
ગુરુવારે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાથી સમગ્ર દેશ દુઃખી છે. અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 અકસ્માતનો ભોગ બની હતી. આ વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી 241 લોકોનું મોત નીપજ્યું હતું. 1 વ્યક્તિ બચી ગયો હતો. વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યો હતા. મૃતકોમાં ભારત, બ્રિટન અને કેનેડાના મુસાફરોનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘણા મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. તેનું કારણ એ છે કે ઘણા મૃતદેહો ખરાબ રીતે બળી ગયા છે. તેમની ઓળખ નથી થઈ શકતી. આવી સ્થિતિમાં, એ જાણવું મહત્ત્વપૂર્ણ છે કે બળી ગયેલા મૃતદેહોની ઓળખ કરવી કેમ મુશ્કેલ છે?
જ્યારે કોઈ મોટી અકસ્માત કે આગમાં ઘણા લોકો મૃત્યુ પામે છે અને તેમના શરીર ખરાબ રીતે બળી ગયા હોય છે, ત્યારે સૌથી મોટો પડકાર તેમની ઓળખ કરવાનો છે. આ વિમાન દુર્ઘટનામાં પણ ઘણા મૃતકોના મૃતદેહો ખરાબ રીતે બળી ગયા છે. તેમની ઓળખ કરવી મુશ્કેલ બની રહી છે. આવી સ્થિતિમાં, કેન્દ્રીય મંત્રીની જાહેરાત પછી, લોકોનો DNA ટેસ્ટ કરવામાં આવશે.
આવી ઘટના પછી મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ છે. સામાન્ય રીતે મૃતદેહોને ચહેરા, કપડા, ઘરેણા અથવા શરીરના નિશાન દ્વારા ઓળખવામાં આવે છે, પરંતુ જ્યારે શરીર સંપૂર્ણપણે બળી જાય છે, ત્યારે આ બધી પદ્ધતિઓ નકામી બની જાય છે. આવી સ્થિતિમાં, DNA ટેસ્ટ સૌથી વિશ્વસનીય અને સચોટ પદ્ધતિ બની જાય છે.
બળી ગયેલા મૃતદેહોની ઓળખ કરવી કેમ મુશ્કેલ છે?
નિષ્ણાતો કહે છે કે, આગમાં બાળવાથી શરીરની પેશીઓ, ત્વચા, આંગળીઓના નિશાન અને અન્ય બાહ્ય ઓળખ નાશ પામે છે. ક્યારેક શરીર એટલી હદે બળી જાય છે કે હાડકાં પણ તૂટી જાય છે. આવી સ્થિતિમાં, શરીરને ઓળખવું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં, વૈજ્ઞાનિકો અને ફોરેન્સિક ટીમો આગળ આવે છે જે વૈજ્ઞાનિક પદ્ધતિઓ (DNA ટેસ્ટ) દ્વારા મૃતદેહોની ઓળખ કરે છે.
DNA પરીક્ષણ કેવી રીતે મદદ કરે છે?
DNA એટલે કે ડીઓક્સીરીબોન્યુક્લિક એસિડ એ આપણા શરીરના કોષોમાં જોવા મળતો એક પ્રકારનો કોડ છે. જે દરેક વ્યક્તિ માટે અલગ હોય છે. આ પરીક્ષણમાં, શરીરના કોઈપણ ભાગ (જેમ કે હાડકા, દાંત, વાળના મૂળ વગેરે) લેવામાં આવે છે અને તેમાં હાજર DNA કાઢવામાં આવે છે. પછી તેને સંબંધીઓના DNA સાથે મેચ કરવામાં આવે છે. જો DNA નમૂનાઓ મેચ થાય છે, તો શરીરની ઓળખ કરવી સરળ બને છે.
શું આગ લાગ્યા પછી પણ DNA રહે છે?
નિષ્ણાતોના કહેવા મુજબમ શરીર આગમાં સંપૂર્ણપણે બળી શકે છે, પરંતુ આ ભાગો બચી જાય છે જેમાંથી DNA સેમ્પલ લેવામાં આવે છે.
દાંત- દાંતમાં સખત પડ હોય છે અને તે ઊંચા તાપમાનમાં પણ ઘણી હદ સુધી સુરક્ષિત રહી શકે છે.
હાડકા- ખાસ કરીને લાંબા અને જાડા હાડકામાં, અંદરનો મજ્જા (Bone Marrow) DNA બચાવી શકે છે.
DNA ટેસ્ટમાં કેટલો સમય લાગે છે?
DNA ટેસ્ટ એક જટિલ અને સંવેદનશીલ પ્રક્રિયા છે. સામાન્ય રીતે નમૂના એકત્રિત કરવામાં થોડા કલાકો લાગે છે. જે પછી લેબમાં DNA કાઢવા, તેનું વિશ્લેષણ કરવા અને તેની તુલના કરવામાં 3થી 10 દિવસ લાગી શકે છે. કેટલાક કિસ્સાઓમાં બેથી ત્રણ અઠવાડિયા લાગી શકે છે.
શું બધા કિસ્સાઓમાં DNA ટેસ્ટ સફળ થાય છે?
મોટાભાગના કિસ્સાઓમાં, DNA ટેસ્ટ ઓળખને સરળ બનાવે છે. મોટા અકસ્માતોમાં, DNA ટેસ્ટ એ મૃતદેહોને ઓળખવાનો સૌથી વિશ્વસનીય માર્ગ છે. સરકાર અને એજન્સીઓએ સમયસર સંબંધીઓના DNA સેમ્પલ લેવા જોઈએ જેથી ઓળખ ઝડપથી થઈ શકે. ઉપરાંત, દાંતના રેકોર્ડ અને તબીબી ઈતિહાસ પણ તૈયાર રાખવા જોઈએ.