
- આંખ છીપ, અંતર મોતી- આચાર્ય રાજહંસ
'આ માંસનો પિંડ માત્ર છે, માણસ નથી. આને એક બાજુ કરી દ્યો. અમો પણ તમારી આજ્ઞાા માનીએ છીએ. આ માંસના પિંડની નહીં. આ રાજા નથી, વાસ્તવિક રાજા તો તમે છો. તમે જ સાચ્ચે રાજા બની જાઓ.'
કેટલાક માણસોએ મંત્રીને આવીને આ વાત કરી. પણ મંત્રીએ કોઈ વાત કાને ધરી નહી; ધારી નહીં. ઊલટાનું તે લોકોને ખખડાવતાં કહ્યું - 'તમે લોકો શું સમજો છો ? રાજા તો રાજા જ હોય છે. હવે પછી આવું બોલ્યા તો તમારી ખેર નથી અને મને તમારી પ્રત્યે ખાર પણ નથી. જાઓ, બધાં પોત-પોતાને કામે લાગો.'
થોડોક સમય પસાર થયો
ફરી એક દિવસ અન્ય કેટલાક લોકો મંત્રી પાસે આવ્યા. થોડાક કોમળ શબ્દોમાં બોલ્યા - 'મંત્રીશ્વર ! તમે આ રાજપદને લાયક છો. તેમજ રાજા બની જાઓ ને ! આમેય બધું તમે જ કાર્ય કરો છો. તમે જ બધી વ્યવસ્થા સંભાળો છો. અમોને આનંદ થશે ?
આ વખતે મંત્રી થોડા કૂણા પડયા. મનમાં સમજ્યા. મોંથી મલકાયા. ધીમો હોંકારો માથું હલાવતા આપ્યો.
વળી થોડા દિવસ પસાર થયા
એ જ ટોલકીના કેટલાક માણસો મંત્રી પાસે આવ્યા અને બોલ્યા - 'જય હો મંત્રીશ્વર ! જય હો સાચા રાજેશ્વર ! આપ જ કામના રાજા છો. આપ રાજા બનો એવી અમો કામના કરીએ છીએ. પેલા તો નામના રાજા છે. છતાં નામના તેમની થઈ રહી છે. કામના આપ અને નામના તેમની. તેઓ નામના રાજા છતાંય નામના મેળવી જાય એ અમને ગમતું નથી. આપ કામના રાજા છો અને અમે આપની કામના ના કરીએ તો કોની કરીએ ?'
મંત્રીશ્વર ખૂબ ખુશ થયા. મનમાં એક પાકો નિર્ણય કર્યો
એક દિવસે મંત્રીશ્વરે સભામાં જાહેર કર્યું કે હમણાં હમણાં રાજાજીની તબિયત સારી નથી રહેતી, તેથી સભામાં તેઓ આવી શકશે નહીં. તેઓ પોતાના આવાસમાં આરામ ફરમાવશે. રાણીબાને પણ તેઓ મળતાં નથી.
વળી થોડા દિવસ પસાર થયા અને મંત્રીશ્વરે જાહેરાત કરી - 'રાજાને કોઢ રોગ થયો છે - શરીર ગળી રહ્યું છે. તેથી તેઓ હવે હાજર રહી શકશે નહીં.'
અને એક દિવસ તો મંત્રીએ પોતાના માથે રાજ્યપદનો અભિષેક કરાવી દીધો અને જાહેર કરાવી દીધું કે હવે પછી આ નગરનો તે રાજા છે.
આગળ વધતાં એક દિવસ તે મંત્રી - રાજાએ રાજ્યના દૂતો દ્વારા નાના-માંડલિક રાજાઓને કહેવડાવ્યું કે તેઓ આ નવા બનેલા રાજાને નમન કરવા પધારે. જેથી પોતે તેમનો અધીપ છે, તેવો તેમને ખ્યાલ આવે.
આની પૂર્વે જે રાજા હતા, તેમને તો આ માંડલિક રાજાઓ નમન કરવા આવ્યા હતા. પણ આ વખતે એમને વિચાર આવ્યો કે આપણે શા માટે તેની આજ્ઞાામાં રહેવું. આપણે સમર્થ છીએ. આપણે યુદ્ધ કરીને તેને હરાવશું.
યુદ્ધના પડઘમ વાગ્યા. મંત્રી-રાજા ગભરાયો. ફરી તે જ રાજાને રાજા પદે શોભાયમાન કર્યા.
આ રાજાનું નામ હતું - અંબુવીચી. નામ તો જુદું હતું. પણ એમને બોલતા કશું જ આવડતું ન હતું. તરસ લાગે ત્યારે તે 'અંબુ' બોલે અને ભૂખ લાગે ત્યારે 'વીચી' બોલે. તેથી તેમનું નામ પડયું - 'અંબુવીચી'.
આ અંબુવીચીના પિતાજીએ વિશાળ રાજ્ય વિસ્તાર્યું હતું. ક્ષય રોગથી મૃત્યુ પામ્યા અને અંબુવીચીને રાજા તરીકે જાહેર કર્યા. તે સમયના વૃદ્ધ મંત્રીએ તે સ્વીકાર્યું.
તેઓ સમજતા હતા કે બધું પુણ્યથી થાય છે. પુણ્યથી જ બધું મળે છે. અંબુવીચીને કશું જ આવડતું નથી. પણ તેમનું પુણ્ય જબરદસ્ત છે. તેમના પુણ્યથી રાજ્ય ચાલે છે. દુશ્મન રાજાઓ કાબૂમાં છે, આજ્ઞાામાં છે.
માત્ર બુદ્ધિથી રાજ્ય ચાલતું નથી. પુણ્ય પહેલું કામ આવે છે. દિમાગથી રાજ્યનું સંચાલન થાય, પણ તે સફળ તો પુણ્યથી થાય. બુદ્ધિથી કામ થાય, પણ પાર પડે પુણ્યથી. કાર્યનો પ્રારંભ મગજથી થાય, પણ કાર્યની સફળ પૂર્ણાહુતિ પુણ્યથી થાય.
વૃદ્ધ મંત્રીની જગ્યાએ નવા મંત્રી બનેલો તેમનો દીકરો તે વાત ન સમજી શક્યો. લોકોથી ભરમાઈ ગયો અને ખોટું પગલું ભરી બેઠો.
અંબુવીચીના પુણ્યે ફરી તે માંડલિક રાજાઓ શાંત થઈ ગયા.
પુણ્યથી સામેવાળાની મતિ શાંત થઈ જાય છે, આ વાત હવે સૌને સુપેરે સમજાઈ ગઈ.
પ્રભાવના
મલધારી ગચ્છના આચાર્ય શ્રીચંદ્ર સૂરિજી મહારાજાએ પ્રાકૃત ભાષામાં બનાવેલ ગ્રંથ 'શ્રી મુનિસુવ્રત જિનેન્દ્ર ચરિત્ર'માં અંબુવીચી રાજાનું દૃષ્ટાંત આપ્યું છે. અને આ ગ્રંથમાં શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનના નવ ભવ દર્શાવ્યા છે. તેમાં કુબેરદત્ત રાજકુમાર નામે ત્રીજા ભવમાં પોપટના મુખે આ અંબુવીચી રાજાનું દૃષ્ટાંત કહેવાયું છે. પુણ્યશાળીના પગલે-પગલે ચાલવાથી આપણું પુણ્ય પાંગરે છે.