક ધારાસભ્ય અને તેના દીકરાને બચાવતી હોવાનો મૃતકના પિતા દ્વારા અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદીએ અરજીમાં, પોલીસે જયરાજસિંહ જાડેજાના ઘરના માત્ર 4.30 મિનિટના CCTV જ જાહેર કર્યા હોવાની રજૂઆત પણ કરી છે. અરજદાર દ્વારા સમગ્ર ઘટનાના ફૂલ CCTV જાહેર કરવાની માંગ પણ કરાઇ હતી છતાં હજુ સુધી નથી બતાવવામાં આવ્યા. અરજીમાં તપાસનીસ અધિકારીની તપાસ સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. 4 એપ્રિલના રોજ ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
શું હતી ઘટના?
ગોંડલના ગાયત્રીનગરમાં રહેતા અને પાઉંભાજીનો ધંધો કરતા રતનલાલ શંકરલાલ જાટે આક્ષેપ કર્યા હતા કે, 'ગત બીજી માર્ચે હું અને મારો પુત્ર રાજકુમાર સાથે ઘરે જવા બાબતે મોટે-મોટેથી બોલતા-બોલતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા સામેથી પસાર થયા હતા. ત્યારે અટકાવીને પુત્ર ગણેશ જાડેજા તથા 7-10 માણસોએ માર માર્યો હતો. બાદમાં અમે બન્ને ઘરે જતાં રહ્યા હતા. જો કે બાદમાં ખોટી રીતે માર મારવામાં આવ્યો હોવાથી પુત્ર રાજકુમાર એ જ દિવસે રાત્રે ફરી પૂર્વ ધારાસભ્યના બંગલે ફરિયાદ કરવા ગયા હતા, પરંતુ તે બાદ તે રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો. આ બાબતે સ્થાનિક ગોંડલ પોલીસને જાણ કરાઈ હતી. ત્યાર બાદ રાજકોટ એસ.પી.ને લેખિત ફરિયાદ અરજી આપી હતી, તે પછી ગોંડલ પોલીસે તપાસ શરૂ કરી હતી.