
હાલમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદી વાતાવરણ વચ્ચે રાજકોટ એરપોર્ટ ફરી ચર્ચાનો વિષય બન્યું છે. રૂ. 326 કરોડના ખર્ચે નિર્માણ પામેલા રાજકોટના ગ્રીનફિલ્ડ એરપોર્ટની પોલ ઉઘાડી પડી છે. એરપોર્ટની છત પરથી પાણીનો ધોધ પડતા કુંડા મુકવામાં આવ્યા હતા અને તાબડતોડ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર પાણી પડતું હોવાનો વિડીયો વાયરલ થતાં તંત્ર સફાળું જાગ્યું હતું.
હિરાસર એરપોર્ટ પર ફરી એકવાર અસુવિધાનો વીડિયો વાયરલ
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના હિરાસર એરપોર્ટ પર ફરી એકવાર અસુવિધાનો વીડિયો વાયરલ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અને ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટને રૂ. 326 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું હતું. જોકે ચોમાસાની શરૂઆત થતાં જ અરાઈવલ કન્વેયર બેલ્ટમાં છતમાંથી પાણીનો ધોધ પડતો હોય એવો વીડિયો વાયરલ થયો હતો. પાણી પડતું હોવાથી કુંડા મુકવામાં આવ્યા હતા અને તાત્કાલિક સમારકામ હાથ ધરાયું હતું.
રાજકોટ એરપોર્ટ પર અસુવિધા હોવાનો આ પ્રથમ કિસ્સો નથી. આ અગાઉ ઘણીવાર મુસાફરો દ્વારા મોઇબાલ નેટવર્ક અને એસીની સુવિધાને લઇને ફરિયાદ કરવામાં આવેલી છે. રાજકોટ અવાર-નવાર કોઇનેકોઇ કારણોસર ચર્ચામાં રહે છે. ત્યારે બુધવારે સોશિયલ મીડિયા પર ફોટા અને વીડિયો વાયરલ થયા બાદ તંત્રની બેદરકારી ભૂલ છતિ થઇ છે અને ક્યાંકને ક્યાંક ભષ્ટ્રાચારની બૂ આવી રહી હોય એવું લાગી રહ્યું છે.