Stock Market Crash Today: પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધી રહેલા તણાવની અસર શેરબજારને ( Stock Market ) પણ થઈ છે. શુક્રવારે, નિફ્ટી ફરી એકવાર 24000 ની નીચે આવી ગયો, જ્યારે સેન્સેક્સમાં પણ 900 પોઈન્ટથી વધુનો મોટો ઘટાડો જોવા મળ્યો. સૌથી મોટો ઘટાડો મિડ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં જોવા મળી રહ્યો છે. શેરબજારમાં ધડાકાને પગલે રોકાણકારોના કરોડો રૂપિયાનું નુકસાન પણ થયું છે. વૈશ્વિક બજારોમાં સારા વિકાસના સંકેતો હોવા છતાં, સ્થાનિક બજાર તૂટી પડ્યું. સવારે 10 વાગ્યે, સેન્સેક્સ 881.49 પોઈન્ટ ઘટીને 78,919.94 પર હતો, જ્યારે નિફ્ટી 285.05 પોઈન્ટ ઘટીને 23,961.65 પર હતો. છેલ્લે સેન્સેક્સમાં(Sensex) 1100થી વધુ પોઈન્ટનો કડાકો નોંધાયો છે. નિફ્ટીએ પણ 350થી પોઈન્ટના કડાકા સાથે 24000નું લેવલ ગુમાવ્યું છે. માર્કેટમાં મોટા કડાકાના કારણે રોકાણકારોની મૂડીમાં આજે રૂ. 10.72 લાખ કરોડનું ધોવાણ થયું છે.
શેરબજારમાં સાર્વત્રિક મંદીના માહોલ વચ્ચે સ્મોલકેપ 1765 પોઈન્ટ અને મીડકેપ 1424 પોઈન્ટના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. બેન્કિંગ, રિયાલ્ટી, પાવર, ઓઈલ-ગેસ, ટેલિકોમ શેર્સમાં પણ મોટાપાયે વેચવાલી નોંધાતા ઈન્ડેક્સ 2 ટકાથી વધુ તૂટ્યો છે.

