
સુરત શહેર અંગદાનના શહેર તરીકે ઉભરી રહ્યું છે. રોજે રોજ બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાન થઈ રહ્યાં છે. ત્યારે બ્રેઈનડેડ જાહેર થયેલા પન્નાબેન શિંગાળઆના અંગોના દાનથી 7 વ્યક્તિઓને નવું જીવન મળ્યું હતું. એક સાથે 7 વ્યક્તિઓમાં અલગ અલગ અંગોનું ટ્રાન્સપ્લાન્ટ શહેરની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. જેથી એક સાથે સાત જિંદગીના જીવન દીપી ઉઠ્યાં છે.
બ્લડ પ્રેશર વધતાં બ્રેઈનડેડ થયાં
તા.૧૧-૦૪-૨૦૨૫ નારોજ દર્દી નામે પન્નાબેન ભરતભાઈ શિંગાળાને રાત્રી સમયે અચાનક ચક્કર આવતા તેમના પતિ ભરતભાઈ અને દિયર ધીરેનભાઈ નજીકના દવાખાને લઇ જતાં તપાસ કરતા ત્યાના ડોકટરે બ્લડ પ્રેશર વધારે હોઈ એવું જણાવી નજીકની સિલ્વર હોસ્પિટલ, મોટા વરાછા ખાતે લઇ જવાનું કીધું. ત્યાના ડો.નીલેશ ગલાણી સાહેબ દ્વારા મગજના રિપોર્ટ કરાવતા દર્દીને મગજમાં હેમરેજ હોઈ જેનું ઓપરેશન કરવું પડે તે માટે તેઓએ તાત્કાલિક કિરણ હોસ્પીટલમાં શિફ્ટ કરાયા હતાં ત્યાં દર્દીને ઈમરજન્સીમાં રાત્રે ૨.૦૦ વાગ્યે ઓપરેશન કરાયું હતું અને વધુ સારવાર અર્થે ICU માં રાખવામાં આવ્યા હતા. લાંબી સારવાર બાદ અચાનક તા:-૨૧-૦૪-૨૦૨૫ ના રોજ દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થતા ફરીથી તેમના રિપોર્ટ કરતા મગજ પર સોજો વધી ગયો હોઈ અને દર્દીના તબિયતમાં સુધારો થઇ શકે એમ ના હોઈ અને દર્દી બ્રેઈન ડેડ હોઈ ત્યારે કિરણ હોસ્પીટલમાં ફરજ પરના ડો. ભૌમિક ઠાકોર, ડો.હીના ફળદુ , ડો. દર્શન ત્રિવેદી અને મેડીકલ ડીરેકટર ડો.મેહુલ પંચાલ દ્વારા પન્નાબેનને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. કિરણ હોસ્પિટલના મેડીકલ ડીરેકટર ડો.મેહુલ પંચાલે સાહેબે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરતના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, ડો. નિલેશ કાછડીયા અને વિપુલ તળાવીયાનો સંપર્ક કર્યો હતો.
એક સાથે 7 ટ્રાન્સપ્લાન્ટ
કિરણ હોસ્પિટલમાં 23 એપ્રિલના રોજ પન્નાબેનના અંગોના દાન થકી 7 લોકોને નવું જીવન મળ્યું હતું. જેમાં ફેફસાં ટ્રાન્સપ્લાન્ટ 34 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું હતું. લીવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના 42 વર્ષીય પુરૂષામં તથા કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ 38 વર્ષીય મહિલામાં અને 57 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું હતું. હાથનું ટ્રાન્સપ્લાન્ટ 43 વર્ષની મહિલામાં કરવામાં આવ્યું હતું. આંખ(કોર્નિયા)નું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદની 40 વર્ષી મહિલામાં અને 62 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું હતું. કિરણ હોસ્પિટલમાં 7 પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ વિભાગો કાર્યરત હોવાથી એક જ દિવસે એક સાથે 7 વ્યક્તિઓમાં સફળ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થઈ શક્યા છે.