
'હું સેનામાં જવા માગતો હતો. હરિયાણામાં આમેય સેના અને સ્પોર્ટ્સ મોટા ભાગના લોકોની પ્રથમ પસંદગી હોય છે. પરંતુ હું સેનામાં ન જોડાઈ શક્યો એટલે અભિનય તરફ આકર્ષાયો.'
'પાતાલ લોક'માં લાચાર પોલીસ અધિકારી બનનાર અભિનેતા જયદીપ અહલાવતે 'રાઝી'માં તેનાથી તદ્દન વિરોધી કહી શકાય એવી કડક ટ્રેનરની ભૂમિકા પણ એટલી જ સરસ રીતે ભજવી બતાવી. 'જાને જાં'માં જીનિયસ સીક્રેટ પ્રેમી તો 'મહારાજ'માં દગાબાજ 'બાબા' વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવીને આ અભિનેતાએ તેની બહુમુખી પ્રતિભાનો પરચો આપવા સાથે મનોરંજન જગતમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. સૈફ અલી સાથેની એને લેટેસ્ટ નેટફ્લિક્સ ફિલ્મ 'જ્વેલ થીફ : ધ હાઇસ્ટ બિગિન્સ' રજૂ થઈ. આ મૂવીમાં સૈફ સાથેનું જયદીપનું બોન્ડિંગ આંખે ઉડીને વળગે એવું છે.
જોકે જયદીપ આ બોન્ડિંગનો યશ સૈફ અલી ખાનને આપતાં કહે છે કે સૈફ બધાને એકસમાન સન્માન આપે છે, ચાહે તે કલાકાર હોય કે ટેકનિશિયન. અમારી વચ્ચે જે લાજવાબ જોડાણ જોવા મળી રહ્યું છે તેનું કારણ સૈફનું કમાલનું વ્યક્તિત્વ છે. તે પોતાની સાથે કામ કરનારાઓને કોઈ પ્રકારનો સંકોચ ન થાય, તેઓ સહજતાથી તેની સાથે કામ કરી શકે તેનું ખાસ ધ્યાન રાખે છે.
પહેલી વખત કેમેરાનો સામનો કરતી વખતે ખાસ્સો ગભરાયેલો હતો
આજની તારીખમાં પોતાના અભિનયનો સિક્કો જમાવવામાં સફળ થયેલો આ અભિનેતા કહે છે કે એફટીઆઈમાં ઘણી વખત હું કેમેરા સામે ગયો હતો. પરંતુ પહેલી વખત કમર્શિયલી કામ કરતી વખતે મારા પગ ધ્રૂજતા હતા. મેં મારી પહેલી ફિલ્મ 'આક્રોશ' પ્રિયદર્શનના દિગ્દર્શનમાં કરી હતી. હકીકતમાં જ્યારે તમે પહેલું દ્રશ્ય આપવા તૈયાર થતાં હો ત્યારે તમને ગજબનો આત્મવિશ્વાસ હોય, તમને એમ લાગે કે તમે બહુ સહેલાઈથી તમારું સીન ફિલ્માવી લેશો. પરંતુ જ્યારે તમે ખરેખર કેમેરા સામે જાઓ ત્યારે તમને ગભરામણના માર્યા પરસેવો છૂટી જાય, તમારા પગ ધ્રૂજે. મારી સાથે પણ આવું જ થયું હતું. સદનસીબે મેં તે વખતે ખુલતો પાયજામો પહેર્યો હતો તેથી મારા ધ્રૂજતા પગ કોઈને દેખાયા નહોતા.
મારો પહેલો પ્રેમ પહેલવાની જ હતો. હું સેનામાં જવા માંગતો હતો
જયદીપનો પહેલો પ્રેમ પહલવાની હતો. તો પછી તે અભિનય ક્ષેત્રે શી રીતે આવી ગયો? આના જવાબમાં અભિનેતા કહે છે કે મારો પહેલો પ્રેમ પહેલવાની જ હતો. હું સેનામાં જવા માંગતો હતો. વાસ્તવમાં હરિયાણામાં સેના અને ખેલકૂદ મોટાભાગના લોકોની પ્રથમ પસંદગી હોય છે. પરંતુ હું સેનામાં ન જોડાઈ શક્યો ત્યારે અભિનય તરફ આકર્ષાયો. મેં અઢી વર્ષ સુધી સ્ટેજ પર કામ કર્યું. અને હવે જ્યારે દર્શકો સકારાત્મક પ્રતિભાવ આપી રહ્યાં છે ત્યારે ખુશીનો પાર નથી રહેતો.જયદીપે પડદા પર મોટાભાગે ગંભીર પાત્રો ભજવ્યાં છે. પરંતુ 'જ્વેલ થીફ'માં તેનો ડાન્સ જોઈને દર્શકો દીવાના થઈ ગયા છે.
લોકો માની જ નહોતા શકતા કે આ અભિનેતા આટલો સારો ડાન્સર પણ છે. જયદીપ આ બાબતે કહે છે કે દર્શકો માટે મારું આ હુન્નર આશ્ચર્યજનક હશે. પરંતુ મેં નૃત્યને લગતી ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને હમેશાં પહેલા અથવા બીજા ક્રમાંકે રહ્યો છું. રોહતક, હરિયાણામાં નૃત્યને લગતી હરિફાઈઓમાં ભાગ લેવો મારા માટે નવી વાત નહોતી. દર્શકોએ મને મોટાભાગે ગંભીર કિરદારોમાં જોયો છે તેથી તેમના માટે આ વાત નવી છે. પરંતુ મારી નિકટના લોકો મારા આ હુન્નરથી સુપરિચિત છે.
બોલિવુડમાં કીર્તિ મળે ત્યારે જ કલદાર પણ મળે છે. આજે આ અભિનેતા સારું કમાઈ રહ્યો છે. પરંતુ તેની પહેલી કમાણી માત્ર ૫૦,૦૦૦ રૂપિયા હતી. તેને એક વખત અચાનક જ એક હરિયાણવી નાટકનું દિગ્દર્શન કરવાની તક મળી ગઈ તેના મહેનતાણા પેટે આ રકમ મળી હતી.