
ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે લીંબડી-અમદાવાદ હાઈવે પર સંતરામપુર-રાજકોટ રૃટની ST બસ અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ST બસ બસમાં સવાર આઠ જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે લીંબડીની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ સંતરામપુર રૃટની એસ.ટી બસ અમદાવાદ તરફથી રાજકોટ તરફ જઈ રહી હતી.
ST બસ ચાલકે ટ્રેકટરને મારી ટક્કર
ST બસ લીંબડી નજીક ચોરણીયાના પાટીયા પાસે પહોંચી હતી. બસ ચાલકે આગળ જઇ રહેલા લોડર ટ્રેકટરને અડફેટે લઈને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ST બસમાં સવાર જસવંતકુમાર નથુલાલ, હસમુખભાઈ કરશનભાઈ, ગણપતભાઈ મેલાભાઈ, પ્રશાંતભાઈ હરેશભાઈ, અનિતાબેન કાળુભાઈ, કપિલભાઈ આરુભાઈ, સ્વપનેશભાઈ હસમુખભાઈ, શ્રેયાબેન પરશુરામભાઈ સહિતના મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
દુર્ઘટનામાં 8 મુસાફરો ઈજાગ્રસ્ત
તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. તેમજ અકસ્માતને લઈને હાઈવે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે આ બનાવની જાણ લીંબડી પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે ટ્રાફિક હટાવવાની કામગીરી હાથ ધરીને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.