
પાસ્ટર સદગુણ ક્રિસ્ટી
એક ફિલોસોફરે એ પ્રમાણે કહ્યું છે ધીમે બોલો, થોડું બોલો, મીઠું બોલો કારણ આ હાડકા વિનાની જીભે અનેકના ઘણા બધાના હાડકા ખોખરા કરી નાખ્યાં છે - ભાંગી નાખ્યા છે. આ વાસ્તવિકતા છે.
મહાન પરમેશ્વરે આ જીભને 32 દાંતની વચ્ચે સુરક્ષિત રાખી છે. આ જીભ એક નાનો છતાં ઘણો જ મૂલ્યવાન અવયવ છે.
સંપૂર્ણ માણસ - સફળ માણસ કોણ છે? Who is Perfect, Sucessful Man? બોલવામાં સંયમ, વિવેક રાખનાર વ્યક્તિ - માણસ સંપૂર્ણ સફળ માણસ કહેવાય છે. પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે જો કોઈ માણસ બોલવામાં ભૂલ નથી કરતો તો તે સંપૂર્ણ માણસ છે.
કહેવત - માણસ માત્ર ભૂલને પાત્ર. દરેક માણસ ભૂલ કરે છે. ઈશ્વર સિવાય કોઈ સંપૂર્ણ નથી. માત્ર ઈશ્વર જ ભૂલ રહિત છે. ઈશ્વર જ ભૂલ નથી કરતા. બોલવામાં ભૂલ નહીં કરનાર બોલવામાં સંયમ, વિવેક રાખનાર વ્યક્તિ જ સંપૂર્ણ મનુષ્ય છે. એ જ વ્યક્તિ પોતાના શરીરને અંકુશમાં રાખવા શક્તિમાન છે.
પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે, ઘોડાને કાબૂમાં રાખવા લગામની જરૂર પડે છે અને વહાણને કાબૂમાં રાખવા સઢની જરૂર પડે છે. એ જ રીતે બોલમાં સંયમ રાખનાર જીભ ઉપર કાબૂ રાખનાર જીભને કન્ટ્રોલ કરનાર સંપૂર્ણ માણસ છે.
Dangers of the Tongue - જીભની ભયાનકતા. પવિત્રશાસ્ત્ર અનુસાર - જીભ મોટી મોટી બડાશ મારે છે. આ જીભ અગ્નિ સમાન છે. જીભ દુષ્ટતાનું જગત છે. આખા શરીરને - વ્યક્તિત્વને મલિન - અશુદ્ધ કરે છે. આ નાનકડી જીભ સમગ્ર વિશ્વને સળગાવે છે. આ જીભ નર્કથી સળગાવવામાં આવેલી છે. તે સર્વત્ર ફેલાતી મરકી છે. તે પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે. કોઈ તેને નથી વશ કરી શકતું. તે બંને બાજુથી કાપનાર બે ધારી તલવાર સમાન છે. પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે દરેક જાતના જાનવરો, પક્ષીઓ, પેટે ચાલનાર સર્વ પ્રાણીઓ વશ થાય છે પરંતુ આ જીભને કોઈ વશ નથી કરી શકતું.
કહેવત - તલવારના ઘા રુઝાય છે પરંતુ વાણીરૂપ તલવારના ઘા કેમેય કરીને વર્ષો સુધી પણ રુઝાતા નથી. પવિત્ર શાસ્ત્ર જણાવે છે કે, તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત તથા સલોણું હોય, જેથી સાંભળનારનું કલ્યાણ થાય તેઓ ખુશ થાય. આનંદ થાય. કહેવાય છે બોલવામાં સંયમ રાખનારને આંખમાં અમી તેને દુનિયા ગમી અને જીભમાં અમી દુનિયા નમી.
વાચક મિત્રો વિશ્વના ઈતિહાસ જણાવે છે કે આ જીભનો દુરઉપયોગ કરવાથી વિશ્વમાં કેટલાય ભયાનક યુદ્ધો થયા છે. હજારોની કતલ થઈ છે અને લોહીની નદીઓ વહી છે. આ જીભનો દુરઉપયોગ કરવાથી કેટલાય કુટુંબો તૂટી ગયા છે. મિત્રતા તૂટી ગઈ છે. ભાઈચારાનો અંત આવ્યો છે અને દુશ્મનાવટની દિવાલો ઊભી કરી છે. આ જીભનો દુરઉપયોગ કરવાથી વિશ્વમાં અનેક પ્રકારના પ્રશ્નો - સમસ્યાઓ સર્જાય છે. અને વિશ્વની શાંતિ હણાઈ છે.
કેટલાક વર્ષો પહેલા એક નાના ગામમાં બે કોમના લોકો પ્રેમથી-સંપીને રહેતા હતા. એક દિવસે બંને કોમના બાળકો સાથે રમતા રમતા લડી પડયા. એક બાળકે બીજા બાળકને સખત માર માર્યો પરિણામે બંને કોમના લોકો વચ્ચે મોટો ઝઘડો થયો. એક સ્ત્રીની જીભ લપસી અને બીજી કોમની સ્ત્રીને જાતિવાચક શબ્દો કહ્યા. પરિણામે ઝઘડો મોટો થયો અને ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું. બંને કોમ વચ્ચે મારામારી થઈ કેટલાક ઘાયલ થયા. લોહીલુહાણ થયા અને પોલીસને બોલાવવી પડી. એક બહેનના જાતિવાચક શબ્દોથી બંને કોમ વચ્ચે લડાઈ - મારામારી થઈ અને ગામમાં જે પ્રેમ ભાવ, ભાઈચારો હતો તેનો અંત આવ્યો અને બંને કોમ વચ્ચે દુશ્મનાવટ થઈ ગઈ. કેવું દુ:ખદ?
પવિત્રશાસ્ત્ર પ્રસંગને અનુસરીને બોલેલો શબ્દ રૂપાની ટોપલીમાં સોનાના ફળ જેવો છે. ડાહ્યો માણસ સમય આવે ચૂપ રહે છે. કારણ કે સમય ભૂંડો છે. પરિણામ દુ:ખદ હોય છે.
વાચક મિત્રો જે જીભ વડે આપણે ઈશ્વરપિતાની સ્તુતિ-આરાધના-ભજન કરીએ છીએ એ જ જીભ વડે ઈશ્વરે તેની પ્રતિમા પ્રમાણે બનાવેલા માણસને શ્રાપ આપી શકીએ ? શું મીઠું ઝરણું ખારું પાણી આપી શકે? મહાન ઈશ્વર ન્યાયાધીશ છે તેઓ આપણા શબ્દોનો પણ ન્યાય કરનાર છે. તેમને આપણે શું જવાબ આપીશું ? બોલવામાં હંમેશા સંયમ રાખીએ. ગમે તેમ બોલીને સામી વ્યક્તિના કોમળ હૃદયને ઘાયલ ન કરીએ તો કેવું સારું ?
વાચક મિત્રો, આ સનાતન સત્ય સમજવા મહાન ઈશ્વર આપણ સર્વને તેમની સ્વર્ગીય કૃપા, જ્ઞાાન, ડહાપણ આપે એ જ નમ્ર હૃદયની પ્રાર્થના સાથે શુભેચ્છા...