Home / : A terrifying prison called 'Alligator Alcatraz' is ready in Florida!

Shatdal: ફ્લોરિડામાં 'એલિગેટર અલ્કાટ્રાઝ' નામની ભયાનક જેલ થઈ ચૂકી છે તૈયાર!

Shatdal: ફ્લોરિડામાં 'એલિગેટર અલ્કાટ્રાઝ' નામની ભયાનક જેલ થઈ ચૂકી છે તૈયાર!

- વિવિધા

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક પછી એક  વિવાદાસ્પદ અને અમાનવીય ર્નિર્ણયો લઈને વિશ્વને ચોંકાવી દીધું છે. ઘણી વખત તેઓ ઘાતકી અને ગાંડપણની હદ વટાવતા હોય તેમ મગજમાં જે ધૂન ચઢે તેની જાહેરાત કરી દેતા હોય છે. આવા નિર્ણયોથી વિશ્વમાં કેવી છબી ઊભી થશે તેમની તેઓને સહેજ પણ પરવા નથી. માત્ર તેઓ ધમકીભરી જાહેરાતથી અટકી જ નથી જતા પણ તેનો અમલ પણ તાત્કાલિક થાય તે માટે જાતે ઉભા રહીને તે યોજના પાર પાડે છે.

ટ્રમ્પના તીખા તેવર

ટ્રમ્પ કોઈપણ હિસાબે અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા નાગરિકોને પકડીને તેમના દેશ પરત મોકલવાની નેમ લઈને બેઠા છે.

ગેરકાયદેસર રીતે રહેતા નાગરિકોને સામે ચાલીને હાજર થઈ જવા તેમણે ચેતવણી આપી છે અને આવા નાગરિકોને તેમના દેશ પરત મોકલવામાં પ્રાધાન્ય આપશે. 

આ ઉપરાંત ટ્રમ્પે એમ પણ ચેતવણી આપી દીધી છે કે એક પછી એક રાજ્યોમાં દરોડા પાડીને ગેરકાયદેસર રીતે રહેતા નાગરિકોની ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ વિભાગ અને હોમલેન્ડ સિક્યોરિટી સાથે મળીને ધરપકડ કરશે અને આવા પકડાયેલા લોકોને મગરોની વિશાળ વસાહત ધરાવતા વાઇલ્ડ લાઈફ વિસ્તારમાં ઊભા કરવામાં આવનાર પાંજરાઓમાં જ્યાં સુધી તેઓનો તેમના દેશ મોકલવાનો વારો નહીં આવે ત્યાં સુધી રાખવામાં આવશે. આ એક અત્યંત યાતના પૂર્ણ પરિસ્થિતિ હશે.

ટ્રમ્પે આવી ધમકી આપી તે પછી હવે આ જગ્યાની પણ જાહેરાત કરી દીધી છે. આ મગરની વસાહત ધરાવતા સેન્ટર વિશે જાણીએ તે પહેલા એક જમાનામાં આવી જ ચર્ચાસ્પદ જેલ હતી તેની ઝલક મેળવીએ તેના પરથી ગેરકાયદેસર નાગરિકોને કેવી સજા થશે તેની કલ્પના વધુ સ્પષ્ટ બનશે. 

ધ્રુજાવી દે તેવી જેલ

અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોના પેસિફિક સમુદ્ર વચ્ચે ટાપુ જેવી જગ્યામાં આવેલી વિશ્વની સૌથી કઠિન કારાવાસ એટલે કે જેલમાંની એક કે જેનું નામ 'અલ્કાટ્રાઝ' છે તે આવેલી છે. હાલ તો તે છેલ્લા ઘણા વર્ષોથી માનવ અધિકાર સંસ્થાઓના વિરોધ પછી બંધ છે. આ જેલમાંથી નાસી જવું અત્યંત મુશ્કલ હતું. માનવ વસ્તીથી દૂર, એકાંત  કે જરાપણ ચહલ પહલની સળવળાટ પણ ન સંભળાય તેવી ત્યાંની સૂનકાર દુનિયા રહેતી. ભલભલા કેદીને પાગલ કરી દે તેવી તે દોઝખ દુનિયા હતી.

'અલ્કાટ્રાઝ' પર તો ફિલ્મ અને દસ્તાવેજી પણ બની છે. ઘણું સાહિત્ય પણ ઉપલબ્ધ છે. હાલ પ્રવાસીઓનું સ્થળ બનેલ આ જેલને ટ્રમ્પ હવે ફરી કાર્યરત પણ કરવાના છે.

'અલ્કાટ્રાઝ'નો આટલો પરિચય આપવો જરૂરી છે કેમ કે ટ્રમ્પ સરકાર ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા નાગરિકોને દરોડા દરમ્યાન પકડશે તેઓને સજા કરવા માટે  ભયાનક વસાહત ફ્લોરિડાના એવરગ્લેડસ વિસ્તાર નજીક ઉભી કરી ચૂક્યા છે. માયામીથી આ સ્થળ ૭૦ કિલોમીટર દૂર છે. ટ્રમ્પે તેનું નામ 'એલિગેટર અલ્કાટ્રાઝ' તેવું આપ્યું છે. ગેરકાયદેસર નાગરિક આ કારાવાસનું નામ સાંભળીને જ ધ્રુજી જાય તેવું તેનું નામ છે. ટ્રમ્પે જાણી જોઈને મગરોની વસાહત વચ્ચે આ છાવણી રાખી છે.

એટલું જ નહીં તેમની નજર અને સૂચના હેઠળ કઈ હદે ફફડાટ વધે તેવી આ વસાહત બને છે તેની કામગીરીનું નિરીક્ષણ કરવા થોડા દિવસો પહેલા ત્યાં જઈને પણ આવ્યા.

કપરો પડકાર

ટ્રમ્પ સરકાર માટે ગેરકાયદેસર નાગરિકો પકડાય તો પણ તેઓને તેમના દેશ મોકલવા માટે પહેલા ચરણમાં જ  ત્રણસો ફ્લાઇટ કરવી પડે. આવા તો લાખો ગેરકાયદેસર નાગરિકો અમેરિકા છે જેઓને ટ્રમ્પ પરત મોકલવા માંગે છે. એક ફ્લાઇટ પછી બીજી ફ્લાઇટ વચ્ચે દિવસો કે કેટલાક મહિના પણ થઈ શકે.આથી ટ્રમ્પ સરકારે મગરો અને અજગરોની વસાહત વચ્ચેની જેલમાં ગેરકાયદેસર રીતે રહેતા ૫૦૦૦ નાગરિકો રહી શકે તે માટેની યોજના મંજૂર કરી છે પણ પહેલા તબક્કે ૧૦૦૦ આવા નાગરિકો રહી શકે તેવી કોલોની બનાવી દીધી છે.

ટ્રમ્પ સરકાર એવી રીતે વ્યૂહાત્મક દરોડા પાડશે કે આવા કેદીઓનો ભરાવો ન થાય. અમેરિકામાં ગેરકાયદેસર નાગરિકો માટે બીજા યાતનાપૂર્ણ પણ અટકાયત કેન્દ્રો છે.

ટ્રમ્પ તેની ટર્મ દરમ્યાન કોઈપણ વિરોધની પરવા કર્યા વગર તમામ આવા નાગરિકોને ઘર ભેગા કરવા માંગે છે. તે માટે પોલીસ અને જરૂર પડયે કેન્દ્રીય પોલીસ દળ, સૈન્યનો ખર્ચ ઉઠાવશે.આવા નાગરિકોને તેમના દેશ પરત મોકલવા માટેનો ખર્ચ પણ ટ્રમ્પ સરકાર ઉઠાવશે. એક અંદાજ પ્રમાણે ૧.૧ કરોડથી  વધુ ગેરકાયદેસર વ્યક્તિઓ અમેરિકામાં રહે છે. જો આ તમામને તેમના દેશ મોકલવા હોય તો ઓછામાં ઓછી ૧,૨૫,૦૦૦ ફ્લાઇટ થઈ શકે. જ્યાં સુધી ફલાઇટની વ્યવસ્થા કે વારો ન આવે ત્યાં સુધી આવા નાગરિકોને રાખવા માટેની જેલ બનાવવાનો ખર્ચ પણ ખરો. 

ખાનગી કંપનીઓની જેલ

રિપબ્લિકન પાર્ટીએ આગામી ચાર વર્ષોમાં અમેરિકામાં રહેતા તમામ ગેરકાયદેસર નાગરિકોને તેમના દેશ મોકલી દેવા માટે અને રીઢા ગુનેગારોને આજીવન જેલમાં રાખવા માટે ૪૫ અબજ ડોલર અલગ ફાળવવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત અમેરિકા અને મેક્સિકો વચ્ચેની ૩,૧૪૫ કિલોમીટર લાંબી સરહદ પર ઊંચી દિવાલ બાંધવા માટે બીજા ૪૬.૬ અબજ ડોલરનું બજેટ છે. આમ પેસિફિક સમુદ્ર અને ગલ્ફ ઓફ મેક્સિકોની દરિયાઈ સરહદ પર દિવાલ અને કોસ્ટલ ગાર્ડ પણ આવી ગયા.કુલ ૩,૧૪૫ કિલોમીટર બોર્ડરમાંથી ટેક્સાસ -  મેક્સિકો બોર્ડર જ ૧૫૦૦ કિલોમીટર જેટલી છે. આ દીવાલ પર ૨૪ કલાક પહેરો ભરવા માટેની પોલીસ,ઇલેક્ટ્રોનિક ટેકનોલોજી, કેમેરા વગેરે માટે બીજ છ અબજ ડોલરનો ખર્ચ થશે.અમેરિકાના ઇતિહાસમાં આ હદે બજેટ ફાળવવામાં નથી આવ્યું.

અત્યારે ગેરકાયદેસર વ્યક્તિઓની અટકાયત કરીને કેદ કરવાની  દેશની જુદી જુદી જેલમાં કુલ મળીને ૫૦,૦૦૦ની ક્ષમતા છે તે એક લાખની કરવા માટેનું કામ આગળ ધપી રહ્યું છે.જૂન મહિના સુધીમાં ટ્રમ્પની બીજી ટર્મમાં ૫૬,૦૦૦ ગેરકાયદેસર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

અમેરિકામાં ખાનગી કંપનીઓ પણ સ્ટાફ સાથે જેલ પૂરી પાડે છે.અમેરિકાની સરકાર પાસે કેદીઓની તુલનામાં પૂરતી જેલ નથી એટલે જેલોનું પણ આઉટ સોર્સિંગ થાય છે. ટ્રમ્પે ગેરકાયદેસર વ્યક્તિઓ પરના કડક પગલાંની જાહેરાત કરીને જંગી બજેટ ફાળવ્યું તે સાથે જ જેલ પૂરી પાડતી કંપનીઓના શેરની કિંમતમાં  ત્રણથી પાંચ ટકાનો ઉછાળો આવ્યો હતો. ભારત જેવા દેશને આ બધું કૌતુક જેવું લાગે. તો બીજી તરફ જેઓની ધરપકડ થાય છે તેઓને છોડાવવા માટેના વકીલોના વ્યવસાયમાં પણ ભારે તેજી આવેલી જોઈ શકાય છે.

અત્યારે ટ્રમ્પ સરકાર જુદા જુદા રાજ્યોમાં દરોડા પાડવા માટેની બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરી રહી છે. જે રાજ્યો પર દરોડા હમણાં નથી પડવાના તે રાજ્યની પોલીસને દરોડા પાડવાના છે તે રાજ્યમાં શિફ્ટ કરાઇ રહી છે.

વિસ્ફોટક સ્થિતિનો ભય

કેલિફોર્નિયા જેવા કેટલાક રાજ્યો એવા છે જ્યાં ડેમોક્રેટિક પાર્ટીનું જોર છે ત્યાંથી દરોડામાં સહકાર ઓછો મળશે તેમ મનાય છે. આવા રાજ્યોમાં  મોટી સંખ્યામાં દેખાવો થાય કે હિંસક વાતાવરણ સર્જાય તો તેને ડામવા અર્ધ લશ્કરી દળ, કેન્દ્ર સરકાર હસ્તકની એજન્સીઓ, મરીન વગેરેના જથ્થાને મોકલવામાં આવશે.  ગયા મહિને લોસ એન્જલસમાં દરોડા દરમ્યાન કેવી વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ હતી તેનો ટ્રમ્પ સરકારે અંદાજ મેળવી લીધો હતો.

અમેરિકામાં બીજો એક પડકાર એવો જોઈ શકાય છે કે કોઈપણ દેખાવો કે આંદોલનમાં હોમલેસ અને અસામાજિક તત્ત્વો  સામેલ થઈ જાય છે અને બજાર તેમજ મોલમાં લૂંટફાટ મચાવે છે.

એવું મનાય છે કે ટ્રમ્પ સરકાર જુદા જુદા દેશો જોડે ટેરિફ અંગે આખરી જાહેરાત કરી દે તે પછી તેઓનું લક્ષ્ય ગેરકાયદેસર વ્યક્તિઓને દેશ બહાર કરવાનું રહેશે અને આ માટે તેઓએ ખોફ ફેલાવવા મગર વસાહત સાથેના જેલ કેન્દ્રનો પ્રચાર શરૂ કર્યો છે અને તેના ફોટા, વીડિયો પણ વાઇરલ બનાવાયા છે જેથી ગેરકાયદેસર વ્યક્તિઓ સામે ચાલીને જ શરણગતી સ્વીકારી ઓછી સજા મેળવે.

ફ્લોરિડાની આ વસાહત બનાવવાના જ ૪૫ કરોડ ડોલર એટલે કે અંદાજે રૂ. ૪૦૦૦ કરોડ થશે.

મગર વસાહત જેલમાં ૨૦૦ જેટલા સિક્યોરિટી કેમેરા અને ૨૮,૦૦૦ ફૂટના બાર્બ વાયરની ફેન્સિંગ કરવામાં આવી છે.

એક્ટિવિસ્ટો એક્ટિવ

જો કે અત્યારથી જ પર્યાવરણ, માનવ અધિકાર સંસ્થાઓ અને પ્રાણી સૃષ્ટિ પર દબાણ લાવવાનો વિરોધ કરતી સંસ્થાઓએ મોટે પાયે દેખાવો શરૂ કરી દીધા છે. દરોડાને લીધે જે તે રાજ્યની શાંતિ અને સલામતી ડહોળશે તેની પણ રાજ્ય સરકાર ચિંતા વ્યક્ત કરી રહી છે. હિંસા,લૂંટફાટની ઘટનાઓ પણ વધશે.

હોમલેન્ડ સિક્યોરિટીના અંદાજ પ્રમાણે ભારતની ૨,૨૦,૦૦૦ ગેરકાયદેસર વ્યક્તિઓ અમેરિકામાં વસે છે  જો કે  'પ્યુ રિસર્ચ સેન્ટર'ના આંક પ્રમાણે ૭,૨૫,૦૦૦ આવા ભારતીયો છે. સારું એ છે કે ભારતના ૫૫,૦૦૦થી વધુ આવી વ્યક્તિઓ સામે ચાલીને સરકારના સંબંધિત વિભાગ સમક્ષ હાજર થઈ છે અને તેઓએ અમેરિકા સરકાર પાસે આશ્રય માંગ્યો છે.

આગામી સમયગાળો અમેરિકામાં ભારે તણાવભર્યો અને કુલ ૫૫ અબજ ડોલરથી વધુ ફાળવણીને કારણે વિવાદભર્યો રહેશે. ઇલોન મસ્ક સહિત રિપબ્લિકન પક્ષના સાંસદો જ આ હદની રકમ જી.ડી.પી. માંથી ખર્ચાય જાય તે નથી ઇચ્છતા. જોઈએ ટ્રમ્પ કઈ રીતે પડકાર ઝીલે છે. 

- ભવેન કચ્છી

Related News

Icon