Home / Religion : Dharmlok: Is religion's face facing humanity or is it sitting with its back to humanity?

Dharmlok: ધર્મનો ચહેરો માનવીની સન્મુખ છે કે માનવી તરફ પીઠ કરીને બેઠો છે!

Dharmlok: ધર્મનો ચહેરો માનવીની સન્મુખ છે કે માનવી તરફ પીઠ કરીને બેઠો છે!

- આકાશની ઓળખ

ધર્મ એ શરીર પરનું વસ્ત્ર કે ગળામાં પહેરેલો હીરાનો હાર નથી

માનવજીવનને સત્યમ્, શિવમ્ અને સુન્દરમ્નો મનોરમ ઘાટ આકાર આપવા માટે ધર્મની ઉત્પત્તિ થઈ. અંધારી ગુફાઓમાં જંગલી અવસ્થામાં વસતા માનવીએ ધીરે ધીરે સામાજિક વ્યવસ્થા સ્થાપી અને એમાંથી ધર્મવ્યવસ્થાનો ઉદ્ભવ થયો. વળી પ્રત્યેક ધર્મ એ એની આસપાસની પરિસ્થિતિ, સંજોગો અને જરૂરિયાત પ્રમાણે ઉદ્ભવ પામે છે. આથી સીધેસીધું ગણિત એ છે કે ધર્મ માણસને માટે છે અને તે પણ માણસના જીવનને આધ્યાત્મિક પ્રગતિના ઊંચા પંથે લઈ જવા માટે છે, પરંતુ એ ધર્મ એ શરીર પરનું વસ્ત્ર કે ગળામાં પહેરેલો હીરાનો હાર નથી. એ ધર્મ માનવીની ત્વચા સાથે જોડાયેલો છે. એના જીવન-બાગમાં એ વિકસિત ફૂલ બની રહે છે, પરંતુ ક્યારેક ધર્મને નામે દાંભિક્તા પ્રવર્તે છે. માત્ર ક્રિયાકાંડમાં લોકોને ગરકાવ કરી દેવામાં આવે છે. ધર્મ દ્વારા મોક્ષ પ્રત્યે સાધના કરવાને બદલે મોહ, માયા અને આડંબર ઊભા કરવામાં આવે છે. વળી કોઈ પ્રસંગે ધર્મને નામે ધનની બોલબાલા થાય છે અને પછી ક્યાંક તો કોઈ ધર્મનું મ્હોરું પહેરીને સંતનો દેખાવ ધારણ કરીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરતા હોય છે. આથી ધર્મ એ બાહ્યાડંબર નથી, પરંતુ આંતરિક પ્રગતિનો માર્ગ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

હકીકતમાં ધર્મ એ આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસથી ભરેલો છે. કેટલાક ધર્મને ભયાવહ પ્રાણીઓથી ખીચોખીચ ભરેલા જંગલ જેવો માને છે. એમના ચહેરા પર ગંભીરતા હોય છે. મન પાપના બોજથી લદાયેલું હોય છે. ધર્મપુરુષની નરકની વાતોથી એ ભયભીત બનીને ધ્રૂજતા હોય છે. અરે! ખડખડાટ હસતા સાધુ કે પ્રસન્ન સ્વામી કેટલા?

હકીકતમાં ધર્મ એ મનનો બોજ હળવું કરવાનું માધ્યમ છે. તનાવભર્યા જીવનમાંથી મુક્ત કરવાનું પ્રથમ ધ્યેય છે, પણ ઘણી વ્યક્તિઓ ધાર્મિક દેખાવા માટે ટેન્શનયુક્ત રહેતી હોય છે. આવી વ્યક્તિઓનું શાસ્ત્રજ્ઞાન વધે છે, પણ જીવનરસ સુકાઈ જાય છે. એમના વ્યવહારમાં એક પ્રકારની રુક્ષતા અને જીવનમાં એક પ્રકારની શુષ્કતા આવી જાય છે અને સમય જતાં જડતામાં પરિણમે છે.

જેટલો આનંદ વધશે એટલી એકાગ્રતા વધશે

ધર્મ એ આનંદ-પર્વ છે. અંતરની મોજભરી રમત છે, આ રમતમાં ક્યાંય ઉદાસીનતા નથી. ધર્મ પાસે કે સાથે રહેનારી વ્યક્તિની પ્રત્યેક ક્ષણ આનંદમાં વ્યતીત થવી જોઈએ. આપણે ઘણી વાર પદ્માસન વાળીને ગંભીર વદને બેઠેલા સાધકનું ચિત્ર જોયું છે. પદ્માસન લગાવનારના ચહેરા પર હાસ્ય કેમ નહીં ? સાધના એ તો આનંદની પ્રક્રિયા છે અને જેટલો આનંદ વધશે એટલી એકાગ્રતા વધશે. તમને ક્રિકેટની કોમેન્ટ્રીમાં રસ હોય, તમને શાસ્ત્રીય નૃત્યના કાર્યક્રમમાં રસ હોય કે પછી તમને કોઈ શ્રોતાના વ્યાખ્યાનમાં રસ હોય, ત્યારે ખરે વખતે કોઈ બહાર બોલાવે તો કેટલી બધી અકળામણ થાય છે ! તમને થશે કે મેચ બરાબર જામી છે, નૃત્યની ક્ષણેક્ષણ માણી રહ્યા છીએ કે વક્તાના રસપ્રદ પ્રવચનનો એક વિચાર પણ ગુમાવવો નથી. તમારી હરોળની પાછળ બે વ્યક્તિઓ વાત કરતી હોય, તોપણ તમે અકળાઈ જાવ છો. સહેજ મુખ કટાણું કરીને તેમની તરફ અણગમા સાથે આંખ માંડો છો. છતાંય અવરોધ કરે તો ટકોર કરો છો, અને જો વધુ અવરોધ કરે તો એના પર તમે ગુસ્સે પણ થાવ છો.

આવું બધું કેમ થાય છે ? આનું મુખ્ય કારણ એ છે કે તમારી આ આનંદપ્રવૃત્તિમાં અવરોધ થાય તે તેમને પસંદ નથી. તમારી તલ્લીનતાનો કોઈ ભંગ કરે એ અણગમતી વાત છે. બસ, ધર્મનું પણ આવું છે. ધર્મના આનંદમાં ઝૂમતી વ્યક્તિને કોઈ ખલેલ પાડે તે એને નહિ ગમે, કારણ કે એ ધર્મપ્રવૃત્તિમાં એનું આખું અસ્તિત્વ ડુબાડીને લીન થઈ ગયો હોય છે.

આજે ફરાળી ઉપવાસ કર્યો હતો, પરંતુ મારાથી મીઠાવાળી વેફર્સ ખવાઈ ગઈ

ધર્મસ્થાનોમાં જોશો તો કેટલાક એવા મળશે કે ચહેરા પર ગંભીરતા ધારણ કરીને તમને કહેશે કે 'આજે તો મારે નકોરડો ઉપવાસ છે.' કોઈ દુઃખી અવાજે કહેશે કે 'આજે તો અગિયારસ છે, માટે મારાથી આ નાસ્તો નહિ ખવાય.' વળી કોઈ ફિકર કરશે કે 'મેં આજે ફરાળી ઉપવાસ કર્યો હતો, પરંતુ મારાથી મીઠાવાળી વેફર્સ ખવાઈ ગઈ.' એને એનો એટલો બધો અફસોસ થશે કે ન પૂછો વાત. આનું કારણ એ છે કે આવી વ્યક્તિઓ ક્રિયાકાંડમાં અટકી ગઈ હોય છે. એમને મન ક્રિયાપાલન એ જ સર્વસ્વ હોય છે. એમાં સહેજ ભૂલ થઈ જાય તો એમના માથા પર આકાશ તૂટી પડે છે, એમને માટે ક્રિયા સતત ચિંતાનો વિષય હોય છે અને તેથી એમાં ભૂલ થઈ જશે તો શું થશે? એવા ભયમાં આવી વ્યક્તિ જીવતી હોય છે. એમ માનીએ છીએ કે ધર્મ કરવો એ અતિ અઘરું કામ છે, ક્રિયા કરવી એ અતિ કઠણ છે, સાધના કરવી એ ઘણી મુશ્કેલ છે. આવું માનીને ધર્મનો પ્રારંભ કરનાર કોઈ જુદા જ માર્ગે ફંટાઈ જાય છે. એ ધર્મ કરશે, તપ કરશે, વ્રત કરશે, તો સતત એના પ્રયોજન પર લક્ષ્ય રાખશે. એમ વિચાર કરશે કે આ તપ કરીશ એટલે આ સિદ્ધિ પ્રાપ્ત થશે, આવો ધર્મ કરીશ તો મને સત્તા, સંપત્તિ કે સંતતિ મળશે. આ સમયે પરિસ્થિતિ એવી સર્જાશે કે એની નજર પ્રાપ્તિ પર રહેશે, પ્રક્રિયા પર નહિ.

ધર્મ કહે છે કે પ્રક્રિયાનો મહિમા કરો, પ્રાપ્તિની ફિકર છોડો

ધર્મ કહે છે કે પ્રક્રિયાનો મહિમા કરો, પ્રાપ્તિની ફિકર છોડો. જો યોગ્ય રીતે પ્રક્રિયા ચાલતી હશે, તો પ્રાપ્તિ સામે ચાલીને મળવા આવશે. પણ જો એમ વિચાર કર્યો કે આજે ધ્યાન શરૂ કરીએ અને આવતી કાલે ચિત્તની શાંતિ પ્રાપ્ત કરીએ તો એવું નહિ બને. જો એમ ધાર્યું કે આજે તપ કરીએ અને આવતી કાલે આપણાં દુઃખો દૂર થઈ જાય તો એવું નહિ બને. આજે આટલા નવકાર ગણીએ અને આવતી કાલે નવકારનું આટલું ફળ પ્રાપ્ત થાય કે પછી આજે આટલી ગાયત્રીની માળા ગણીએ અને આવતી કાલે આટલો લાભ થાય, એવો ગુણાકાર કરવા ગયા તો ધર્મના કેન્દ્રમાંથી બહાર નીકળી જશો. આવો ગુણાકાર કરવા જશો તો તમારી ધર્મસાધના ખોરવાઈ જશે. ધર્મનું પ્રથમ કાર્ય છે તમારા ભીતરમાં વર્ષોથી પડી રહેલી સુષુપ્ત શક્તિને પ્રગટ કરવાનું અને પછી તમને આધ્યાત્મિક પ્રત્યે છલાંગ લગાવવા ધક્કો મારવાનું. બહુ અઘરી ને કપરી છે આ છલાંગ. ભૌતિક જગતમાં ઘણી વ્યક્તિઓ આધ્યાત્મિક છલાંગ મારવાનો ખૂબ વિચાર કરે છે; પરંતુ વારંવાર ડરીને પાછી ફરી જાય છે. ભૌતિકતાનું પોતાનું એક પ્રબળ આકર્ષણ હોય છે તે સ્વીકારવું જોઈએ. એની સાથે આપણે આપણાં બાહ્ય સુખ અને કહેવાતી શાંતિને જોડી દીધાં છે. ભૌતિક જગતમાં આપણે સુરક્ષિતતાનો ભાવ અનુભવીએ છીએ. વળી, આ ભૌતિક જગતમાં આપણને સઘળું જ્ઞાત છે.

આવી જ્ઞાતમાંથી અજ્ઞાત અધ્યાત્મમાં છલાંગ લગાવવી મુશ્કેલ એ માટે બને છે કે જ્ઞાતની જાણકારી અને અજ્ઞાતનું અજાણપણું બન્ને વ્યક્તિને રોકી પાછા ફર્યા; પણ ત્રીજી વાર એ નીકળ્યા અને જગતને પ્રકાશ આપ્યો. આથી એને મહાભિનિષ્ક્રમણ એટલે કે 'મહાન પ્રતિ જવું' કહેવામાં આવે છે. એમણે જીવનમાં એક છલાંગ લગાવી અને વૈભવી સાંસારિક જીવનમાંથી નીકળીને આધ્યાત્મિકતાના કિનારે પહોંચી ગયા. પણ એમ ને એમ છલાંગ લગાવવાથી કશું ન વળે. એ પૂર્વે પહેલું મહત્વનું કાર્ય તો આપણા ભીતરને ખાલી કરવાનું છે.

માનવી અમુક કંઠીઓ બાંધીને ચાલતો હોય છે. એમાં પણ એ ઘણી વાર સંપ્રદાયની ચુસ્તતામાં ફસાઈ જાય છે. પછી એ આગળ-પાછળ કશું જોતો નથી; બલકે, અન્ય સંપ્રદાયના અનુયાયીઓને ધિક્કારે છે અથવા તો મિથ્યાત્વી કહીને આઘા હડસેલે છે. આમ પાંજરામાં પુરાયેલા પોપટ જેવી એની હાલત હોય છે. આ સઘળું બહાર કાઢીને સાધકે એનું હૃદય ખાલી કરવાનું હોય છે.

ખરેખર આવું બને છે ખરું ? ધર્મનો ચહેરો માણસ તરફ હોવો જોઈએ અને એના હૃદયમાં માનવતાનો ધબકાર હોવો જોઈએ અને એનો અર્થ જ એ કે ધર્મ એ માત્ર ધર્મ જ નથી, પરંતુ માનવધર્મ છે. એ જ એનું અંતિમ લક્ષ્ય છે.

-કુમારપાળ દેસાઈ

Related News

Icon