- મણિરત્નમથી લઈને સૈફ અલી ખાન, કાજોલ, અજય દેવગણ ઈત્યાદિએ કહ્યું હતું કે દીપિકાની માગ અનુચિત નથી. જો તમે પરિવારને સમય ન આપી શકો તો સફળતા શા કામની?
તાજેતરમાં દીપિકા પાદુકોણે 'સ્પિરિટ'ના દિગ્દર્શક સંદીપ રેડ્ડી વાંગા પાસે આઠ કલાકની વર્કશિફ્ટ માગી ત્યારે ઘસીને ના પાડી દેવામાં આવી હતી. દીપિકાએ પછી ફિલ્મ છોડી દેવી પડી. ફિલ્મોદ્યોગમાં કામના કલાકોને લઈને અગાઉ પણ કેટલાક કલાકારો ફરિયાદ કરી ચૂક્યાં છે. થોડાં વર્ષ પહેલા શ્રધ્ધા કપૂરે બે ફિલ્મોનું મળીને લાગલગાટ ૭૦ કલાક સુધી શૂટિંગ કર્યું હતું. દીપિકા પણ ૩૦ કલાક સુધી અવિરત કામ કરી ચૂકી છે. તાજેતરમા રાધિકા આપ્ટેએ પણ ફરિયાદ કરી હતી કે નવી માતા બનેલી અદાકારાઓને જરાય સાથ-સહકાર નથી મળતો. આ સ્થિતિ માત્ર પડદા પર દેખાતા કલાકારોની નથી. કેમેરા પાછળ કામ કરતા કસબીઓ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. વળી, તેમને પ્રમાણમાં મહેનતાણું પણ ઘણું ઓછું મળે છે. પોતાની આ સમસ્યાને વાચા આપતાં આ વર્ષના આરંભમાં 'ધ ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ અસોસિએશને' વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સુધ્ધાં પત્ર લખ્યો હતો.

