
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમમાં એક યુવકનું ડૂબી જતાં મોત થયું હતું. ગત સાંજે ડેમ નજીક ચાર મિત્રો ન્હાવા પડ્યા હતા. જે પેકી એક યુવક ડૂબી જતાં આજે તેની મૃતદેહ મળી આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર, સુરત જિલ્લામાં એકબાજું ધોધમાર વરસાદ છે. ત્યારે તંત્ર દ્વારા ડેમ પ્રભાવિત વિસ્તારોમાં નહીં જવાની અપીલ કરાઈ છતાં લોકો સમજતા નથી. એક દુર્ઘટના બની હતી. સુરત જિલ્લાના માંડવી તાલુકામાં માંડવીના આમલી ડેમ ખાતે ગત રોજ ઉમરપાડા તાલુકાના ચાર મિત્રો ન્હાવા આવ્યાં હતાં. જ્યાં 25 વર્ષીય અજય રાજેન્દ્રભાઈ વસાવા નામનો યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ડૂબી ગયો હતો. જેથી ફાયર ટીમે શોધખોળ શરૂ કરી હતી.
ગતરોજ ડેમમાં ડૂબેલ યુવકની આજે પણ શોધખોળ કરવામાં આવી હતી. ભારે જહેમત બાદ માંડવી ફાયર દ્વારા ડૂબેલ યુવક અજય વસાવાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. મૃતક અજય રાજેન્દ્ર વસાવા ઉમરપાડા તાલુકાના બીજલવાડીનો રહેવાસી હતો. ઘટના સંદર્ભે પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પણ ત્યાં આવી પોહચ્યાં હતા. માંડવી પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી આરંભી હતી.
બીજી એક ઘટના ભાવનગર જિલ્લાના સિહોરના ટાણા ગામે અગિયાળી રોડ પર આવેલા તણાવમાં સંજય સોલંકી નામનો યુવક ન્હાવા જતા પાણીમાં ડૂબી ગયો હતો. જે અંગેની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમે યુવકના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. કલાકોની ભારે જહેમત છતાં યુવકના મૃતદેહ હાથ ન લાગ્યો. જો કે. યુવકના ડૂબવાની ઘટના છતાં મામલતદાર કે કોઈ અધિકારી ફરકયા નથી.