ભગવાન શિવજીનું સ્વરૂપ નિર્ગુણ, નિરંજન, નિરાકાર અને નિર્લેપ છે
શિવમહાપુરાણની શતરુદ્ર સંહિતામાં મહાદેવજીના સો અવતારોનું વર્ણન કર્યું છે. આમ તો ભગવાન શિવ અજન્મા છે. ભગવાન શિવજીનું સ્વરૂપ નિર્ગુણ, નિરંજન, નિરાકાર અને નિર્લેપ છે પણ ભક્તજનો માટે થઈ ભગવાન સદાશિવ સગુણ બન્યા છે. ભક્તજનોના કલ્યાણ માટે થઈ ભગવાન સદાશિવે પણ લીલા ચરિત્રો કર્યાં છે. ભગવાન સદાશિવે યક્ષેશ્વર અવતારમાં દેવોના અભિમાનનું ખંડન કર્યું. દેવોનું અને દૈત્યોનું યુદ્ધ થયું જેમાં દેવોનો વિજ્ય થયો. વિજ્ય પ્રાપ્ત કર્યાં પછી દેવોના મનમાં અભિમાન આવ્યું. એ અભિમાનને તોડવા માટે મહાદેવજી યક્ષ સ્વરૂપે પ્રગટયાં. એમના હાથમાં ઘાસનું તણખલું હતું. તે સમયે અગ્નિદેવ બોલ્યાં કે, 'હે યક્ષ! હું જો ઈચ્છું તો આ તણખાને બાળી શકું.' યક્ષે કહ્યું કે, 'પ્રયત્ન કરીને જુવો.' અગ્નિદેવે પોતાની સમગ્ર શક્તિનો ઉપયોગ આ ઘાસના તણખલાં ઉપર કર્યો પણ તણખલું બળ્યુ નહિં. વરુણદેવ આવ્યા. વરુણદેવે કહ્યુ, 'હે યક્ષ! હું જો ઈચ્છું તો આ તણખલાંને ડૂબાડી શકું.' યક્ષે કહ્યું કે, 'પ્રયત્ન કરી જુવો.' વરુણદેવે પણ પોતાની શક્તિનો ઉપયોગ કર્યો પણ એ તણખલાંને ડૂબાડી શક્યા નહિં. તે સમયે વાયુદેવનું આગમન થયું. વાયુદેવે કહ્યું કે, 'હે યક્ષ! હું ઈચ્છું તો આ ઘાસના તણખલાંને ઉડાડી શકું.' યક્ષે કહ્યું કે, 'પ્રયત્ન કરી જુવો.' વાયુદેવે તણખલાંને ઉડાડવાનો પ્રયત્ન કર્યો પણ તણખલું ઉડયું નહિં. આ યક્ષને જોવા માટે દેવરાજ ઈન્દ્ર પધાર્યાં અને જેવું દેવરાજ ઈન્દ્રનું આગમન થયું તે જ સમયે યક્ષ અંતરધ્યાન થઈ ગયાં. દેવો આશ્ચર્ય પામ્યા કે, 'આ પુરુષ કોણ હશે!? કે જેની સામે આપણી કોઈ શક્તિ કામ લાગી નહિં.'

