Home / Business : Early monsoon will provide relief from heat but inflation will increase:

વહેલું મોનસૂન ગરમીથી રાહત તો આપશે પરંતુ, મોંઘવારીમાં થશે વધારો: RBI માટે પણ પડકાર

વહેલું મોનસૂન ગરમીથી રાહત તો આપશે પરંતુ, મોંઘવારીમાં થશે વધારો: RBI માટે પણ પડકાર
લાંબા સમય બાદ એવું બન્યું છે કે મોનસૂને નિયત સમયથી વહેલું દસ્તક આપી છે. મોનસૂનના આગમનથી લોકો ગરમીથી રાહત અનુભવી રહ્યા છે, પરંતુ આ વહેલું મોનસૂન સામાન્ય લોકોના ખિસ્સા પર અસર કરી રહ્યું છે, કારણ કે તેની અસર કૃષિ પર દેખાઈ રહી છે. 
 
સામાન્યથી વધુ વરસાદ
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતા મોનસૂન માટે તેના અંદાજમાં ફેરફાર કર્યો છે. હવે અંદાજ છે કે આ વખતે વરસાદ સામાન્યથી વધુ એટલે કે સરેરાશ 106% હશે, જે અગાઉ 105% અંદાજવામાં આવ્યો હતો. જૂન મહિનામાં આ આંકડો વધીને 108% સુધી પહોંચી શકે છે.
 
પાકને નુકસાન
ડુંગળી માટે વધુ કિંમત ચૂકવવા તૈયાર રહો, કારણ કે મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે ડુંગળી જેવા મહત્ત્વના પાકને નુકસાન થયું છે. હવે ફરી એકવાર શાકભાજીના ભાવમાં ઉછાળો આવવાની શક્યતા છે, સાથે જ મોંઘવારી જે નિયંત્રણમાં હતી તેને પણ આંચકો લાગી શકે છે.
 
રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્રમાં ભારે નુકસાનના સમાચાર છે. અમરાવતી, જલગાંવ, બુલઢાણા અને અહિલ્યાનગર જેવા જિલ્લાઓમાં સતત વરસાદને કારણે અત્યાર સુધીમાં 34,842 હેક્ટર પાક બરબાદ થયો છે. ફક્ત નાસિકમાં જ 3,230 હેક્ટરના પાકને નુકસાન થયું છે. સોલાપુર અને પુણેમાં પણ 1,252 અને 676 હેક્ટર પાક ખરાબ થયો છે.
કેળ, કેરી, ડુંગળી, લીંબુ અને શાકભાજીના પાક સૌથી વધુ પ્રભાવિત થયા છે.
 
શાકભાજી થશે મોંઘા 
રિપોર્ટ મુજબ, થાળીની કિંમતનો 37% હિસ્સો ડુંગળી, ટામેટાં અને બટાકા જેવા શાકભાજી પર આવે છે. એપ્રિલ 2025માં એક વેજ થાળીની સરેરાશ કિંમત 26.3 રૂપિયા હતી, જે ગયા વર્ષની સરખામણીએ 4% ઓછી હતી. પરંતુ સપ્લાયમાં અડચણ આવે તો આ કિંમતો ફરી ઉપર જઈ શકે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં ડુંગળીના ભાવ 46%, બટાકાના 51% અને ટામેટાંના ભાવ બમણા થયા હતા, જેના કારણે થાળીની કિંમત 20% વધી હતી.
 
રિપોર્ટ મુજબ, 20 મે 2025 સુધી લાસલગાંવ મંડીમાં ડુંગળીની કિંમત 1,150 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ હતી. વરસાદને કારણે ટ્રાન્સપોર્ટ અને સ્ટોરેજ પ્રભાવિત થયું છે, જેનાથી વધુ વધારો થવાની શક્યતા છે. પુણેમાં ટામેટાંના ભાવ કેટલાક દિવસ પહેલાં 5 રૂપિયા પ્રતિ કિલો હતા, જે હવે 20-25 રૂપિયા સુધી પહોંચી ગયા છે. APMC અધિકારીઓના જણાવ્યા મુજબ, શાકભાજીની આવક 50% સુધી ઘટી છે.
 
રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ગયા અઠવાડિયે ટામેટાંના ભાવ 10%થી 25% વધ્યા છે. પાલક, મેથી અને ધાણા જેવા લીલા શાકભાજી 12%થી 16% મોંઘા થયા છે.
 
મોંઘવારીને લઈને RBI સામે પડકાર
2024માં પણ મોનસૂનને કારણે પાક પ્રભાવિત થયા હતા, જેનાથી ઓક્ટોબરમાં ખાદ્ય મોંઘવારી 57 મહિનાના ઉચ્ચ સ્તરે 10.87% સુધી પહોંચી હતી. ફક્ત શાકભાજીના ભાવમાં 28%નો વધારો થયો હતો, જ્યારે અનાજ અને દાળ 8%થી 17% સુધી મોંઘી થઈ હતી. રિટેલ મોંઘવારી પણ વધીને 6.21% થઈ હતી.
 
જો શાકભાજીના ભાવમાં ફરી તેજી આવે છે, તો તે RBIના નાણાકીય વર્ષ 2025-26 માટે 4% રિટેલ ટાર્ગેટને મુશ્કેલમાં મૂકી શકે છે.
RBIની MPCની બેઠક 4 જૂનથી 6 જૂન સુધી યોજાશે. એવી આશા હતી કે વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે 25 બેસિસ પોઈન્ટનો વધુ ઘટાડો થઈ શકે, પરંતુ હવે વધતી મોંઘવારીના સંકેતોને કારણે આ શક્યતા ખતમ થઈ ગઈ છે.
Related News

Icon