
મનુષ્ય માટે સુંદર બનીએ તેનો અર્થ એ નથી - ''બાહ્ય દેખાવથી રૂપાળાં મોહક કે ઉજળાં દેખાઈએ.'' જ્યારે તમો અન્ય મનુષ્યો તરફ પ્રેમ-સ્નેહ-સંવેદના, લાગણી, હર્ષ અને મૈત્રીપૂર્ણ નમ્રતાભર્યો સદ્વ્યવહાર-સહજ સંવાદ કરો છો ત્યારે તમો સૌને પ્રિય લાગો - સૌને સ્વીકૃત બનો. અહીં મનુષ્ય સદ્ગુણોથી સુંદર બને. દીપી ઉઠે. કદરૂપાં ગાંધીજી સદ્ગુણોથી સૌંદર્યવાન હતાં. ઇતિહાસનું પાત્ર કદરૂપી શબરી શ્રદ્ધાબળે સૌંદર્યવાન હતી.
શબરીને આસ્થા હતી - 'મારા રામ જરૂર મારી ઝૂંપડીએ એક દિવસ આવશે.' સૌની સેવા-સુશ્રૂષા કરીએ, સૌને પોતાનાં સ્વજન સમજીએ - સૌને હૃદયથી પ્રેમ-સ્નેહ કરીએ, કોઈ તરફ દોષદ્ર્ટિ ન રાખીએ - સૌનાં ગુણો જોઈએ તો આપણને બધાં પ્રિય લાગવાના. અહીં આમ મનુષ્યનાં ભીતરી સૌંદર્યની વાત છે - સુંદરતાની વાત છે. સૌનું ભલું-કલ્યાણ ઇચ્છતાં સાધુ-સંતો-આચાર્ય ભગવંતો સૌને પ્રિય લાગે, વ્હાલાં લાગે, સુંદર લાગે ! વિશેષ મધુર બનીએ એનો અહીં અર્થ છે - આપણો સૌ મનુષ્યો સાથેનો શાલિન-સૌમ્ય અને મૈત્રીભર્યો-માધુર્યભર્યો સુવ્યવહાર. મધુર બનવા માટે - કડવી વાણી, કટુતાભર્યો તામસી ર્દુભાવ-કડવાશ-અહમ્-ઇર્ષ્યાને ત્યજવાની વાત છે. અન્યમાં ઉદાર બનીએ એટલે - ધન કે ભૌતિક વસ્તુ અન્ય મનુષ્યને આપવા કે ભેટ ધરવી એ અર્થ નથી ! ઉદાર બનીએ એટલે અન્ય મનુષ્યનાં વિચારોને સાંભળવા- સાથે સાથે જો વિચારો વિરોધી હોય પણ સત્ય જેવા હોય - સ્વીકૃતીને પાત્ર હોય તો તેને ઉદારભાવે સહર્ષ સ્વીકારવા - વિચારોને સન્માનવા! વિશેષ કોઈ મનુષ્યની જાણી-અજાણી ભૂલો-ત્રુટિઓ-ખામીઓને આપણે માફ કરીએ-મનુષ્યનાં દોષોને ક્ષમા આપીએ. થોડું જતું કરીએ - બાકીનું જવા દઈએ - ભૂલી જઈએ - આ છે મનુષ્યનાં હૃદયની નિર્મળ વિશાળ ઉદારતા ! સ્નેહસભર ઉદારભાવભર્યો સૌજન્યશીલ માનવીય વ્યવહાર જે મનુષ્યને આનંદ આપે મન-હૃદય પ્રસન્નતાથી ભરી દે ! આનંદ આનંદની લહેરખીઓ પ્રક્ટે.
હૃદયથી ભીનાં-ભીનાં થતાં આંતરમન-આંતરસૌંદર્ય સ્વચ્છ કરે. ઉદારભાવે ક્ષમાયાચના એ જીવને મોજ પડે - હૈયે ટાઢક પ્રસરે ! અહીં મનુષ્ય સ્વભાવના ઉદારભાવની-ક્ષમાભાવની વાત છે જે મનુષ્ય જીવનની જીવનકલા-જીવનવૈભવ બની રહે. ઉપરોક્ત સદ્વ્યવહાર મનુષ્યને પરમાત્માની અભિવ્યક્તિનો અનુભવ-અનુભૂતિ કરાવે જ્યાં મનુષ્યનું આંતરતેજ, આંતરતપ કે આંતરઉર્જા દીપી ઉઠે !