ગુજરાતમાં પહેલીવાર એવુ જોવા મળ્યુ છે કે, લોકસભાની ચૂંટણીના પ્રારંભથી માંડીને અત્યાર સુધી એક વિવાદ શમતો નથી ત્યાં બીજા વિવાદની આગ ભભૂકે છે. સૌથી પહેલાં વડોદરામાં રંજન ભટ્ટને ઉમેદવાર જાહેર કરાયા ત્યાં જ્યોતિ પંડ્યાએ બંડ પોકાર્યોને ભાજપનું ઘર સળગ્યુ છે. આ વિવાદની આગ હજુ બુઝાઇ નથી. કેમ કે, આ જ વિવાદે નારણ કાછડિયાથી માંડીને જયેશ રાદડિયાને રાજકીય તાકાત બક્ષી છે. અત્યારે દુભાયેલા, સાઇડલાઇન થયેલા નેતાઓ ખુલીને સામે આવ્યાં છે. ભાજપનો ભરતી મેળો હોય કે પછી ઉમેદવારની પસંદગીનો મુદ્દો હોય, આ મામલો ભાજપના નેતા-કાર્યકરો માટે નારાજગીનું મુખ્ય કારણ બની રહ્યુ છે. શિસ્તબદ્ધ પક્ષ ગણાતાં ભાજપમાં આંતરિક વિવાદો એટલી હદે વકર્યો છે કે, બધુય શાંત પાડવામાં પ્રદેશ નેતાગીરીનો પનો ટૂંકો પડ્યો છે. આ જોતાં એટલુ કહી શકાય કે, ભાજપ હાઇકમાન્ડ માટે રેડ સિગ્નલ જેવી સ્થિતિ છે. જો આ જ પરિસ્થિતિ રહી અને ચૂંટણી પરિણામમાં અવળુ પરિણામ આવ્યુ તો અસંતુષ્ટોને ભાવતુ ભોજન મળી રહેશે. એટલુ જ નહીં, ભાજપનો આંતરિક જૂથવાદ બળવાનું સ્વરૂપ ધારણ કરે તો નવાઇ નહીં.

