
દુનિયાભરમાં ટેરીફ વોર અને નબળી ખપતના કારણે વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનો માહોલ છે. પરંતુ આ વાતાવરણમાં ભારતીય અર્થતંત્ર મજબૂતાઈ બતાવી રહ્યું છે. ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) ના એપ્રિલ મહિનાના "સ્ટેટ ઓફ ધ ઇકોનોમી" રિપોર્ટ અનુસાર, ભારતના ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રો સાથે સંબંધિત ઘણા સૂચકાંકો એપ્રિલમાં પણ સારી ગતિએ રહ્યા હતાં.
શેરબજારમાં એપ્રિલ અડધો વીત્યા બાદ તેજી આવી
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકી ટેરિફ સંબંધી સમાચારોના કારણે એપ્રિલની શરૂઆતમાં ઘરેલું શેરબજારમાં થોડી નરમાઇ આવી હતી. પરંતુ અમેરિકાએ તેના કેટલાક કરવેરા નિર્ણયોને અસ્થાયી રૂપે અટકાવ્યા અને ભારતની બેંકિંગ અને ફાઇનાન્સ કંપનીઓએ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં સારા પરિણામો દર્શાવ્યા કે તરત જ શેરબજારમાં સારી રિકવરી જોવા મળી.
રિપોર્ટ અનુસાર, વૈશ્વિક અર્થતંત્રનું ચિત્ર હજુ પણ અસ્પષ્ટ છે કારણ કે સમગ્ર વિશ્વમાં નીતિગત ફેરફારો થઈ રહ્યા છે અને ઘણા જોખમો હજુ પણ યથાવત છે. પરંતુ અહેવાલમાં ભારતની પરિસ્થિતિ અંગે "સાવધાનીભર્યો આશાવાદ" વ્યક્ત કરવામાં આવ્યો છે.
ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે
એપ્રિલ 2025 માં પ્રકાશિત થયેલા નવીનતમ IMF રિપોર્ટને ટાંકીને, એવું કહેવામાં આવ્યું છે કે ભારત 2025 માં વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા રહેશે અને આ વર્ષે જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે.
રિપોર્ટ અનુસાર, દેશમાં ફુગાવામાં ઘણી રાહત મળી છે અને તે 2025-26માં નિર્ધારિત લક્ષ્યની આસપાસ રહી શકે છે. આ વર્ષે રવિ પાક સારો રહેવાની અને સામાન્ય કરતાં સારા ચોમાસાની અપેક્ષા હોવાથી, ગામડાઓમાં વપરાશ વધશે અને ખાદ્ય ચીજવસ્તુઓનો ફુગાવો (મોંઘવારી) પણ નિયંત્રણમાં રહી શકે છે.
અહેવાલમાં જણાવાયું છે કે ગ્રાહક અને વ્યાપારી સમુદાયનો ભરોસો પણ મજબૂત થયો છે, જેનાથી આર્થિક પ્રવૃત્તિમાં વધુ વધારો થઇ રહ્યો છે. વૈશ્વિક વેપારમાં પરિવર્તન અને ઔદ્યોગિક નીતિઓમાં નવા વલણો વચ્ચે, અહેવાલમાં ભારતને "કનેક્ટર દેશ" તરીકે વર્ણવવામાં આવ્યું છે. ભારત ખાસ કરીને ટેકનોલોજી, ડિજિટલ સેવાઓ અને ફાર્મા જેવા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
સોનાના ભાવમાં ઉછાળાથી મોંઘવારીના મુખ્ય ડેટામાં અસર જોવા મળી
રિપોર્ટ અનુસાર, છેલ્લા કેટલાક મહિનામાં ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે એકંદર ફુગાવામાં રાહત મળી છે. જોકે, સોનાના ઊંચા ભાવની અસર હજુ પણ મુખ્ય ફુગાવા પર જોવા મળી રહી છે, એટલે કે, ખાદ્ય પદાર્થો અને બળતણ વિનાનો ફુગાવો. પરંતુ જો સોનું દૂર કરવામાં આવે તો બાકીનો ફુગાવો સ્થિર રહ્યો છે.
આ રિપોર્ટ ડેપ્યુટી ગવર્નર પૂનમ ગુપ્તાના દેખરેખ હેઠળ આરબીઆઈ સ્ટાફ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. એ પણ સ્પષ્ટ કરવામાં આવે છે કે વ્યક્ત કરાયેલા વિચારો રિઝર્વ બેંકના નથી પરંતુ રિપોર્ટ તૈયાર કરનારા સ્ટાફના છે.