
ગુજરાતમાં નકલીની ભરમાર અટકતી નથી. નકલીનો નવો કિમીયો સામે આવ્યો. Milk ની નકલી કૂપનથી ગોરખધંધા થવા લાગ્યા. મહેસાણાના ઊંઝામાં નકલી કૂપનથી રૂપિયા 7.50 લાખનું દૂધ ( MILK ) વેચાઈ ગયું. માર્ચ એન્ડિંગના હિસાબ ચેક કરતાં કૌભાંડનો પર્દાફાશ થયો. ઊંઝામાં ટુંડાવ દૂધ મંડળીમાં આ કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે.
મહેસાણા જિલ્લાના ઊંઝા અંતર્ગત આવતા ટુંડાવ દૂધ ઉત્પાદક સહકારી મંડળીની નકલી કૂપનો ફરતી થઈ. ડેરીએ બનાવેલી અસલ કૂપન જેવી જ નકલી કૂપનથી સાડા સાત લાખ રૂપિયાનું દૂધ પણ વેચાઈ ગયું. બે વર્ષથી નકલી કૂપન બનાવી દૂધનું વેચાણ થતું હતું ત્યાં સુધી કોઈને ખબર પણ ના પડી. ગામનો જ એક વ્યક્તિ ઈશ્વરભાઈ પ્રજાપતિ નકલી કૂપન બનાવતો હતો. ટુંડાવ ડેરીના મંત્રીએ જણાવ્યું કે, ઈશ્વરભાઈ પ્રજાપતિએ નકલી કૂપન બનાવતો હોવાનું કબૂલ્યું છે. ડેરીના હોદ્દેદારો અને ગ્રામજનોની હાજરીમાં પૈસા વસૂલાતની બાંહેધરી લેવામાં આવી છે.