Home / : The Supreme Court's verdict will change the history and geography of the country's telecom industry!

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી દેશના ટેલિકોમ ઉદ્યોગનો ઈતિહાસ અને ભૂગોળ બદલાઈ જશે! આ કંપનીઓના શટર બંધ થઈ શકે

સુપ્રીમ કોર્ટના ચુકાદાથી દેશના ટેલિકોમ ઉદ્યોગનો ઈતિહાસ અને ભૂગોળ બદલાઈ જશે! આ કંપનીઓના શટર બંધ થઈ શકે

સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ટેલિકોમ કંપનીઓને એજીઆરના નાણા સરકારને ચૂકવવામાં ગણતરી કરવી, વ્યાજ કે પેનેલ્ટી સહિત કોઇપણ પ્રકારની રાહત આપવા ઇનકાર કર્યો છે. આ નિર્ણયથી એરટેલને ધક્કો લાગશે પણ વોડાફોન આઈડિયાના અસ્તિત્વ સામે મોટું જોખમ ઉભું થશે. ફરી એકવાર કોર્ટના ચુકાદાના કારણે દેશના ટેલિકોમની ભૂગોળ અને ઈતિહાસ બદલાઈ જવાના છે. 2019થી જેની ઘડીઓ ગણાય રહી હતી અને કંપની, શાખ બચાવવા વોડાફોન અને આદિત્ય બિરલા જૂથ હવે કેવી રીતે વોડાફોનને જીવંત રાખે છે તેના ઉપર ગ્રાહક, સ્પર્ધક અને સરકાર ત્રણેયની નજર મંડાયેલી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (એજીઆર)ના મામલે સુપ્રીમ કોર્ટે ફરીએકવાર વોડાફોન આઈડિયા, ટાટા અને ભારતી એરટેલની અરજી નકારી કાઢી છે. સુપ્રીમ કોર્ટે કોઇપણ પ્રકારની રાહત નહીં આપવાની જાહેરાત કરતા હવે વોડાફોન અને આઈડિયા માટે પોતાની સેવાઓ ચાલુ રાખવા માટે એક મોટો પડકાર ઉભો થયો છે. કંપની ખુદ સ્વીકારે છે કે ૨૦૨૫-૨૬ના નાણાકીય વર્ષ સુધી જ પોતે કાર્યરત રહી શકે એમ છે અને કોઈ રાહત નહીં મળે તો બંધ કરી, નાદારી નોંધાવવાનો વારો આવશે. વોડાફોન બંધ થાય તો ભારતની મોબાઈલ સેવાઓ આપતી કંપનીમાં ડયુઓપોલી -ગ્રાહકને માત્ર બે જ વિકલ્પ - થશે અને તેની અસર ગ્રાહકો કઈ શરતે, ભાવે સેવાઓનો વપરાશ કરે છે તેના ઉપર પડશે. સૌથી મોટી અસર ભારતની બિઝનેસ શાખ ઉપર પડશે, બ્રિટનની વોડાફોન અને ભારતના અગ્રણી ઉદ્યોગગૃહ આદિત્ય બિરલા જૂથનું સંયુક્ત સાહસ એટલે વોડાફોન આઈડિયા છે.
 
સ્પેક્ટ્રમ ફીની ગણતરીમાં કંપનીઓની આવક કેવી રીતે ગણવી એ માટે વર્ષ ૨૦૦૫થી ડીપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ અને મોબાઈલ સેવાઓ આપતી કંપનીઓ વચ્ચે વિવાદ હતો. તા. ૨૪ ઓક્ટોબર ૨૦૧૯ના દિવસે સુપ્રીમ કોર્ટે ટેલિકોમ વિભાગની તરફેણમાં ચુકાદો આપ્યો. એજીઆર ગણવા માટે કંપની ગ્રાહક પાસેથી જે ચાર્જ વસૂલ કરે છે એ ઉપરાંત, ટેલીકોમ કંપનીઓ મોબાઈલ હેન્ડસેટ, નેટવર્ક ઇકવીપમેન્ટ અને અન્ય ચીજો વેચે છે તેના વેચાણની કિંમત પણ ઉમેરવામાં આવે અને તેના ઉપર સરકારને ફી ચૂકવવામાં આવે. 

આ ચુકાદાએ એ સમયે દેશની સૌથી મોટી, સૌથી વધુ ગ્રાહક ધરાવતી વોડાફોન આઈડિયાની કમ્મર ભાંગી નાંખી. એ સમયે કુલ રૂ.૧.૩૩ લાખ કરોડ સરકારમાં એજીઆર પેટે જમા કરવાના હતા તેમાંથી માત્ર વોડાફોને રૂ.૮૮,૦૦૦ કરોડ ભરવાના આવ્યા હતા. રિલાયન્સ જિયો એ સમયે નવી જ કંપની હતી એટલે તેના ઉપર બહુ મોટી અસર ન હતી. બીજું, એરટેલને મોટો ફટકો પડેલો પણ તેની હાલત વોડાફોન જેટલી નરમ નથી પડી. કંપનીઓ માટે માત્ર ભરવાની રકમ જ નહીં પણ સૌથી આકરી શરત છે બાકી લેણા ઉપર વ્યાજ, વ્યાજના બાકી લેણા ઉપર પેનેલ્ટી અને વ્યાજ અને પેનેલ્ટીના બાકી નાણા ઉપર પણ વ્યાજ વસૂલવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. આ કારણોસર વોડાફોન સૌથી મોટી, સૌથી જૂની કંપની હોવાથી તેના ઉપર દબાણ સૌથી વધારે આવ્યું.

૨૦૧૯થી ૨૦૨૫ વચ્ચે ભારત સરકાર અને સુપ્રીમ કોર્ટ સમક્ષ એજીઆરના મામલે અનેક રજૂઆત થઇ. કેન્દ્ર સરકારે નાણા ભરવાના સમયમાં ફેરફાર કરી આપ્યો પરંતુ, બીજી કોઈ આર્થિક રાહત આપી નહી. હા એટલું ચોક્કસ જો કંપની પોતાના દેવાની રકમ સામે સરકારને શેર ફાળવે તો સરકારે એ લેવાનો સ્વીકાર કર્યો. સુપ્રીમ કોર્ટે આ મામલે ઓક્ટોબર ૨૦૧૯ના ચુકાદામાં કોઇપણ પ્રકારની રાહત આપવાનો દર વખતે ઇનકાર કર્યો છે.

જંગી આર્થિક બોજ આવી પડતા વોડાફોન આઈડિયા અન્ય કંપનીઓ કરતા પાછળ પડી ગઈ. નેટવર્ક સુધારવા માટે, તેને આધુનિક બનાવવા માટે કંપની પાસે નાણા હતા નહી, નેટવર્ક માટે કામ કરી રહેલી કંપનીઓને ચૂકવવાના પણ ફાંફા પડવા લાગ્યા અને તેની સેવા કથળી જતા ગ્રાહકો અન્ય સેવાઓ તરફ વળ્યા. એજીઆરના ચુકાદા પહેલા વોડાફોનના દેશમાં ૩૮ કરોડ ગ્રાહકો હતા હવે ૧૩ કરોડ જ બચ્યા છે. બીજું. વોડાફોન નાણાના અભાવે આજે પણ ૫જી સેવા શરૂ કરી શકી નથી જયારે ભારતી અને જિયો લગભગ આખા દેશમાં આ સેવા આપી રહ્યા છે. સૌથી વધુ, ડેટા અને મોબાઈલ ઇન્ટરનેટના ભાવ સતત ઘટાડી એરટેલ અને જિયો નવા ગ્રાહકો ઉમેરી રહ્યા હતા જયારે ખોટ કરી રહેલી વોડાફોન પોતાના ગ્રાહકો બચાવી શકી નહી અને ઘટતા ભાવે આવક પણ ગુમાવતી રહી.

સ્પર્ધામાં ટકી રહેવા, વધારે નાણાકીય પીઠબળ મળે, નવું ધિરાણ મળે એ માટે વોડાફોને પ્રયન્ત કર્યા છે પણ તેમાં સફળતા મળી નહીં. માલિકોએ થોડા મૂડીમાં રોક્યા છે, શેરહોલ્ડર પાસેથી રાઈટ ઇસ્યુના રૂ.૨૫,૦૦૦ કરોડ એકત્ર કર્યા છે. આમ છતાં આજે દેવું ભરવા માટે કંપની સક્ષમ નથી. એટલું જ નહીં બે તબક્કા કરી કંપનીએ પોતાના શેર સરકારને બાકી લેણા પેટે આપ્યા છે. આજે સરકાર વોડાફોનમાં ૪૯ ટકા હિસ્સેદાર છે છતાં વોડાફોનને બેંકો નાણા આપવા તૈયાર નથી, કોઈ ધિરાણ આપવા તૈયાર નથી.

કંપની ફડચામાં જાય નહીં એટલે વોડાફોને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજીમાં વોડાફોન સ્વીકારે છે કે કોઈ રાહત નહીં મળે તો માર્ચ ૨૦૨૬ આસપાસ કંપની બંધ કરવી પડશે, ફડચામાં લઇ જવી પડશે અને તેનું નુકસાન માલિકો, ગ્રાહકો ઉપરાંત સરકારને પણ થશે કારણ કે સરકાર ૪૯ ટકા હિસ્સો ધરાવે છે અને બાકી લેણામાં પણ સૌથી મોટો હિસ્સો સરકારનો જ છે.

ડિસેમ્બર ૨૦૨૪ના અંતે વોડાફોને એજીઆર પેટે સરકારને રૂ.૭૦,૦૦૦ કરોડ અને સ્પેક્ટ્રમ પેટે રૂ.૧,૪૦,૦૦૦ કરોડ ચૂકવવાના છે. ડિસેમ્બર ૨૦૧૯થી દર ત્રણ મહીને કંપની ખોટ કરી રહી છે અને ગ્રાહકની ઘટી રહેલી સંખ્યાના કારણે ઘટી રહેલી આવકના કારણે તેની દેવું અને વ્યાજ પરત કરવાની શક્તિ પણ ઘટી રહી છે. હવે પાઘડીનો વળ છેડે આવી જતા, વોડાફોને સુપ્રીમ કોર્ટમાં છેલ્લી ગુહાર લગાવી હતી કે સરકાર મદદ કરે. એજીઆરના વ્યાજમાં રાહત આપે, પેનેલ્ટીમાં રાહત આપે અને જે બાકી લેણા છે તેની ગણતરી ફરી કરે. આમ થાય તો કંપનીને રાહત મળશે નહીંતર નાદારી જ એકમાત્ર વિકલ્પ છે.

ડિસેમ્બર ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટે ૨જી સ્પેક્ટ્રમમાં ૧૨૨ લાયન્સ રદ્દ કરવાનો ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવેલું કે સ્પેક્ટ્રમ એ બહુમુલ્ય મિલકત છે અને તેની ફાળવણી નહીં પણ હરાજી થવી જોઈએ. આ ચુકાદા પછી ડઝન જેટલી ફૂટી નીકળેલી ટેલીકોમ કંપનીઓ બંધ થઇ ગઈ હતી. કેટલીકે હરાજી પછી ટકી રહેવા પ્રયન્ત કર્યો પણ તે ટકી શકી નહીં. આવી જ હાલત એજીઆરના ચુકાદા પછી થશે. વિશ્વના સૌથી વિશાળ મોબાઈલ, ઇન્ટરનેટ અને ડીજીટલ બજારમાં માત્ર બે મોટી કંપનીઓ રાજ કરશે અને બાકીની બધી નામશેષ થઇ જશે.

ભારત વિશ્વનું સૌથી મોટું ડેટા માર્કેટ છે, ઇન્ટરનેટ પેનીટ્રેશન સતત વધી રહ્યું છે, વધુને વધુ લોકો મોબાઈલ થકી ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત ડિજીટલ સેવાઓનો વ્યાપ વધારી રહ્યું છે ત્યારે મોબાઈલ કંપની નાદારી નોધાવે એવી કલ્પના મુશ્કેલ છે. જોકે, એક સમયે દેશમાં આઠ મોબાઈલ સેવાઓ આપતી કંપની હતી અને દેશના કેટલાક રાજ્યોમાં તો ૧૦થી પણ વધારે. આજે માત્ર ત્રણ બચી છે. સરકારી કંપની ભારત સંચાર નિગમ અને મહાનગર ટેલીકોમ નિગમ પણ સરકારના ટેકેથી ઉભી છે બાકી ખાનગી હોત તો ક્યારની બંધ થઇ ગઈ હોત. અનીલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન, એરસેલ, વિડીયોકોન... આ બધી કંપનીઓના શટર પડી ગયા છે અને લાગે છે કે વોડાફોન એમાં ઉમેરાશે.

વોડાફોન આઈડિયા, જો બંધ થાય તો તાકીદના ધોરણે જિયો અને ભારતી એરટેલ માટે એક પડકાર હશે પણ પછી લાંબાગાળે તેમને ચોક્કસ ફાયદો થશે. પડકાર એટલા માટે કે એક સાથે ૧૬ કરોડ જેટલા ગ્રાહકો બન્નેને નેટવર્કમાં જોડાય તો તેની નેટવર્ક અને સેવા વહન કરવાની વર્તમાન ક્ષમતા ઉપર મોટો બોજ પડશે. ટેક્નીકલ દૃષ્ટિએ પણ જોવું પડે કે એરટેલ અને જિયો આટલા ગ્રાહકોને તાત્કાલિક પોતાની સાથે જોડી શકે કે નહીં.

સૌથી મોટું બજાર એટલે સફળતાની ગેરેન્ટી નહીં

કોઇપણ બિઝનેસમાં સફળતા એક મોટો પડકાર છે. માત્ર બજાર મોટું છે, વિકાસની અમાપ તક છે, બીજા નફો કરી રહ્યા છે એટલે આપણે પણ કરીશું એવો વિચાર ખોટો સાબિત થઇ શકે. આર્થિક સુધાર પછી નેવુંના દાયકામાં ભારતમાં સ્ટીલ પાછળ એક પછી એક કંપનીઓએ જંગી રોકાણ કરેલું. અપેક્ષા કરતા સ્ટીલનો વપરાશ વધ્યો નહીં અને ટપોટપ સ્ટીલ કંપનીઓ બંધ થવા માંડી હતી. આવી જ હાલત નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં છે. હવાઈ મુસાફરી માટે નાગરીકો છે, એરપોર્ટ વધી રહ્યા છે, સેવાઓ વધી રહી છે પણ દરેક કંપની સફળ થતી નથી. જેટ એરવેઝ, કિંગફિશર, ડેક્કન, દમાંનીયા જેવી ૧૬ કંપનીઓ આજ સુધીમાં બંધ થઇ છે. વધુને વધુ લોકો હવાઈ મુસાફરી કરી રહ્યા છે પણ દરેક કંપની નફો નથી કરતી. આજે સ્પાઈસ જેટ સામે નાદારીની તલવાર લટકી રહી છે. આવી જ હાલત ટેલીકોમમાં પણ જોવા મળી છે. ગ્રાહકોની સંખ્યા વધી રહી હોવા છતાં કંપનીઓની સફળતા સામે પડકાર ઉભા જ છે.

સેલફોર્સ, હચથી વોડાફોન આઈડિયા

સેલફોર્સથી હચીસન મેક્સ પછી હચીસન એસ્સાર અને છેલ્લે વોડાફોન તરીકે કંપની અસ્તિત્વમાં આવી હતી. આ બાજુ આઈડિયાનું જૂનું નામ બિરલા એટીએન્ડટી હતું, જેમાં ટાટા જૂથ જોડાયું.. ટાટા અને બિરલા વચ્ચે ઘર્ષણ થતા ટાટા નીકળી ગયું અને છેલ્લે અમેરિકન એટી એન્ડટી પણ નીકળી જતા, તેનું નામ આઈડિયા રાખવામાં આવ્યું. રિલાયન્સ જિયોએ ૨૦૧૬માં વોઈસ ઉપર કોઈ ચાર્જ નહીં એવા આક્રમક ભાવ સાથે સેવા શરુ કરતા વોડાફોન અને આઈડિયા ૨૦૧૮માં જોડાયા એ સમયે તે ૪૫ કરોડ ગ્રાહકો ધરાવતી દેશની સૌથી મોટી કંપની હતી.

Related News

Icon