
સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકો માટે આશાજનક સમાચાર સામે આવ્યા છે. સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ કિલોફેટ રૂપિયા ૨૦ નો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે ગ્રામ્યસ્તરે રહેતા પશુપાલકોને આર્થિક રીતે મોટો સહારો મળશે. સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે આ ભાવવધારાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી પશુપાલન ખર્ચમાં વધારો થયો છે. પશુઓને ચારો, ઔષધો અને રખડાવવાની ખર્ચાળ પ્રવૃત્તિઓથી પશુપાલકો પર આર્થિક બોજો વધ્યો હતો. આવા સંજોગોમાં દૂધના ભાવમાં થયેલો વધારો સમયોચિત અને જરૂરી છે.
70 કરોડથી વધુનો લાભ
હાલમાં ભેંસના દૂધનો ભાવ રૂ. ૮૫૦ પ્રતિ કિલો હતો, જે વધારીને હવે રૂ. ૮૭૦ કરવામાં આવ્યો છે. જ્યારે ગાયના દૂધનો ભાવ રૂ. ૮૧૦ થી વધીને રૂ. ૮૩૦ પ્રતિ કિલો થયો છે. આ ભાવવધારો તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. સુમુલ ડેરીના ડાયરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, “આ ભાવ વધારાથી સુરત અને તાપી જિલ્લામાં રહેતા અંદાજે અઢી લાખ પશુપાલકોને વાર્ષિક રૂ. ૭૦ કરોડથી વધુનો આર્થિક લાભ થશે. આ પગલાથી પશુપાલનમાં નફાકારકતા વધશે અને વધુ લોકો પશુપાલન તરફ આકર્ષાય તેવો અમારોઅ આશય છે."
ઘાસચારાના ભાવ વધ્યા
સુમુલ ડેરી છેલ્લા ઘણા વર્ષોથી દૂધ ઉત્પાદન અને વિતરણના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. તેઓ સતત પશુપાલકોના હિતમાં નિર્ણયો લેતા રહે છે. દૂધના ભાવમાં આ વધારો માત્ર પશુપાલકો માટે જ નહિ પરંતુ સમગ્ર દુધ ઉત્પાદન ચેન માટે પણ એક સકારાત્મક સંકેત માનવામાં આવી રહ્યો છે.આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારમાં દૂધ વેચી ગુજરાન ચલાવતા પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી છે. "આમ તો ચારાના ભાવ વધી ગયા છે અને ખર્ચ પણ વધ્યો છે. હવે દૂધના ભાવ વધતાં અમને પણ અમારા મહેનતના યોગ્ય મૂલ્ય મળશે," તેમ એક સ્થાનિક પશુપાલકે જણાવ્યું હતું.