
સુરત જિલ્લાના મહુવા સુગર ખાતે રાજ્યના કૃષિ મંત્રી જગદીશ વિશ્વકર્મા અને રાજ્ય નાણાં મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં સહકારી આગેવાનો સાથે અગત્યની બેઠક મળી હતી. દક્ષિણ ગુજરાતમાં વ્યારા, વલસાડ તેમજ કાવેરી સુગરની કથળતી પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં મંત્રી આવ્યા સહકારી પ્રવૃત્તિની સમીક્ષા કરવા પણ ખાનગીકરણના ફાયદા સમજાવી ગયાં હતાં.
રાજ્યમાં અને તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે સહકારી પ્રવૃતિઓ કાર્યરત છે. જેમાં પણ ખાંડ ઉત્પાદન કરતી બારથી વધુ સુગર મિલો છે. જોકે ઘણા સમયથી દક્ષિણ ગુજરાતમાં અને તેમાં પણ સુરત, તાપી, નવસારી જિલ્લામાં આવેલી સહકારી પ્રવૃતિઓ ખાડે જતાં સહકારી આલમમાં ચિંતા ઉઠી હતી. જેને પગલે રાજ્ય સરકાર ગંભીરતા લે અને હસ્તક્ષેપ કરે એ માટે સુમુલ ડેરી સુરતના ચેરમેન માનસિંગ પટેલએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. જેને પગલે સહકાર અને નાણાં મંત્રી દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યાં હતાં.
સહકાર મંત્રીએ સ્પષ્ટ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું
દક્ષિણ ગુજરાતને જ્યાં સુધી લાગે વળગે છે. ત્યાં સુધી વલસાડ સુગર હોય, કાવેરી સુગર, વ્યારા સુગર કે પછી માંડવી સુગર. સહકારી ધોરણે ચાલતી સુગર મિલો પુરવઠાને કારણે મૃતપાય થઈ રહી છે. કાવેરી સુગરને મહુવા સુગર સાથે જોડાણની વાતો ચાલે છે. વ્યારા સુગરને ચલાવવા જે વહીવટ સત્તાધીશો બેસાડાયા આજે ત્રણ વર્ષ બાદ પણ પિલાણ વધી રહ્યું નથી. જ્યારે વલસાડ અને માંડવી સુગરનું તો ખાનગીકરણ થઈ ગયું છે. સહકારી પ્રવૃત્તિ સહકારના ધોરણે ચલાવવા અને સહકારી ક્ષેત્રમાં ચૂંટણી સમયે પ્રવેશેલ મેન્ડેટ પ્રથા મામલે આજે સરકારના મંત્રી પણ ખાનગીકરણના ફાયદા ગણાવી રહ્યાં હતાં.
સહકારી સુગર બચાવવા સરકારમાં હતી રજૂઆત
દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓની જીવાદોરી સમાન વ્યારા સુગરને બેઠી કરવા એક વર્ષે સરકારએ કરોડો રૂપિયા પણ આપ્યા હતાં. બાદમાં જેમને વહીવટ માટે બેસાડ્યા તેમની જ જાણે મનસા ન હોય તેમ પિલાણ વધારી રહ્યાં નથી. મોટો વિસ્તાર હોવા છતાં અન્ય સુગરો આ વિસ્તારમાંથી પુરવઠો પોતાની સુગરમાં પીલાણ કરી રહ્યા છે. જેને કારણે વ્યારા સુગરનું પૂરતા પ્રમાણમાં પીલાણ પણ થતું નથી. આજે મહુવા સુગર ખાતે સહકાર મંત્રી અને નાણાં મંત્રી સાથે સુગરના આગેવાનો, જિલ્લાના ધારાસભ્યોની બેઠક મળી હતી. આવનાર દિવસોમાં આવી સુગરો અંગે શું કરી શકાય તેની માત્ર ચર્ચા થઈ હતી.