
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચે એક સફળ ઓપરેશન ચલાવીને લૂંટની યોજના બનાવતાં ચાર શાતિર ગુનેગારોને ઝડપી લીધા છે. આ આરોપીઓના પાસેથી દેશી બનાવટના પિસ્ટલ, તમંચા અને બે જીવતા કાર્ટીઝ મળી આવ્યા છે. અત્યાર સુધી અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાઈ ચૂકેલા આ આરોપીઓ સુરતમાં ફરી ગુનાઓના ઈરાદે ભેગા થયા હતા, પણ ક્રાઈમ બ્રાન્ચની ચપળ કાર્યવાહીથી તેઓ કોઈ મોટો ગુનો અંજામ આપે એ પહેલા જ દબોચાઈ ગયા.
આરોપીઓના નામ
જીતેન્દ્ર રાજબહાદુર યાદવ
ગુલશન ઉર્ફે ટીન્કુ કુમાર
નિલેશ જીતેન્દ્ર દુબે
રત્નેશ અનીલકુમાર સિંહ
આ ચારે આરોપીઓ અગાઉ વર્ષ 2022માં મુંબઈમાં હથિયારો સાથે ધાડ પાડવાની ઘટના તેમજ વલસાડ રેલવે આંગડિયા લૂંટના ગુનામાં સંડોવાયા હતા અને તે માટે જેલવાસ ભોગવી ચૂક્યા છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગુનેગારો ખૂન, ખૂનનો પ્રયાસ, લૂંટ, ધાડ તેમજ Arms Act હેઠળના અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે. તેઓ સુરત ઉપરાંત વલસાડ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા.
યોજના બનાવી રહ્યા હતા
મળતી માહિતી અનુસાર, આ ટોળકી હાલ સુરતમાં નવો ગુનાકાંડ અંજામ આપવા માટે હથિયારો ભેગા કરી રહી હતી. જોકે, ગુપ્ત માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે સમયસર કાર્યવાહી કરી અને આરોપીઓને નવા ગૌરવ પથ રોડ, જહાંગીરપુરા વિસ્તારથી ઝડપી લીધા.આ ઘટના એ દિશામાં સંકેત આપે છે કે કેટલી ગંભીરતાથી રીઢા ગુનેગારો જુદા જુદા શહેરોમાં ફરીથી સક્રિય થવાનો પ્રયાસ કરી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ પ્રકારની સમયસૂચક કાર્યવાહી સુરક્ષા માટે આવશ્યક છે.
કડક પગલાં લેવાશે-કમિશનર
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, "આ આરોપીઓનો ઇરાદો સુરતમાં ફરી લૂંટના ગુના અંજામ આપવા પાછળનો હતો, પરંતુ અમારા અધિકારીઓએ સમયસર કાર્યવાહી કરીને મોટો ગુનાકાંડ થવાનું અટકાવ્યું. ભવિષ્યમાં પણ આવા ગુનેગારો સામે કડક પગલા લેવામાં આવશે."