
Gujarat Rain forecast: ગુજરાતમાં છેલ્લા 15 દિવસ કરતાં વધુ સમયથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ ખાબકવાની હવામાન વિભાગે આગાહી દર્શાવી છે. જ્યારે દરિયામાં 5 દિવસ સુધી કરન્ટ રહેતા ઉંચા મોજા ઉછળવાની શક્યતાને જોતા હવામાન વિભાગે માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે.
મળતી માહિતી અનુસાર, રાજ્યમાં એક પખવાડિયાથી સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે. જેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત્ છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ ખાબકવાની આગાહી કરી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શકયતા વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શકયતા છે. 30થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો વર્તારો પણ વરસાદની સાથે કરવામાં આવ્યો છે.
રાજ્યમાં ચોમાસાની સિઝનનો સામાન્ય કરતાં 112 ટકા વધુ વરસાદ
હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહીની સાથે રાજ્યમાં સિઝનનો 112 ટકા વધુ વરસાદ થયાનું જણાવ્યું. ગુજરાત પર અત્યારે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી રાજ્યમાં ચોમાસાનો માહોલ રહેશે. દરિયામાં આગામી 5 દિવસ માટે ભારે કરન્ટ હોવાથી દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળતા હોવાથી માછીમારોને આગામી 5 દિવસ માટે દરિયામાં માછીમારો ન કરવાની હવામાન વિભાગે સૂચના આપી છે. અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે દર્શાવી છે.