
સુરત શહેરમાં આજે ૯ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા બીજી તરફ ભારે વરસાદને પગલે પાણીનો ભરાવો થયેલા નીચાણવાળા વિસ્તારોમાંથી ૧૧૨ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું હતું,
112 લોકોનું સ્થળાંતર
મહાનગરપાલિકા દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ફાયર વિભાગના જવાનોએ ભારે વરસાદના કારણે એલ.પી. સવાણી સર્કલ પાસે, ટયુશન કલાસના આઠ બાળકો, સરથાણા ફાયર સ્ટેશન પાસે મારૂતિવાનમાં જતા પાંચ બાળકો, આનંદમહલ રોડ સ્થિત ખાનગી હોસ્પિટલમાં ફસાયેલા ૩૩ લોકો, સરથાણા જકાતનાકા પાસેથી ૨૮ વિદ્યાર્થીઓ, વરાછાના ખાંડ બજાર પાસેથી બેન્કના ૧૮ કર્મચારીઓ, વનિતા વિશ્રામ કેમ્પસમાંથી વિદ્યાર્થી-વાલી સહિત ૬ લોકો, રામનગર વોક-વેથી એક મહિલા, મ્યુ. ટેનામેન્ટ પાસેથી ૧૦ બાળકોને, પી. એમ ભગત સ્કૂલના એક વિદ્યાર્થી સહિત કુલ ૧૧૨ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
વિદ્યાર્થિનીઓને પરીક્ષા સ્થળે પહોંચાડાઈ
આ ઉપરાંત અખંડ આનંદ કોલેજની બે વિદ્યાર્થિનીઓને પરીક્ષા આપવા સમયસર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વરસાદી સ્થિતિમાં મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા અધિકારીઓને માર્ગદર્શન આપી આવશ્યક પગલાંઓ લેવા સૂચનાઓ આપવામાં આવી રહી છે.