ઈ.સ. 2024નું વર્ષ પુરું થવા જઈ રહ્યું છે ત્યારે વર્ષભર હેડલાઈન્સમાં રહેલા સમાચારો ફરી એક વખત જાણવાનું બધાને મન થાય. એવી ઘટનાઓ કે જેણે સમગ્ર વર્ષ દરમિયાન હેડલાઇન્સ બનાવી અને આંતરરાષ્ટ્રીય રાજકારણને પ્રભાવિત કર્યું. ચૂંટણીની દૃષ્ટિએ પણ આ વર્ષ ઘણું મહત્ત્વનું હતું. ભારતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAએ ચૂંટણી જીતીને સતત ત્રીજી વખત સરકાર બનાવી છે, જ્યારે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પાંચ વર્ષ બાદ ફરી એકવાર સત્તામાં આવ્યા છે. વર્ષ 2023ની જેમ 2024માં પણ ઈઝરાયેલ-ગાઝા સંઘર્ષ આખું વર્ષ સમાચારોમાં રહ્યો. 7 ઓક્ટોબર, 2023 ના રોજ ઇઝરાયેલ પર હમાસના હુમલાથી શરૂ થયેલું આ યુદ્ધ 2024 માં આખું વર્ષ ચાલુ રહ્યું. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 45 હજારથી વધુ પેલેસ્ટિનિયન નાગરિકો માર્યા ગયા છે. યુક્રેન રશિયા યુદ્ધ પણ સતત સમાચારોમાં રહ્યું છે. પડોશી દેશ બાંગ્લાદેશમાં શેખ હસીના અને સીરિયામાં બશર-અલ-અસદની સરકારો પણ પડી ગઈ.

