Home / Religion : Dhramlok: Description of the Yaksheshwar incarnation of Mahadevji

Dhramlok: મહાદેવજીના યક્ષેશ્વર અવતારનું વર્ણન

Dhramlok: મહાદેવજીના યક્ષેશ્વર અવતારનું વર્ણન

ભગવાન શિવજીનું સ્વરૂપ નિર્ગુણ, નિરંજન, નિરાકાર અને નિર્લેપ છે

શિવમહાપુરાણની શતરુદ્ર સંહિતામાં મહાદેવજીના સો અવતારોનું વર્ણન કર્યું છે. આમ તો ભગવાન શિવ અજન્મા છે. ભગવાન શિવજીનું સ્વરૂપ નિર્ગુણ, નિરંજન, નિરાકાર અને નિર્લેપ છે પણ ભક્તજનો માટે થઈ ભગવાન સદાશિવ સગુણ બન્યા છે. ભક્તજનોના કલ્યાણ માટે થઈ ભગવાન સદાશિવે પણ લીલા ચરિત્રો કર્યાં છે. ભગવાન સદાશિવે યક્ષેશ્વર અવતારમાં દેવોના અભિમાનનું ખંડન કર્યું. દેવોનું અને દૈત્યોનું યુદ્ધ થયું જેમાં દેવોનો વિજ્ય થયો. વિજ્ય પ્રાપ્ત કર્યાં પછી દેવોના મનમાં અભિમાન આવ્યું. એ અભિમાનને તોડવા માટે મહાદેવજી યક્ષ સ્વરૂપે પ્રગટયાં. એમના હાથમાં ઘાસનું તણખલું હતું. તે સમયે અગ્નિદેવ બોલ્યાં કે, 'હે યક્ષ! હું જો ઈચ્છું તો આ તણખાને બાળી શકું.' યક્ષે કહ્યું કે, 'પ્રયત્ન કરીને જુવો.' અગ્નિદેવે પોતાની સમગ્ર શક્તિનો ઉપયોગ આ ઘાસના તણખલાં ઉપર કર્યો પણ તણખલું બળ્યુ નહિં. વરુણદેવ આવ્યા. વરુણદેવે કહ્યુ, 'હે યક્ષ! હું જો ઈચ્છું તો આ તણખલાંને ડૂબાડી શકું.'  યક્ષે કહ્યું કે, 'પ્રયત્ન કરી જુવો.' વરુણદેવે પણ પોતાની શક્તિનો ઉપયોગ કર્યો પણ એ તણખલાંને ડૂબાડી શક્યા નહિં. તે સમયે વાયુદેવનું આગમન થયું. વાયુદેવે કહ્યું કે, 'હે યક્ષ! હું ઈચ્છું તો આ ઘાસના તણખલાંને ઉડાડી શકું.' યક્ષે કહ્યું કે, 'પ્રયત્ન કરી જુવો.' વાયુદેવે તણખલાંને ઉડાડવાનો પ્રયત્ન કર્યો પણ તણખલું ઉડયું નહિં. આ યક્ષને જોવા માટે દેવરાજ ઈન્દ્ર પધાર્યાં અને જેવું દેવરાજ ઈન્દ્રનું આગમન થયું તે જ સમયે યક્ષ અંતરધ્યાન થઈ ગયાં.  દેવો આશ્ચર્ય પામ્યા કે, 'આ પુરુષ કોણ હશે!? કે જેની સામે આપણી કોઈ શક્તિ કામ લાગી નહિં.' 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ક્યારેય પણ મિથ્યા અભિમાન કરશો નહિં

દેવો બધા વિચારી રહ્યા હતાં  તે જ સમયે જગદંબાનું પ્રાગટય થયું. માતાજીએ દેવોને કહ્યું કે, 'હે દેવો! આ યક્ષ કોઈ સામાન્ય નથી પણ સ્વયં ભગવાન શિવજી તમારા અહંકારનું ખંડન કરવા આવ્યા છે. હે દેવો! તમે જે દૈત્યો ઉપર વિજ્ય પ્રાપ્ત કર્યો છે, તમે જે કાંઈ કર્યું છે એમાં તમે નિમિત્ત છો પણ કરવાવાળા મહાદેવ છે. હે અગ્નિદેવ! તમારામાં જે દાહક શક્તિ છે એ ભગવાન શિવજીની છે. હે વાયુદેવ! તમારી અંદર પણ મહાદેવજીની જ શક્તિ રહેલી છે. હે વરુણ દેવ! તમારી અંદર જે શક્તિ છે એ ભગવાન સદાશિવની છે. માટે ક્યારેય પણ મિથ્યા અભિમાન કરશો નહિં.' આટલું કહી જગદંબા અંતરધ્યાન થયાં.

'અહમ' ને દુર કરી 'સોહમ'ની યાત્રા તરફ આગળ વધીએ

શિવમહાપુરાણ કથામાં આ યક્ષેશ્વર અવતારનો પ્રસંગ છે એ આપણને સૌને સમજાવે છે કે, આપણે કર્મ કરીએ અને કર્તાપણાનો ભાવ જ્યારે આપણા મનમાંથી નીકળી જશે ત્યારે કર્મ આપણને બાંધશે નહિં. ભગવાન શિવજી એ અહંકારનું ખંડન કરવાવાળા દેવ છે માટે ભગવાને કોઈનું અભિમાન અખંડ રાખ્યું નથી. દરેકના અભિમાનનું ખંડન કર્યું છે. જ્યારે મનુષ્યના અહંકારનું ખંડન થાય ત્યારે મનુષ્યની અજ્ઞાનતા દૂર થાય અને સાચું જ્ઞાન મળે. જેવી રીતે ભગવાન શિવજી અહંકારનું ખંડન કરે છે એવી રીતે જ્ઞાન પ્રદાન કરવાવાળા છે. મહાદેવજીની કૃપા થાય તો જ્ઞાન પ્રાપ્ત થાય. તો આ યક્ષેશ્વર અવતારના માધ્યમથી ભગવાન શિવજીએ આપણને સૌને એ જ્ઞાન આપ્યું કે, 'હું સર્વત્ર છું માટે કોઈએ મિથ્યા અભિમાન કરવું નહિં.' તો આવો 'અહમ' ને દુર કરી 'સોહમ'ની યાત્રા તરફ આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે અસ્તુ!

- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી

Related News

Icon