
Vadodara Rathyatra:વડોદરા શહેરમાં અષાઢી બીજે નિકળનારી ભગવાન જગન્નાથની 44મી રથયાત્રાના લઇને ઈસ્કોન મંદિરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા જે રથમાં નગરચર્યાએ નિકળવાના છે, તે રથના રંગરોગાનનું કામ હાલ ચાલી રહ્યું છે. સૌથી મહત્વની વાત એ છે કે, આરિસ્સાના પુરીમાં જે રથમાં બેસીને ભગવાન નગરચર્યાએ નીકળે છે, તેવી ડિઝાઇનનો રથ વડોદરામાં બનાવવામાં આવેલો છે અને આબેહુબ કૃતિ સમા રથમાં જ વર્ષોથી રથયાત્રા નિકળે છે. આજે આ અંગે આજે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તે પૂર્વે અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનામાં મૃતકોને બે મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.
વડોદરા શહેરમાં અષાઢી બીજે નીકળનારી રથયાત્રાને લઇને રથના રંગરોગાનનું કામ ચાલી રહ્યું છે. આ ઉપરાંત પ્રસાદી માટે 45 ટન શીરો બનાવવામાં આવશે. પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા અષાઢી બીજના દિવસે બપોરે 2:30 વાગ્યે વડોદરા રેલવે સ્ટેશન ખાતેથી વડોદરાના મેયર દ્વારા પહિંદ વિધિ કર્યા બાદ નગર ચર્યાએ નીકળશે અને ત્યારબાદ કાલાઘોડા, સલાટવાડા નાકા, કોઠી ચાર રસ્તા, રાવપુરા મેઈન રોડ, જ્યુબિલીબાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, ન્યાય મંદિર, મદન ઝાપા, કેવડાબાગથી પોલો ગ્રાઉન્ડ ખાતે રથયાત્રા પૂર્ણ થશે. આ રથયાત્રામાં દર વર્ષની જેમ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાય છે
હજ્જરો વર્ષ પહેલા જગન્નાથ પુરીમાં રથયાત્રાની શરૂઆત થયેલી, ત્યાં જે ડિઝાઈન વાળા રથમાં યાત્રા નીકળે છે, તેવી ડિઝાઈનવાળા રથમાં અહીં રથયાત્રા નીકળે છે. દર વર્ષે શિરા નો પ્રસાદ તૈયાર કરવામાં આવે છે. આ વર્ષે 45 ટન શીરો તૈયાર કરવામાં આવશે જેમાં 1200 કિલો ડ્રાયફ્રુટ નાખવામાં આવે છે. તેની સાથે સાથે 10000 કિલો કેળાનો પ્રસાદ પણ વહેંચવામાં આવશે.