
શ્રેયસ અય્યરની કેપ્ટન્સીમાં પંજાબ કિંગ્સે એક દાયકા કરતા વધુ સમય બાદ IPLની ફાઇનલ મેચ રમી હતી. જોકે, ટીમ ફાઇનલમાં RCB સામે હારી ગઇ હતી અને કેપ્ટન તરીકે સતત બીજી IPL ટ્રોફી જીતવાથી શ્રેયસ અય્યર ચુકી ગયો હતો. IPL ફાઇનલ હારવાના 9 દિવસ બાદ શ્રેયસ અય્યર પાસે વધુ એક ટ્રોફી જીતવાની તક છે. શ્રેયસ અય્યરની કેપ્ટન્સી ધરાવતી ટીમ મુંબઇ ફાલ્કન્સ ટી-20 મુંબઇ લીગની ફાઇનલમાં પહોંચી છે.
શ્રેયસ અય્યરની કેપ્ટન્સીમાં ટીમ મુંબઇ ટી-20 લીગની ફાઇનલમાં
IPL 2025 ફાઇનલના બીજા દિવસે જ મુંબઇ ટી-20 લીગની શરૂઆત થઇ હતી. આ ડોમેસ્ટીક ટી-20 લીગમાં શ્રેયસ અય્યરને સોબો મુંબઇ ફાલ્કન્સ ટીમની કેપ્ટન્સી મળી હતી. શ્રેયસ અય્યરની ટીમ ફાઇનલમાં પહોંચી છે. તે ખિતાબ જીતવાથી એક પગલુ દૂર છે. જોકે, તેનું બેટ સેમી ફાઇનલ મેચમાં ચાલ્યુ નહતું અને તે એક રન બનાવીને આઉટ થઇ ગયો હતો. સોબો ફાલ્કન્સનો સામનો 12 જૂને મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં ટી-20 મુંબઇ લીગની ફાઇનલમાં મુંબઇ સાઉથ સેન્ટ્રલ મરાઠા રોયલ્સ સામે થશે.ગુરૂવાર સાંજે સાડા 7 વાગ્યાથી આ મેચ રમાશે. ટી-20 લીગ મેચ અને 2 સેમી ફાઇનલ મેચ 8 દિવસમાં રમાઇ ચુક્યો છે.
શ્રેયસ અય્યરે ત્રણ ટીમને IPL ફાઇનલમાં પહોંચાડી
મહત્ત્વપૂર્ણ છે કે પંજાબ કિંગ્સ માત્ર 6 રનથી IPL 2025નો ખિતાબ જીતવાથી ચુકી ગઇ હતી. ગત સિઝનમાં પણ શ્રેયસ અય્યરની કેપ્ટન્સી ધરાવતી ટીમ KKR ખિતાબ જીતી હતી. શ્રેયસ અય્યરે કોલકાતા નાઇટ રાઇડર્સને ત્રીજી ટ્રોફી જીતાડી હતી. તે બાદ આગામી સિઝનમાં શ્રેયસ અય્યર પંજાબ કિંગ્સમાં જતો રહ્યો હતો જ્યાં તેને ટીમને 11 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચાડી હતી. તે એકમાત્ર કેપ્ટન છે જેને IPLમાં ત્રણ ટીમને ફાઇનલમાં પહોંચાડી છે. કોઇ અન્ય ખેલાડી આ સિદ્ધિ મેળવી શક્યો નથી.