ગાંધીનગરમાં એક તરફ આરોગ્ય કર્મીઓ સરકારના માથાનો દુખાવો બનીને આંદોલન કરી રહ્યા છે, તો બીજી બાજુ રેલી સ્વરૂપે વ્યાયામ શિક્ષકો આંદોલન કરી કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે આઠમો દિવસ છે. આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્ય કર્મચારીઓ અડગ રહ્યા છે. આજે સોમવારે 33 જિલ્લાના કર્મચારીઓ ગાંધીનગરમાં ધામા નાખી વિરોધ પ્રદર્શન કર્યું છે. બીજી તરફ છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. જેથી કરાર આધારિત ભરતી બંધ કરી કાયમી ભરતીની માંગ કરી રહ્યા છે. આંદોલનને ધ્યાનમાં રાખી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આરોગ્ય સંઘના પ્રમુખ રણજીતસિંહ મોરી સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી ગયા છે.

