
Business news: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (એસવીપીઆઇ) એરપોર્ટ ની કામગીરીમાં એકધારો વધારો થઇ રહ્યો છે. નાણાકીય વર્ષ 2024-25માં તેણે નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે. આ સમયગાળામાં મુસાફરોના ટ્રાફિકમાં નોંધપાત્ર વધારાની સાથોસાથ માળખાગત સુવિધાઓ અને તકનીકી ક્ષમતાઓમાં પણ છલાંગ લાગાવી છે. પરિણામે અમદાવાદ ઝડપથી વિકસતું ઉડ્ડયન કેન્દ્ર બન્યું છે.
01 એપ્રિલ 2024 અને 31 માર્ચ 2025 વચ્ચે એસવીપીઆઇ એરપોર્ટે અભૂતપૂર્વ 1,34,27,697 મુસાફરોનું સ્વાગત કર્યું હતું, જે અગાઉના નાણાકીય વર્ષમાં 1,16,96,227 મુસાફરોની સરખામણીમાં 14.8 % નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ પ્રભાવશાળી વૃદ્ધિ અમદાવાદનું અગત્યના ગંતવ્ય સ્થાન અને પરિવહન સ્પોટ તરીકેનું મહત્વ ઉજાગર કરે છે. 11 મિલિયનથી વધુ સ્થાનિક મુસાફરો સ્થાનિક ક્ષેત્રની મજબૂતી દર્શાવે છે. જેમાં 2.2 મિલિયનથી વધુ મુસાફરો અમદાવાદથી વૈશ્વિક સ્થળો સાથે જોડાયા છે.
ગત નાણાકીય વર્ષમાં અમદાવાદમાં અનેક વૈશ્વિક કાર્યક્રમોના આયોજનને કારણે મુસાફરોનો ધસારો ટોચ પર પહોંચ્યો હતો. એરપોર્ટે 25 જાન્યુઆરી 2025ના રોજ 351 વિમાનોની હિલચાલ સાથે પ્રભાવશાળી 48,137 મુસાફરોને સેવા આપી અત્યાર સુધીનો સૌથી વધુ મુસાફરોનો રેકોર્ડ સર્જ્યો હતો. તેણે 20 નવેમ્બર 2023 ના રોજ 42,224 મુસાફરો અને 328 એર મોમેન્ટસના રેકોર્ડને વટાવ્યો હતો.
48 થી વધુ સ્થાનિક અને 16 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે જોડાએલ એસવીપીઆઇ એરપોર્ટ હાલમાં દરરોજ 36,800થી વધુ મુસાફરોને સેવા આપે છે, જેમાં સરેરાશ 288 ફ્લાઇટ્સ છે, જેમાં ચાર્ટર મૂવમેન્ટ્સનો સમાવેશ થાય છે.
અમદાવાદ એરપોર્ટ પર એર ટ્રાફિક મૂવમેન્ટ્સમાં (એટીએમ) પણ 16.2%નો નોંધપાત્ર વધારો થયો છે. નાણાકીય વર્ષ 24-25માં એરપોર્ટે 101,119 વિમાનોનું સંચાલન કર્યું હતું, જે નાણાકીય વર્ષ 23-24માં 87,025 મૂવમેન્ટ કરતા વધારે છે. વધેલી કાર્યકારી ક્ષમતા વ્યૂહાત્મક માળખાગત રોકાણોનું સીધું પરિણામ છે. પાંચ નવા પાર્કિંગ સ્ટેન્ડ્સનો ઉમેરો અને હાલના એરોબ્રિજ પર મલ્ટીપલ એરક્રાફ્ટ રેમ્પ સિસ્ટમ (માર્સ) ના અમલીકરણથી ઉપલબ્ધ જગ્યાનો ઉપયોગ સરળ બન્યો છે.