Home / GSTV શતરંગ : Short Novel: Parallel Chapter - 2

શતરંગ / લઘુનવલ: સમાંતર પ્રકરણ - 2

શતરંગ / લઘુનવલ: સમાંતર પ્રકરણ - 2

- કથ્થાઈ રંગના ઢીલાંઢાલાં કપડાં પહેરેલાં અને અસ્તવ્યસ્ત વાળવાળા પાગલ દર્દીઓ જાણે જીવનની અર્થહીનતા પામી ગયા હોય તેમ નિરુદ્દેશ ફરી રહ્યા હતા.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

- સ્ક્રીન પર બાળકોના આનંદિત ચહેરા ચમકતા હતા. જીવનમાં સાર્થકતાનો નક્કર આયામ ઉમેરી દે તેવા નિર્દોષ ચહેરા, જિંદગી ખુવાર કરી દેવાનું મન થાય એવા સુંદર ચહેરા...

અનિકેત મહેતા એક વિખ્યાત ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર છે. એ એશિયાની ટોપ-ફાઇવ મેન્ટલ હોસ્પિટલને આવરી લેતી એક દસ્તાવેજી ફિલ્મ બનાવવા ધારે છે. મુંબઇના મનોરી ટાપુ પર આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેન્ટલ હેલ્થમાં આમ તો કોઈને શૂટિંગ કરવાની પરવાનગી મળતી નથી, પણ અનિકેતને અપવાદ રૂપે પરમિશન આપવામાં આવી છે. પોતાની ટીમ સાથે મેન્ટલ હોસ્પિટલ પહોંચ્યા બાદ અનિકેત સુપ્રિન્ટેન્ડન્ટ ત્રિપાઠીને એમની ચેમ્બરમાં મળે છે. સુપ્રિન્ટેન્ડન્ટ માહિતી આપે છે કે દેશના કેટલાક સૌથી ખતરનાક, હિંસક અને અનપ્રિડિક્ટેબલ પેશન્ટ્સને આ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. એમાંથી સૌથી ડેન્જરસ પેશન્ટનું નામ કાનજી છે, જેણે પોતાની પત્ની અને સંતાનોની હત્યા કરી નાખી છે. 

હવે આગળ....

અ નિકેતે પડખું બદલ્યું. તે સાથે સપનું પણ બદલાયું. અનિકેતે જોયું કે પોતાનાં બન્ને બચ્ચાં - છ  વર્ષનો આર્જવ અને દોઢ વર્ષની ઝારા - હવામાં તરતાં તરતાં પોતાની નજીક આવી રહ્યાં છે.

-ડેડી, જુઓ અમને ફ્લાય કરતાં આવડી ગયું! 

ખુશખુશાલ આર્જવ પોતાના બન્ને હાથ પાંખોની જેમ લહેરાવી રહ્યો હતો.

- પહેલાં સ્વિમિંગ તો શીખ! પછી ફ્લાઇંગ શીખજે... અનિકેત હસ્યો.

- બહુ મજા આવે છે ડેડી, ફ્લાય કરવામાં... ઝારાને પણ આવડી ગયું, જુઓ!

 - હમ્મ્મ્... વેરી ગુડ. ચાલો, હવે અંદર આવી જાઓ.  

- હમણાં નહીં, ડેડી... થોડી વાર પછી.

- તમે એમ નહીં માનો... કહીને અનિકેતે આકાશમાં તરી રહેલા બન્ને બચ્ચાઓનો એક-એક હાથ પકડીને ઘરમાં ખેંચી લીધાં. બચ્ચાઓએ આનંદથી કિલકિલાટ કરી મૂક્યો.  

અનિકેતની આંખો ખૂલી ગઈ. સ્વપ્ન અટકી ગયું, થંભી ગયેલા શ્વાસની જેમ. બચ્ચાઓનો કિલકિલાટ ક્યાંય સુધી કાનમાં ગૂંજતો રહ્યો. અનિકેતે ઓશિકા નીચે દબાઈ ગયેલો મોબાઇલ ફંફોસીને બહાર કાઢયો. મોબાઇલની સ્ક્રીન પર બાળકોના આનંદિત ચહેરા ચમકતા હતા. જીવનમાં સાર્થકતાનો નક્કર આયામ ઉમેરી દે તેવા નિર્દોષ ચહેરા, જિંદગી ખુવાર કરી દેવાનું મન થાય એવા સુંદર ચહેરા...

સવારના આઠ થયા હતા. જગ્યા નવી હતી, પણ ધાર્યા કરતાં વધારે સારી ઊંઘ આવી ગઈ હતી. અનિકેત બાથરૂમમાં ઘૂસ્યો. સવારની વિધિઓ પતાવીને, શાવર લઈને એ બેસિનના અરીસા સામે ઊભો રહ્યો. કાચની સપાટી પર પાણીનાં ટીપાં બાઝી ગયાં હતાં. અનિકેતે અરીસા પર નેપ્કિન ફેરવ્યું. અરીસામાં ઓગણચાલીસ વર્ષનો પુરૂષ ઉપસી આવ્યો. આ 'હું' છું, જેને કેટલીય વાર કહેવામાં આવ્યું છે કે એક ફિલ્મમેકર હોવા માટે તમે વધારે પડતા ગુડલુકિંગ છો. એક ડોક્યુમેન્ટરી મેકર બદસૂરત હોય તો વધારે બૌદ્ધિક અને 'ઓથેન્ટિક' લાગે છે! અનિકેતને હસવું આવી ગયું. એ પોતાનું પ્રતિબિંબ ધ્યાનથી નિહાળતો રહ્યો. શરીર વધી ગયું છે. દોઢ-બે વર્ષથી એક્સરસાઇઝ વગેરે સાવ બંધ ગઈ છે-

તૈયાર થઈને અનિકેત નીચે આવ્યો. ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ઓફ મેન્ટલ હેલ્થના કેમ્પસના લગભગ છેવાડે ઊભેલી આ બિલ્ડિંગમાં નીચેના બે માળ બંધ હતા, જ્યારે ઉપલા ત્રણ માળના કુલ છ ફ્લેટ ગેસ્ટ રૂમ તરીકે વપરાતા હતા. અનિકેત સહિત આખી ટીમ માટે રહેવાની વ્યવસ્થા અહીં જ કરવામાં આવી હતી. ખાવાપીવા માટે એક અલાયદો ફ્લેટ ફાળવવામાં આવ્યો હતો. અનિકેત 'ડાઇનિંગ ફ્લેટ'માં આવ્યો ત્યારે ટીમના બાકીના સભ્યો બ્રેકફાસ્ટ કરી રહ્યા હતા.

'ગુડમોર્નિંગ, સર!' સૌ લગભગ એકસાથે બોલ્યા. 

'મોર્નિંગ... મોર્નિંગ...'

'સર, તમે બેસો. હું તમારા માટે પ્લેટ લઈ આવું છું,' લોકેશે ઊભા થવાની ચેષ્ટા કરી.  

'હું લઈ લઉં છું. યુ પ્લીઝ કન્ટિન્યુ.' 

કિચનમાં એક મધ્યવયસ્ક રસોઈયો પ્લેટફોર્મ પાસે ઊભો ઊભો કશુંક રાંધી રહ્યો હતો. અનિકેત સામે જોઈને એણે ગરીબડું સ્મિત કર્યું. એ ઓરિસ્સાનો હતો અને કેમ્પસમાં જ રહેતો હતો. પ્લેટફોર્મ પર જુદાં જુદાં પાત્રોમાં આલુ પરાઠા, દહીં, બટાટા પૌઆ અને સેન્ડવિચ પડયાં હતાં. સેન્ડવિચ અને ચાનો મગ લઈને અનિકેત ડાઇનિંગ ટેબલ પર આવી ગયો.

ખુરાનાએ કહ્યું, 'આ લોકોએ ખાવા-પીવાની વ્યવસ્થા સારી કરી છે.'

'ફક્ત ખાવાની. પીવાની વ્યવસ્થા જાતે કરવી પડશે!' અનિકેત હસ્યો.

'તમે ડ્રિન્ક્સ તો લો છોને, સર? અફ કોર્સ, લેતા જ હશો. ફિલ્મલાઇનના માણસ છો!'

'ડ્રિન્ક્સ મેં વર્ષો સુધી ખૂબ લીધું છે,પણ હવે બંધ છે.'

'સર, તમે તો મુંબઈના જ છો તો ધારો તો અહીં કેમ્પસમાં રહેવાને બદલે રોજ ઘરેથી આવ-જા કરી શકો છો...' ચતુર્વેદીએ કહ્યું.

'પણ હું એ રીતે કામ નથી કરતો, ચતુર્વેદી...' અનિકેતે કહેવા માંડયું, 'ડોક્યુમેન્ટરીના વિષયના મૂળ સુધી જવા માટે વિષયની નજીક દિવસ-રાત રહેવું પડે, અને લાંબા સમય સુધી રહેવું પડે, વિષય સાથે આત્મીયતા કેળવવી પડે. હું મારા દરેક સબ્જેક્ટને આ જ રીતે હેન્ડલ કરું છું. આ અનિવાર્ય છે. એના સિવાય જેમના વિશે વાત કરવા માગીએ છીએ એ માણસોની, એ કમ્યુનિટીની સૂક્ષ્મતાઓ સમજાશે નહીં. આ પાગલખાનામાં પણ હું એ જ કરવા માગું છું. જ્યાં સુધી શૂટિંગ પૂરું નહીં થાય ત્યાં સુધી હું કેમ્પસની બહાર પગ મૂકવાનો નથી.'

ચતુર્વેદી, ખુરાના, લોકેશની નજર અનાયાસે આપસમાં ટકરાઈને છૂટી પડી ગઈ. અનિકેતે ચાનો ઘૂંટ પીધો. પછી ઉમેર્યુંં, '...અને આમેય મારા ઘરે કોઈ છે પણ નહીં.'

'કેમ, સર? તમારું ફેમિલી?' લોકેશે પૂછયું.

'અમેરિકા છે. મારી વાઇફનો ભાઈ સાન ફ્રાન્સિસ્કોમાં સેટલ થયો છે. વાઇફ અને બાળકો અત્યારે એને ત્યાં જ છે.'

બ્રેકફાસ્ટ કર્યા પછી લોકેશ સૌને કેમ્પસમાં ફરવા લઈ જવાનો હતો. લોકેશ અને બીજા ત્રણ સહાયકો શૂટિંગના સરંજામ સાથે કેમ્પસમાં સૌથી પહેલાં આવી ગયા હતા. નીચે એક ખુલ્લી જીપ રાહ જોઈને ઊભી હતી. સૌ ગોઠવાયા. અનિકેતે નોંધ્યું કે આ ગઈ કાલવાળો જ ડ્રાઇવર છે, જે મનોરી જેટીથી કેમ્પસ આવતી વખતે રસ્તામાં એને વિચિત્ર નજરે જોયા કરતો હતો.  

'સર, આ ડોક્ટરો અને સ્ટાફના ક્વાર્ટર્સવાળો એરિયા કેમ્પસનો સૌથી શાંત અને સલામત હિસ્સો છે,' લોકેશે કહ્યું, 'પેલું બેઠા ઘાટનું મકાન સેન્ટ્રલ કિચન છે, પણ એ બંધ પડયું છે. હવે બધી બિલ્ડિંગમાં સ્વતંત્ર કિચન બનાવી નાખ્યાં છે.'

સેન્ટ્રલ કિચનની પાછળ, થોડે દૂર એક ઊંચી-પહોળી બિલ્ડિંગ એકલીઅટૂલી ઊભી હતી. અહીંનું સૌથી ઊંચું મકાન આ જ લાગતું હતું, પણ તે કદાચ બંધ પડયું હતું. જીપે વળાંક લીધો. અનિકેતને એકદમ સુપ્રિન્ટેન્ડન્ટ યાદ આવી ગયા... અને એમની ચેમ્બરમાં લટકાવેલું દેવીનું પેઇન્ટિંગ. શું નામ હતું એ ગ્રીક ગોડેસનું? હા, નેમોસિની! સ્મૃતિની દેવી, જેની આંખોમાંથી અંગારા વરસતા હતા... અનિકેત અસ્વસ્થ થઈ ગયો. એને જોકે આ અસ્વસ્થતાનું કારણ સમજાયું નહીં. 

જીપ એક ગ્રે રંગની બિલ્ડિંગ પાસે ઊભી રહી.  'સર, આ જુઓ,' લોકેશે કહ્યું, 'કેમ્પસની આ સૌથી બિઝી બિલ્ડિંગ. એમાં ત્રણ વોર્ડ્સ છે. આપણે અંદર જઈને જોઈએ.' 

જીપ બહાર પાર્ક થઈ. સૌ બિલ્ડિંગમાં આવ્યા. અહીં ખરેખર ખાસ્સી ચહલપહલ હતી. વચ્ચે વચ્ચે માનસિક રીતે અસ્થિર લોકોના ચીસોટા ને મોટે મોટેથી હસવાના અવાજો પડઘાઈ જતા હતા. લોકેશ સમજાવતો ગયો. સર, આ જનરલ સાઇકિએટ્રી વોર્ડ... અહીં ડિપ્રેશન, એન્ઝાઇટી, બાઇપોલર જેવા કોમન સાઇકિએટ્રિક ડિસઓર્ડર ધરાવતા પેશન્ટોની સારવાર થાય છે. બીજા માળે લિફ્ટમાંથી બહાર આવતાં સામે જ બોર્ડમાં મોટા અક્ષરે લખાયેલું હતુ: 'સિવિયર સાઇકોસિસ વોર્ર્ડ.' બીજા અને ત્રીજા માળે  સ્કિઝોફ્રેનિયા, ડિલ્યુઝનલ ડિસઓર્ડર અને અન્ય તીવ્ર સાઇકોટિક બીમારી ધરાવતા દર્દીઓને રાખવામાં આવ્યા હતા. સૌ લોબીમાં આગળ વધતા ગયા તેમ પેશન્ટોની ચીસો અને અટ્ટહાસ્યના અવાજો વધારે સ્પષ્ટતાથી સંભળાવા લાગ્યા. સામેથી નર્સ જેવી લાગતી બે સ્ત્રીઓ આવી રહી હતી. 

'ગુડ મોર્નિંગ, શિંદે સિસ્ટર... ગુડ મોર્નિંગ, પાટિલ મેમ!' લોકેશે હસીને બન્નેનું અભિવાદન કર્યું. 

'ગુડ મોર્નિંગ...' બન્ને સ્ત્રીઓ શંકાશીલ નજરે જોતી ઝડપથી બાજુમાંથી પસાર થઈ ગઈ. 

લોકેશ બોલ્યો, 'સર, ચોથા માળે એક લેબોરેટરી છે. મને લાગે છે, ન્યુરોસાયન્સ એન્ડ બ્રેઇન રિસર્ચ લેબ કે એવું કશુંક નામ છે.'

'ત્યાં જવાની અત્યારે જરૂર નથી,' અનિકેતે ઉતાવળે કહ્યું, 'આપણે હજુ આખું કેમ્પસ જોવાનું બાકી છે. લિફ્ટ ક્યાં છે?'

નીચે ઉતરીને બિલ્ડિંગની બહાર પગ મૂકતાં જ ખુલ્લી હવામાં અનિકેતને રાહત થઈ ગઈ. બન્ને બાજુ હરિયાળી લૉન પર કથ્થાઈ રંગના ઢીલાંઢાલાં કપડાં પહેરેલાં અને અસ્તવ્યસ્ત વાળવાળા પાગલ દર્દીઓ જાણે જીવનની અર્થહીનતા પામી ગયા હોય તેમ નિરુદ્દેશ ફરી રહ્યા હતા. જીપને ત્યાં જ રહેવા દઈને સૌ સામેની બિલ્ડિંગ તરફ આગળ વધ્યા. અહીં ગ્રાઉન્ડ ફ્લોર પર સાઇકોથેરપી એન્ડ કાઉન્સેલિંગ યુનિટ હતું. ફર્સ્ટ ફ્લોર પર ડિમેન્શિયા, અલ્ઝાઇમર્સ જેવી વૃદ્ધાવસ્થા સાથે સંકળાયેલી માનસિક બીમારીઓની સારવાર થતી હતી. 

'ઉપર ચાઇલ્ડ અને અડોલોસન્સ સાઇકિએટ્રી વોર્ડ છે, સર...' લોકેશે કહ્યું, 'ત્યાં એડિક્શન રિહેબિલિટેશન સેન્ટર પણ છે, જેમાં દારૂ અને ડ્રગ્ઝના બંધાણીઓ માટે-'

'એક મિનિટ, લોકેશ.' અનિકેત ઊભો રહી ગયો, 'તું અહીં હજુ બે જ દિવસ પહેલાં આવ્યો છો, રાઇટ?'

'હા, સર. કેમ?' લોકેશ સહેજ ખચકાયો. 

'બે જ દિવસમાં તેં આ કેમ્પસ વિશે આટલું બધું શી રીતે જાણી લીધું?' અનિકેતની દ્રષ્ટિ તીક્ષ્ણ થઈ, 'આઇ મીન, તું અમને કેમ્પસમાં એવી રીતે ફેરવી રહ્યો છે જાણે તું અહીંનો ગાઇડ હોય...'

'અરે સર, હું રિસર્ચર છું. આ જ તો મારું કામ છે.'

લોકેશના આ જવાબથી અનિકેતને ખાસ સંતોષ ન થયો. ખુરાનાએ કહ્યું, 'સર, અમે તમારી સાથે પહેલીવાર કામ કરી રહ્યા છીએ. ઇન ફેક્ટ, આપણે બધા એકબીજા સાથે પહેલી જ વાર કામ કરી રહ્યા છીએ એટલે કોઈને કોઈની વર્કિંગ સ્ટાઇલ વિશે કશી જ ખબર નથી. આઇ મીન-'

 'પણ મારી આ જ સ્ટાઇલ છે,' અનિકેત દૂર શૂન્યમાં તાકવા લાગ્યો, 'હું ક્યારેય મારી ટીમને રિપીટ કરતો નથી. આસિસ્ટન્ટ્સ, સિનેમેટોગ્રાફર, રાઇટર, રિસર્ચર, એડિટર.... કોઈને નહીં. એટલે જ મારી દરેક ડોક્યુમેન્ટરીમાં તમને અલગ અલગ સિનેમેટિક લેંગ્વેજ દેખાશે.'

'તમારા જેવા અવોર્ડ વિનિંગ ફિલ્મમેકર પાસેથી અમારે ઘણું શીખવાનું છે...' ચતુર્વેદીએ પ્રશંસાત્મક સૂરે કહ્યું.

અનિકેત કશુંક કહેવા જતો હતો, પણ દૂરથી સુપ્રિન્ટેન્ડન્ટ ત્રિપાઠીને આવતા જોઈને અટકી ગયો. 

'ગુડ મોર્નિંગ!' સુપ્રિન્ટેન્ડન્ટે નજીક આવીને ઔપચારિક પ્રસન્નતાથી કહ્યું, 'થાક ઉતર્યો? રાત્રે ઊંઘ તો આવી ગઈ હતીને?'

'હા,' અનિકેત હસ્યો, 'મને પાગલોની વચ્ચે સારી ઊંઘ આવે છે!'

'ચાલો, ઊંઘ આવી ગઈ તે સારી વાત છે, બટ લેટ મી ટેલ યુ, અનિકેત, અમે અહીં 'પાગલ' શબ્દ વાપરતા નથી. આ  સાઇકિએટ્રિક પેશન્ટ્સ છે. અથવા ફક્ત પેશન્ટ્સ.'

'ઓહ, આઇ એમ સોરી.'

'નો, નો. ઇટ્સ ઓકે...' સુપ્રિન્ટેન્ડન્ટે અનિકેતના સાથીઓ પર નજર ઘુમાવી,'આ તમારી ટીમ લાગે છે. એમ આઇ રાઇટ?'

'હા. આ બધા મારા કી મેમ્બર્સ છે,' અનિકેતે ઓળખાણ કરાવી, 'આ ચતુર્વેદી છે - સિનેમેટોગ્રાફર. ખુરાના પ્રોડક્શન પણ સંભાળશે અને મને આસિસ્ટ પણ કરશે. આ લોકેશ - રિસર્ચર અને કૉ-રાઇટર. હજુ બીજા ત્રણ માણસો છે. એ લોકો સાઉન્ડ ને બીજું બધું કામ કરશે. બસ, આટલા જ.હું મારી ટીમને શક્ય એટલી નાની રાખવામાં માનું છું.'

'સરસ!' સુપ્રિન્ટેન્ડન્ટ બોલ્યા, 'તમે લોકોએ જોઈ લીધું આખું કેમ્પસ?'

'વેલ, ઓલમોસ્ટ,' અનિકેતે કહ્યું, 'મને લાગે છે આ એક બિલ્ડિંગ બાકી છે.'

'એક નહીં, સર, હજુ બે-ત્રણ બિલ્ડિંગ બાકી છે,' લોકેશે કહ્યું. 

'તમારે ફોરેન્સિક સાયન્ટિફિક વિંગ જોવાની પણ બાકી છે. પેલી બાજુ...' સુપ્રિન્ટેન્ડન્ટે એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગની દિશામાં આંગળી ચીંધી, 'એક કામ કરો, હું તમને પહેલાં ત્યાં જ લઈ જાઉં છું. આવો...'

અનિકેત સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાં બેઠો. બાકીના સાથીઓ જીપમાં ગોઠવાયા. 

'આ ફોરેન્સિક સાઇકિએટ્રી વિંગ, અનિકેત, કેમ્પસનો સૌથી સેન્સિટિવ એરિયા છે,' સુપ્રિન્ટેન્ડન્ટે કહેવા માંડયું, 'સૌથી ખતરનાક પેશન્ટ્સને અમે અહીં રાખીએ છીએ. આ એવા સાઇકિએટ્રિક પેશન્ટ્સ છે જેનો ક્રિમિનલ રેકોર્ડ છે અને જેમને લિગલ ઓબ્ઝર્વેેશન હેઠળ રાખવામાં આવ્યા છે. યાદ છે, મેં તમને કાનજી નામના પેશન્ટ વિશે વાત કરી હતી, જેણે પોતાની પત્ની અને બાળકોનાં મર્ડર કરી નાખ્યાં હતાં? 

એ આ જ વોર્ડમાં છે. બીજા અગિયાર પેશન્ટ્સ પણ એવા જ ખતરનાક છે, જેણે-'

'એક મિનિટ....' અનિકેતે એકદમ જ એમની વાત કાપી નાખી, 'તમારી કારમાં પાણીની બોટલ હશે?મારું ગળું સૂકાય છે...'

'પાણી બેગમાં છે. પાછલી સીટ પર. આર યુ ઓકે?'

કશો જવાબ આપ્યા વગર અનિકેતે હાથ લંબાવીને પાછલી સીટ પરથી લેધર બેગ ખેંચી લીધી. સુપ્રિન્ટેન્ડન્ટે ડ્રાઇવ કરતાં કરતાં એમાંથી પાણીની બોટલ કાઢીને અનિકેતને આપી. અનિકેતે એકશ્વાસે પા ભાગની બોટલ ખાલી કરી નાખી. એને રાહત થઈ.

'થેન્ક્યુ.'

'નોટ એટ ઓલ.'

ફોરેન્સિક સાઇકિએટ્રી વિંગની બિલ્ડિંગ આવી ગઈ. આખા કેમ્પસમાં આ એક જ મકાન એવું હતું જેના ફરતે મજબૂત દીવાલ ઊભી કરવામાં આવી હતી. બધા એન્ટ્રેન્સ તરફ ચાલવા લાગ્યા. સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું, 'એક્ચ્યુલી, આ નો-એક્સેસ ઝોન છે, અહીં કોઈ બહારનો માણસ અલાઉડ નથી, પણ હું તમારી સાથે છું એટલે વાંધો નથી. હું તમારા બધા માટે ઓલ-એક્સેસ પાસની વ્યવસ્થા કરું છું કે જેથી મારી ગેરહાજરીમાં પણ તમે અહીં આવી શકો.'

સુપ્રિન્ટેન્ડન્ટને જોઈને પ્રવેશદ્વાર પાસે ઊભેલા સશસ્ત્ર સુરક્ષાકર્મીઓ સતર્ક થઈ ગયા. રજિસ્ટરમાં ઝડપથી વિગતો નોંધીને સુપ્રિન્ટેન્ડન્ટ સૌને અંદર લઈ ગયા. લાંબી અર્ધપ્રકાશિત લોબીમાં સૂનકાર વ્યાપેલો હતો. યુદ્ધ પહેલાંની શાંતિ જેવો. અચાનક અનિકેતનો મોબાઇલ રણકી ઉઠયો. અનિકેતે સ્ક્રીન તરફ જોયું. 

'વાઇફનો ફોન છે, અમેરિકાથી... એક્સક્યુઝ મી...' કહીને અનિકેત થોડાં ડગલાં દૂર ચાલ્યો ગયો. 

'હાઈ, રિયા...' અનિકેતની આંખોમાં ચમક આવી ગઈ હતી, 'કેમ છો તમે બધા? ઓલ ઓકે?'

- અમે તો જલસા કરીએ છીએ! તું શું કરે છે? 

સામે છેડેથી રિયા ઉલ્લાસપૂર્વક બોલી રહી હતી. 

'હું મનોરી બીચ પર છું, પેલી ડોક્યુમેન્ટરી માટે. મેં તને વાત કરી હતી ને?'

- ગેસ વોટ? અમે લોકો ગઈ કાલથી નાયગરા ફોલ્સ આવ્યાં છીએ. વેઇટ, હું તને વીડિયો કાલ કરું છું.

'અત્યારે ન કરતી. હું જરા-'

-બચ્ચાંઓ તો આટલું બધું પાણી જોઈને એટલાં ખુશ છે ને! તારે અમારી સાથે હોવું જોઈતું હતું, અનિકેત. 

'આઇ નો! બે-ત્રણ વર્ષ જવા દે. પછી આપણે સૌ સાથે અમેરિકા જઈશું. ત્યારે ઝારા થોડી મોટી થઈ ગઈ હશે ને એને આ બધું યાદ પણ રહેશે.'

- મેં ઇન્સ્ટાગ્રામ પર ફોટોઝ અને વીડિયો શેર કર્યા છે. જોજે. 

'જોઈ લઈશ. ચલ,પછી કૉલ કરું છું. અત્યારે જરા બિઝી છું.'

-ઓલરાઇટ. બાય. 

'બાય, રિયા.'

ફોન પૂરો કરીને અનિકેતે પીઠ ફેરવી. સૌ પૂતળાંની જેમ સ્થિર થઈને એને તાકી રહ્યા હતા. સુપ્રિન્ટેન્ડન્ટના ચહેરા પણ ન સમજાય એવી તીવ્રતા હતી. અનિકેત સહમી ગયો. 

'અહીં મોબાઇલ પર વાત કરવાનું અલાઉડ નથી...' સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું. 

'ઓહ, આઇ એમ સો સોરી.'

'તમારો વાંક નથી. હું તમને કહેતા ભૂલી ગયો. ચાલો.'

લોબીને છેડે એક બંધ દરવાજા પર '૭' નંબરનો આંકડો લખ્યો હતો. સુપ્રિન્ટેન્ડન્ટે હળવેથી ટકોરા મારીને દરવાજો ખોલી નાખ્યો. અંદર એન્ટ્રન્સ હૉલ જેવી જગ્યામાં ખુરસી પર એક પ્રૌઢ માણસ કશીક મરાઠી ચોપડી વાંચી રહ્યો હતો. એ અટેન્ડન્ટ હતો. સુપ્રિન્ટેન્ડન્ટને અચાનક આવેલા જોઈને એ સફાળો ઊભો થઈ ગયો. 

'નમસ્તે, સાહેબ.'

'નમસ્તે, સખારામ. બેસો. શિલ્પા ક્યાં છે?'

'શિલ્પા મેડમ બાથરૂમ ગયાં છે. આવતાં જ હશે.'

સુપ્રિન્ટેન્ડન્ટ અનિકેત તરફ વળ્યા,'સામાન્ય પેશન્ટને જનરલ વોર્ડમાં રાખી શકાય, પણ અહીં બધા અનપ્રિડિક્ટેબલ દર્દીઓ છે એટલે દરેકને અલાયદા એન્ક્લોઝરમાં રાખવામાં આવ્યા છે. આ કાનજીનું એન્ક્લોઝર છે.'

અનિકેતે નજર ઘુમાવી. એન્ટ્રેન્સ હૉલમાં ટેબલ-ખુરસી, એક કબાટ અને ભીંત સરસા મૂકેલા લાકડાના બાંકડા સિવાય બીજું કશું નહોતું. સામે એક દરવાજો હતો. આ દરવાજો કદાચ કાનજીના એન્કલોઝરમાં ખૂલતો હશે, અનિકેતે વિચાર્યું. ચતુર્વેેદી, ખુરાના અને લોકેશ બાંકડા પર બેસી ગયા. સુપ્રિન્ટેન્ડન્ટે કબાટમાંથી એક જાડી ફાઈલ કાઢીને અનિકેતના હાથમાં મૂકી, 'મારૃં સૂચન છે કે કાનજીને મળતાં પહેલાં તમે એના વિશે શક્ય એટલું જાણી લો. આ ફાઇલમાં એની કેસ હિસ્ટ્રી, છાપાનાં કટિંગ્સ, એક્સપર્ટ્સે કરેલા સાઇકો-એનેલિસિસના રિપોર્ટ, કાનૂની કાર્યવાહીની વિગતો બધું જ છે. આમાંનું કશું તમારા રિસર્ચ મટીરિયલમાં નહીં હોય. હેવ અ લુક. હું તમને પછી આખી ફાઇલની ફોટોકોપી કરાવીને મોકલી આપીશ.'

અનિકેતે ફાઇલ હાથમાં લીધી. ઊઘડતા પાને જ કાનજીની બ્લેક-એન્ડ-વ્હાઇટ તસવીર ચીપકાવેલી હતી. ચાલીસેક વર્ષની ઉંમર હશે. કશુંય વિશિષ્ટ ન લાગે એવો સાધારણ ચહેરો. દસ-પંદર દિવસની વધી  ગયેલી દાઢી. કપાળ પર ધસી આવેલા વિખરાયેલા વાળ અને લગભગ ભાવશૂન્ય કહી શકાય એવી આંખો. તસવીરની નીચે ગુજરાતી-અંગ્રેજી છાપાનાં કટિંગ્સ હતાં. કાનજી અર્ધશિક્ષિત કાઠિયાવાડી માણસ હતો, જેણે પોતાનાં પત્ની અને બાળકોને - 

બે-ચાર કટિંગ્સ ઊથલાવ્યાં ત્યાં અચાનક અનિકેતને પેટમાં સખત વીંટ ઉપડી. એણે ફાઇલ ટેબલ પર મૂકી દીધી. તબિયત ઓચિંતા બગડી કે શું? અનિકેતે પેટ પકડી લીધું. સુપ્રિન્ટેન્ડન્ટનું તરત ધ્યાન ગયું. 

'આર યુ ઓકે?'

'આડુંઅવળું કશુંક આડુંઅવળું ખવાઈ ગયું લાગે છે...' અનિકેતનો અવાજ તૂટયો.  

અનિકેત વાક્ય પૂરું કરે તે પહેલાં એક સ્ત્રી દરવાજામાં ઉપસી. એને જોઈને સુપ્રિન્ટેન્ડન્ટ બોલી ઉઠયા, 'આવો. તમારી જ રાહ જોતો હતો. અનિકેત, આમને મળો. આ શિલ્પા જોશી છે. કાનજીના  તમામ લિગલ અને સાઇકિએટ્રિક કામકાજનો ટ્રેક શિલ્પા રાખે છે.... અનિકેત?!'

સુપ્રિન્ટેન્ડન્ટે જોયું કે અનિકેતની આંખો ફાટી ગઈ છે. એના કપાળે પરસેવાનાં ટશિયાં ફૂટી નીકળ્યાં હતાં. અનિકેત સ્તબ્ધ થઈને શિલ્પાને એવી રીતે તાકી રહ્યો હતો જાણે સામે કોઈ ભૂત ન ઊભું હોય!

(ક્રમશ:)

- શિશિર રામાવત

Related News

Icon