
અરબ સાગરમાં સર્જાયેલી લો-પ્રેશર સિસ્ટમ આજે ડિપ્રેશનમાં ફેરવાય તેવી સંભાવના છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે ગત મોડીરાત્રે ભરુચમાં વાવાઝોડા સાથે વરસાદ પડતાં ખાનાખરાબી સર્જાઈ હતી. જેમાં એક વર્ષો જૂનું લીમડીનું વૃક્ષ ધરાશાયી થયું હતું.
દરગાહ નજીક દુર્ઘટના
ગુરુવારે મોડી રાત્રે ભરૂચ જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ નોંધાયો હતો. ભારે પવનના કારણે ભરૂચ શહેરના લીમડી ચોક વિસ્તારમાં આવેલું વર્ષો જૂનું લીમડાનું વૃક્ષ ધરાશાયી થયું હતું. આ ઘટના નજીકની દરગાહ પાસે બની હતી. રાત્રિના સમયે ઘટના બની હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. આ બાબતે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.