
અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ ન નોંધવાના કારણે ચાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શત્રુગન નામના ફરિયાદી મારામારીની ઘટના અંગે ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, પરંતુ પોલીસે ફરિયાદ નોંધી ન હતી. આથી ફરિયાદીએ ઝોન-4ના ડીસીપી કાનન દેસાઈને ફોન કરી જાણ કરી.ડીસીપી કાનન દેસાઈએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હતી.
અરજદારને ફરિયાદ નોંધ્યા વિના મોકલી દીધા
મળતા અહેવાલ પ્રમાણે તપાસમાં જાણવા મળ્યું કે ઇન્કવાયરી રૂમમાં હાજર પોલીસ કર્મચારીઓએ શિફ્ટ પૂરી થતાં અરજદારને ફરિયાદ નોંધ્યા વિના મોકલી દીધા હતા. આ બેદરકારીને કારણે ફરિયાદી યુવક પર ફરીથી મારામારીની ઘટના બની હતી.
4 પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા
આ ઘટનાને ગંભીરતાથી લઈ, ડીસીપીએ ઇન્કવાયરી ઇન્ચાર્જ પંકજ કુમાર દશરથ, રાઇટર ચિરાગકુમાર અશોકભાઈ, PSO અમિતકુમાર વિજયભાઈ અને રાઇટર કિંજલબેન વિઠ્ઠલભાઈને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે.