
police arrestબનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના છાપી ગામે અસલી પોલીસે નકલી ડીવાયએસપીને ઝડપી જેલ હવાલે કર્યો છે. મુખ્યમંત્રીની સુરક્ષામાં ફરજ બજાવતો હોવાનું બતાવી, બિલ્ડરને પોતાની વાતોમાં ભેળવીને 38 લાખ રૂપિયા પડાવી લીધા હતા. બિલ્ડરની ફરિયાદ બાદ અસલી પોલીસે નકલી ડિવાયએસપીને દબોચી લીધો છે. છાપી વિસ્તારમાં નકલી ડીવાયએસપી ઝડપાતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
બિલ્ડરની ઓફિસમાં આવીને બેસતો
છાપી ખાતે આવેલ શુકુન વિલા બગ્લોઝમાં છ માસ પૂર્વે મૂળ રહે સરડોઈ તા. મોડાસાનો જીતેન્દ્રસિંહ ઉદેસિંહ રાઠોડ નામનો એક શખ્સ પોતે ડીવાયએસપી હોવાનું તેમજ પોતે મુખ્યમંત્રીની સુરક્ષામાં ફરજ બજાવતો હોવાનું બતાવીને મકાન માટે બાનુ આપ્યું હતું. 30 લાખના મકાન માટે પચાસ હજાર રૂપિયાનું બાનું આપ્યું હતું. પરંતુ મકાનનું કામ અધૂરું હોવાના કારણે અન્ય જગ્યાએ ભાડે મકાન રાખીને રહેતો હતો. અવારનવાર બિલ્ડરની ઓફિસમાં આવી બેસતો હતો.
છેતરાઈને ૩૮ લાખ રોકડ ઉછીના આપ્યા
ગત તારીખ ૨૦/૨/૨૫ના રોજ બિલ્ડર વિજયભાઈ ચૌધરી તેમજ તેમનો ભાઈ ધનરાજભાઈને કહ્યું કે, મેં ગાંધીનગરના કુંડાસણ ગામે ૭૦ લાખમાં જમીન ખરીદી છે. જેના માટે મારે પંદર દિવસ માટે રૂપિયા આપવાના છે. બિલ્ડર આ ડીવાયએસપીની વાતોમાં આવી જતા છેતરાઈને ૩૮ લાખ રોકડ ઉછીના આપ્યા હતા.
બિલ્ડરને કરેલા વાયદા પ્રમાણે પૈસા પરત ન આપતા અને ફરાર થઈ ગયેલા નકલી ડીવાયએસપી અંગે તપાસ કરાવી. તો જાણવા મળ્યું કે આ નામની કોઈ પણ વ્યક્તિ પોલીસ ડિપાર્ટમેન્ટમાં અને મુખ્યમંત્રીની સુરક્ષામાં તૈનાત નથી. આ વાત જાણતા પોતે છેતરાયા હોવાનું ભાન થતાં પીડિત બિલ્ડરે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. છાપી પીઆઇ હીનાબેન વાઘેલા, પો.કો.સુરેશભાઈ સહિતની ટીમે આરોપી જીતેન્દ્રસિંહ રાઠોડને ઇકો સ્પોર્ટ કાર સાથે છાપી હાઇવેથી ઝડપી લઈને જેલ હવાલે કર્યો હતો.