
વ્યારા તાલુકાના તાડકુવા નજીક એક નાના પુલ પરથી વિદ્યાર્થીઓને મૂકી પરત ફરી રહેલી ઈકો કાર નીચે ખાબકી હતી. ઘટના ત્યારે બની જ્યારે પીપી સવાણી શાળાની વાહન સેવા આપી રહેલી કારનો ડ્રાઈવર સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી બેઠો હતો.
તંત્ર સામે ઉભા થયા સવાલ
સદનસીબે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નહતી, પરંતુ ઘટનાએ તંત્ર સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. વિદ્યાર્થીઓને લઈ જતી કેટલીક શાળાઓની વાહન વ્યવસ્થાઓ તંત્રની “રહેમ નજર” હેઠળ ઘેટા-બકરાની જેમ ચલાવાતી હોવાના આરોપો અગાઉ પણ થયા છે.
સ્થાનિકોની માગ
આ બનાવ પછી વિસ્તારમાં વાહન વ્યવહારની સુરક્ષા, શાળાની વાહન વ્યવસ્થા અને ડ્રાઈવર ટ્રેઇનિંગ અંગે ચિંતાઓ ઉઠી રહી છે. સ્થાનિકોએ માંગ કરી છે કે આવા બેદરકાર વેન ડ્રાઈવરો સામે તાપી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરે અને શાળાઓ દ્વારા આપવામાં આવતી વાહન સેવાઓ પર વિશેષ ડ્રાઈવ ચલાવે.