Home / Religion : He who sacrifices his happiness for others becomes happy

Religion: પારકા માટે સુખ જતું કરનાર સુખી થાય છે

Religion: પારકા માટે સુખ જતું કરનાર સુખી થાય છે

દેવવ્રતને છેલ્લા કેટલાય દિવસોથી પિતાજીની ઉદાસી બેચેન કરતી હતી. ભીતર ભીની લાગણીવાળા દેવવ્રતમાં પિતાની વ્યથાનો નાડી ધબકાર સાંભળવાની આંતરસૂઝે હતી. તેનો પિતૃપ્રેમ ઉપરછલ્લો નહિ અંતરછલ્લો હતો. એક દિવસ તેણે પૂછયું ''પિતાજી, તમારા જીવનમાં બધુ કુશળ-મંગળ છે. બધું જ તમારા તાબામાં છે. આસપાસના રાજાઓ પણ તમારા કહ્યામાં છે. (તત્ કિમર્થમીહાભીક્ષ્ણં પરિશોચસિ દુખિતઃ) તો પછી તમે કયા કારણે દુઃખી થઈને શોક અને ચિંતામાં ડૂબેલા છો ?'' ત્યારે પિતાએ કહ્યું, ''દેવ, તું મારો વહાલો પુત્ર છે. મારો અસલી વારસદાર છે મને ફક્ત તારી જ ચિંતા સતાવે છે!'' દેવવ્રત પિતાજીની વાતનો મર્મ સમજી ના શક્યો. તે રાજ્યના વૃદ્ધ પ્રધાનમંત્રીને મળ્યો. તેમણે કહ્યું, ''દેવવ્રત, મહારાજને એક કન્યા ગમી ગઈ છે. તેની સાથે વિવાહ કરવા ઈચ્છે છે.'' દેવવ્રતે વિચાર્યું એમાં અડચણ ક્યાં છે ? વાંધો શું છે ? છેવટે તે વાતનું મૂળ પામવા મહારાજના સારથિને મળ્યો. તેણે કહ્યું ''એકવાર મહારાજ શિકાર કરવા ગયા હતા. ફરતા ફરતા તે યમુના નદીને કિનારે આવ્યા. ત્યાં તેમણે અપૂર્વ સુંદર યુવતિને હોડી ફેરવતી જોઈ. તેનું દિલકશ રૂપ જોઈ રાજા મોહિત થઈ ગયા. તે તરત યુવતિના પિતાને મળ્યા. કન્યાની માગણી કરી. પણ કન્યાના પિતાએ વિવાહ માટે એક શરત મૂકી.'' ''અસ્યાં જાયતે યઃપુત્રઃ.... નાન્ય કશ્વન પાર્થિવ''- સંભવપર્વ. ''હે રાજન, ભવિષ્યમાં આ કન્યાના ગર્ભથી પુત્ર થશે તો આપના ગયા પછી એ જ પુત્ર હસ્તિનાપુરની રાજગાદી સંભાળશે - બીજો કોઈ નહિ!'' આ વાત સાંભળી મહારાજ અસ્વસ્થ થઈ ગયા. મહારાજ તમને પ્રાણથી પણ અધિક ચાહે છે એ તમને જ રાજગાદી સોંપવા ઈચ્છે છે. તેથી તે દુવિધામાં છે, તેમનું મન તડપી તડપીને વિલાપ કરી રહ્યું છે. ''કોઈને કહેવાય નહિ એવું દર્દ મનમાં માળો બાંધી રહ્યું હોય ત્યારે આંસુ આંખમાંથી નહિ હૃદયમાંથી ટપકે છે. દેવવ્રતે વિચાર્યું. માણસને ટૂંટિયું વળાવી દે એવી વેદનાની સૂસવતી ટાઢમાં જો તાપણા જેવો વહાલપનો ગરમાવો ના મળે તો લાગણીના સંબંધનો અર્થ શો ? તે તરત નિષાદરાજ પાસે પહોંચ્યો. નિષાદરાજે એકવાર ફરી શરતની વાત ઉચ્ચારી. દેવવ્રતે વિશ્વાસપૂર્વક ખાત્રી આપી.'' આપની કન્યા સત્યવતીના ગર્ભથી જે પુત્ર થશે એ જ અમારો રાજા બનશે. ''પણ નિષાદરાજનું મન માનતું નહોતું. તેણે શંકા વ્યક્ત કરી.'' હે દેવવ્રત તમે કહો છો એમાં જરાય સંદેહ નથી. પણ ભવિષ્યમાં તમારો પુત્ર થાય અને તે આ પ્રતિજ્ઞાની વાતમાં દૃઢ ના રહે તો ?''  એટલે દેવવ્રતે સંકલ્પ કર્યો. (યાવત પ્રાણાધ્રિયન્તે... સત્યં બ્રવીમિ તે) હે નિષાદરાજ, જ્યાં સુધી હું જીવતો રહીશ ત્યાં સુધી વિવાહ નહિ કરૃં (મારે કોઈ સંતાન નહિ થાય) હું પ્રતિજ્ઞા લઉં છું. આજીવન બ્રહ્મચર્ય પાળીશ અને રાજગાદીનો ત્યાગ કરીશ. હવે તમે પિતાજી માટે કન્યા સોંપી શકો છો.'' આમ પુત્ર દેવવ્રત સત્યવતીને લઈને હસ્તિનાપુર આવ્યો. શાંતનું અને સત્યવતીના વિવાહ થયા. આખું હસ્તિનાપુર દેવવ્રતની પિતૃભક્તિ જોઈને ગદ-ગદ થઈ ગયું. પિતાએ દેવવ્રતને 'ભીષ્મ'ની પદવી આપી અને ઈચ્છામૃત્યુનું વરદાન આપ્યું. ત્યારથી દેવવ્રત 'ભીષ્મ' કહેવાયા.

 

LockIcon
lock News Banner
પ્રીમિયમ મેમ્બર શિપ હોય, તો લોગીન કરો
DB QR Code
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો LockIcon LockIcon

Icon